સુરત: (Surat) મુંબઇના ફોટો સ્ટુડિયોમાં (Photo Studio) આર્ટિસ્ટ તરીકે કામ કરતી અને ત્રણ સંતાનની માતા ઉપર સંબંધી યુવકે ફસાવી બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. આ અંગે મુંબઇમાં ફરિયાદ નોંધાયા બાદ ઝીરો નંબરથી અમરોલી પોલીસ (Police) મથકે ટ્રાન્સફર કરવામાં આવતા અમરોલી પોલીસે તપાસ શરૂ કરી છે.
- મહારાષ્ટ્ર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધીને સુરતના અમરોલી પોલીસ મથકે ટ્રાન્સફર કરી
- આરોપીએ મહિલાને કોસાડ આવાસમાં 15 દિવસ સાથે રાખીને બળાત્કાર ગુજાર્યા બાદ તરછોડી દીધી હતી
- સુમિત મહિલાને મળવા માટે મુંબઈ પણ જતો હતો, સુમિતે મહિલાને 15 દિવસ માટે સુરત બોલાવી હતી
મુંબઈ પાલઘર વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય ત્રણ સંતાનની માતા ફોટો સ્ટુડિયોમાં આર્ટિસ્ટ તરીકેનું કામ કરે છે. આ મહિલાનો પતિ પણ આર્ટિસ્ટ છે અને ફોટો સ્ટુડિયોમાં કામ કરતો હતો. ગત સપ્ટેમ્બર મહિનામાં આ મહિલાની મુલાકાત કોસંબાની સુરત ગ્લાસ કંપની પાસે ક્રિષ્ના કાલકે સોસાયટીમાં રહેતા સુમિત વિજય મિશ્રાની સાથે થઇ હતી. ગણેશોત્સવમાં એકબીજાના સંપર્કમાં આવેલા સુમિતે મહિલાનો મોબાઇલ નંબર લીધો હતો અને અવારનવાર વાત કરી હતી. સુમિત મહિલાને મળવા માટે મુંબઈ પણ જતો હતો,
સુમિતે મહિલાને 15 દિવસ માટે સુરત બોલાવી હતી અને પોતાના ઘરે જ રાખીને બળાત્કાર કર્યો હતો. આ ઉપરાંત સુમિતે શારીરિક સંબંધના ફોટા પણ શૂટ કરી લીધા હતા અને તે વાઇરલ કરવાની ધમકી આપીને મહિલા સાથે વારંવાર રેપ કરવામાં આવતો હતો. આ સમગ્ર ઘટના અંગે મહિલાના પતિને જાણ થઇ હતી. આ બાબતે સુમિત મિશ્રાની સામે મુંબઇ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ઝીરો નંબરના આધારે ફરિયાદ નોંધીને તેને અમરોલી પોલીસને ટ્રાન્સફર કરી હતી. આ કેસ અંગે અમરોલીના પીએસઆઇ જે.કે. બારીયા વધુ તપાસ કરી રહ્યા છે.