આજે સોમવારે તા. 23 જુનની સવારે વરસેલા ધમધોકાર વરસાદના લીધે સુરત શહેરના રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. અડાજણ, પાલ, રાંદેરની હાલત કફોડી બની હતી. અહીં લોકો ઘરની બહાર નીકળે તેવી સ્થિતિ રહી નહોતી. ઘર બહાર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં તરતા થઈ ગયા હતા. વરાછા, સરથાણા, લાલ દરવાજા, રામપુરા, સલાબતપુરા, ભાગળ ચાર રસ્તા, રાજમાર્ગ સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના લીધે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.
જોકે, કટોકટીની સ્થિતિમાં સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલે કંટ્રોલરૂમનો કમાન્ડ પોતાના હાથમાં લેતા તરત જ તંત્ર દોડતું થયું હતું અને વરસાદનું જોર થોડું ઓછું થતા જ પાણીના નિકાલની દોડધામમાં અધિકારી અને કર્મચારીઓ જોતરાઈ ગયા હતા, જેના પગલે થોડા જ કલાકોમાં રસ્તા પરના પાણી ઉતરી ગયા હતા અને વાહન વ્યવહાર પૂર્વવત્ત શરૂ કરી શકાયો હતો.
પાલિકા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારે વરસાદના પગલે ઉપસ્થિત થયેલી પરિસ્થિતિને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશ્નરે કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે પરિસ્થિતિનું મોનિટરિંગ કર્યું હતું. તેમજ ઋષભ ચાર રસ્તા, ગુજરાત ગેસ સર્કલ ચાર રસ્તા અને ગલેમંડી વિસ્તારના રસ્તા ખોલી દેવામાં આવ્યા છે. સુરતમાં ભારે વરસાદના કારણે બંધ થયેલા રસ્તાઓ મનપા દ્વારા ફરી ખોલવામાં આવ્યા છે. જેમાં રાંદેર ઝોનમાં અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલા ધનમોરા કોમ્પલેક્સ, પ્રાઈમ આર્કેડ,. મોટા ભાગળ, સુભાષ ગાર્ડન વિસ્તાર, રાંદેર રોડ , સાઈ આશિષ વેજિટેબલ માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા રસ્તા બંધ થયા હતા જે ફરી શરૂ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં સૈયદપુરા અને હોડી બંગલો વિસ્તારમાં ભરાયેલા પાણી દૂર કરી રસ્તો ફરી ચાલુ કરવામાં આવ્યો છે. કતારગામ ઝોનના ગોતાલાવાડી વિસ્તારમાં પણ બંધ થયેલા રસ્તાને પુનઃ શરૂ કરાયો છે. એલપી સવાણી સર્કલ, ટ્યુશન ક્લાસમાં 8 છોકરાઓ તથા સરથાણા ફાયર સ્ટેશન પાસે મારૂતિ વાનમાં જતા 5 બાળકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.