સુરત: (Surat) સુરતની અવધ ટેક્સટાઇલ માર્કેટના (Textile Market) વેપારી (Trader) પાસેથી 81.77 લાખનો માલ ખરીદીને પેમેન્ટ નહીં આપનારા મુંબઇના વેપારીએ ધમકી (Threat) આપતા કહ્યું કે, ‘‘અબ મેરે પાસ પૈસે કી બાત મત કરના, વરના સુરતમેં લાશ ભી નહી મિલેગી, તુ મેરા કુચ નહી ઉખાડ સકતા, સુરત મે સબ મુજે પહેચાનતે હે, મેં સુરત કા ડોન હું, તુજે જો કરના હે, વો કરલે, મે ભી દેખતા હું’. કહીને પેમેન્ટ આપ્યું ન હતું. આ બાબતે પૂણા પોલીસે મુંબઇમાં (Mumbai) રહેતા શેખ દંપતિ તેમજ બે કાપડ દલાલોની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- અવધ ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 81.77 લાખનો માલ લઇ મુંબઇમાં રહેતા વેપારીએ ઠગાઇ કરી
- મુંબઇમાં રહેતું શેખ દંપતિ તેમજ અન્ય બે દલાલ સામે પૂણા પોલીસે ગુનો નોંધ્યો
પ્રાપ્ત વિગતો મુજબ અલથાણ ડીઆરબી કોલેજની બાજુમાં મનન બંગ્લોઝમા રહેતા ફેનીલકુમાર ભરતભાઈ પટેલ (ઉ.વ.૨૩) ત્રણ વર્ષથી કેતલ હસમુખ શાહ સાથે ભાગીદારીમાં ન્યુ બોમ્બે માર્કેટ સર્કલ અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં એલ.ડી. ફર્મના નામે વેપાર કરે છે. આ દરમિયાન તેમની મુલાકાત મુંબઇના ગોરેગાંવ પાસે અશ્મી કોમ્પલેક્ષમાં રહેતા અને આઇબા એન.એક્ષના નામથી વેપાર કરતા કમલ અખ્તર શેખ અને તેની પત્ની નિલોફરની સાથે થઇ હતી. આ મુલાકાત મુંબઇમાં જ રહેતા કાપડના દલાલ અરવિંદ તેમજ રાજેશ ખંધેરીયા મારફતે થઇ હતી.
આ ચારેય કાપડ દલાલ અને વેપારીએ ભેગા મળીને ફેનીલકુમારની પાસેથી રૂા.81.77 લાખનો માલ ખરીદ્યો હતો અને ત્રીસ દિવસમાં પેમેન્ટ આપી દેશે તેમ કહ્યું હતું. જો કે, પેમેન્ટ નહીં મળતા ફેનીલભાઇએ મુંબઇમાં જઇને ઉઘરાણી કરી હતી. ત્યારે કમલ શેખે કહ્યું કે, ‘અબ મેરે પાસ પૈસે કી બાત મત કરના, વરના સુરત મે લાશ ભી નહી મિલેગી, તુ મેરા કુચ નહી ઉખાડ સકતા, સુરત મે સબ મુજે પહેચાનતે હે, મે સુરત કા ડોન હું, તુજે જા કરના હે વો કરલે, મે ભી દેખતા હું’. કમલ શેખે ફેનીલને ધમકી આપીને મુંબઇમાંથી હાકી કાઢ્યો હતો. ડરના કારણે ફેનીલકુમારે કોઇને જાણ કરી ન હતી. પરંતુ લાંબા સમય છતાં પણ પેમેન્ટ નહીં આવતા ફેનીલે તેના ભાગીદારને વાત કરીને પૂણા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે શેખ દંપતિ તેમજ બે કાપડ દલાલોની સામે ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.