Charchapatra

સુરત મ્યુ. કમિશ્નરની ચીમકી

એવા સમાચાર છે કે માંડ ૩ દિવસના ઝાપટામાં રોડ ધોવાયા. રેતી – કપચી – મટીરિયલ છૂટાં પડી ગયાં. પુણા, કાપોદ્રા, વરાછા, પાલનપોર, ઉધના સહિતના વિસ્તારોમાં કામગીરીમાં નકરી વેઠ. રીપેરીંગમાં બેદરકારી હશે તો જવાબદાર કર્મી સામે કાર્યવાહી કરાશે એવી ચીમકી સુરત મ્યુ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાનીએ ઉચ્ચારી છે. ઠીક છે. સુરત શહેર માટે તો આ રોજનું થયું. કમિશનરશ્રીને જે ચીમકી આપવી હોય તે આપે, હમ નહીં સુધરેંગે જેવી પરિસ્થિતિ છે. તુમ બક્તે હો હમ સુનતે હૈ જેવું હોય તો પરિસ્થિતિમાં ક્યાંથી ફેર પડે? જ્યાં તારું મારું સહિયારું ચાલતું હોય ત્યાં કોઇ પણ ચીમકીની અસર થાય ખરી? આટલું બધું થાય છે તો પણ સુરત મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ કે કર્મચારીઓનું રૂંવાડુંય ફરકે છે?

તેમના પેટનું પાણીય હાલતું નથી. રસ્તા બરાબર રિપેર થઈ જાય તો ઉપરની રકમ મળતી બંધ થઈ જાય તેનું શું? માની લઈએ કે કોઇ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલતો નથી તો પછી આવી કપરી પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે? કે પછી મહાનગરપાલિકાના અધિકારી અને જેને કોન્ટ્રેકટ આપવામાં આવે છે તે બન્નેમાં આવડતનો અભાવ છે? જે હોય તે, રસ્તા બન્યા પછી અત્યંત ટૂંકા ગાળામાં તે પહેલાં હતા તેવા થઈ જાય અને તેના પર દેખાવ પૂરતા ગાબડગુબડ થઈ જાય એ વાત હવે શહેરીજનોને કોઠે પડી ગઈ છે અને બધાએ સ્વીકારી લીધું છે કે એ તો આમ જ ચાલે. જોઈએ છે આ વખતે મ્યુ. કમિશ્નરની ચીમકી કેવી કામ આવે છે? સમય કહેશે અને છેલ્લે આડ વાત : કેટલાક એમ કહેશે કે એ લોકો તો નફ્ફટ અને જાડી ચામડીના એટલે તમે ગમે તેટલું કહો બધું પથ્થર પર પાણી, તો કેટલાક એમ કહેશે કે તેઓ તો તેમની ફરજ નિભાવે જ છે અને રસ્તા સરખા કરવા કામ પણ સોંપે છે પણ કારીગરો સરખું કામ ન કરે તો તેમાં એ બિચારા શું કરે?
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top