સુરત : સુરત(Surat) મનપા(SMC)ના શાસકોને બેકફુટ પર મુકી દેનારા માત્ર સાત વર્ષમાં જ તકલાદી સાબીત થયેલા ભેસ્તાન(Bhestan)ના સરસ્વતી આવાસો(Aawas) બનાવનાર ઇજારદાર એ.એમ.ભંડેરી સામે તપાસ ચાલુ હોવા છતાં ભંડેરીને વધુ 47 કરોડના આવાસો બનાવવાની દરખાસ્ત શાસકો સમક્ષ મુકાતા વિવાદ થયો હતો. જો કે શાસકોએ આ દરખાસ્ત સ્થાયી સમિતિએ દફતરે કરી દઇ વિવાદ પર પરદો નાંખવા પ્રયાસ કર્યો છે.
- સુરત મહાનગરપાલિકાની છબી બગાડનાર એ. એમ. ભંડેરીને 47 કરોડનો પ્રોજેક્ટ આપવાની દરખાસ્ત દફતરે
- ભેસ્તાન આવાસ અને ગોતાલાવાડી ટેનામેન્ટ પ્રકરણમાં જવાબદાર કોણ ? તપાસનો રિપોર્ટ એક સપ્તાહમાં આવી જશે : સ્થાયી ચેરમેનની હૈયાધારણા
- અગાઉ બનાવેલા આવાસો તકલાદી બાંધકામને કારણે 7 વર્ષમાં ખખડી ગયા
મનપાના ઉધના ઝોનમાં ભેસ્તાનમાં ઇડબલ્યુએસ કેટગરીમાં સરસ્વતી આવાસ બનાવાયા હતા જે માત્ર સાત જ વર્ષમાં ખખડી જતાં અકસ્માત થતાં એક બાળકીએ જીવ પણ ગુમાવ્યો હતો. મનપાની ઉજળી છાપને બટ્ટો લાગ્યો છે તેમજ કરોડ રૂપિયાના ખર્ચે રિપેરીંગ અને હવે રિડેવલપમેન્ટ સ્કીમમાં લઇ જવાની ફરજ પડી છે. આ આવાસો બાબતે તપાસ પણ ચાલી રહી છે. જેનો રિપોર્ટ આવ્યો નથી. આમ છતાં આ આવાસો બનાવનાર એ. એમ. ભંડેરીને આવાસ યોજનાનો વધુ એક પ્રોજેકટ રૂપિયા 47.61 કરોડના ખર્ચે સોંપવાની દરખાસ્ત આવી હતી.
મોટા વિવાદને ટાળવા દફતરે કરી
દરમિયાન શાસકોએ તપાસનો રિપોર્ટ હજી આવ્યો નથી અને જો આ એજન્સીનું ટેન્ડર મંજુર કરાય અને રિપોર્ટ એજન્સીની વિરોધમાં આવે તો મોટો વિવાદ થાય તેમ આશંકા હોય સ્થાયી સમિતિએ ટેન્ડર સમય મર્યાદા પૂરી થઈ રહી હોવાના કારણ સાથે દરખાસ્ત દફતરે કરી દીધી હતી. દરમિયાન સ્થાયી સમિતિ ચેરમેને જણાવ્યું હતું કે, ભેસ્તાન સરસ્વતી આવાસ જર્જરિત કેવી રીતે થયા, તેમાં કોની જવાબદારી નક્કી થતી હતી તે તમામ વિગતો સાથેનો રિપોર્ટ આગામી સપ્તાહમાં રજુ થઈ જશે.