સુરત: (Surat) મધ્યપ્રદેશના હીરાના વેપારીએ સુરતના હીરા વેપારી (Diamond Trader) પાસેથી રૂા. 14.50 લાખના હીરા ખરીદીને બાદમાં પેમેન્ટ નહીં આપતા પોલીસ ફરિયાદ (Police Complaint) થઇ હતી. મધ્યપ્રદેશના પન્ના શહેરમાં રામી કોઠી વિસ્તારમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે રાજા ચૌહાણ સુરતમાં આવીને હીરાની દલાલીનું કામકાજ કરતો હતો. આ દરમિયાન તેમની મુલાકાત સરથાણા યોગીચોક પાસે તુલસી રો હાઉસમાં રહેતા અશોક કરશનભાઇ કાકડીયાની સાથે થઇ હતી. નરેન્દ્ર ચૌહાણએ અશોક કાકડીયાની સાથે શરૂઆતમાં સારો વેપાર કરીને ત્યારબાદ ધીમે ધીમે રૂા. 14.50 લાખની કિંમતના હીરા ખરીદ્યા હતા. 35 દિવસમાં પેમેન્ટ આપી દેવાનું કહીને નરેન્દ્ર ચૌહાણ મધ્યપ્રદેશ ચાલ્યો ગયો હતો. વારંવાર તેની પાસેથી ઉઘરાણી કરવા છતાં પણ નરેન્દ્ર ચૌહાણે પેમેન્ટ આપ્યું ન હતું. આ ઉપરાંત નરેન્દ્રએ અશોકભાઇ કાકડીયાને મારી નાંખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ થઇ હતી. સરથાણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ડભોલીમાં યુવાન રત્ન કલાકારનો રહસ્યમય સંજોગોમાં આપઘાત
સુરત : મૂળ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના વતની અને હાલ ડભોલી ગામ સ્વામીનારાયણ મંદિર નજીક સરદાર નગર ખાતે રહેતો 18 વર્ષીય નિકુલ દિલાભાઇ બાબરીયા વ્યવસાયે રત્નકલાકાર હતો અને પિતાને ઘર ચલાવવામાં મદદ કરતો હતો. દરમિયાન નિકુલે રહસ્યમય સંજોગોમાં આજે સવારે સાડાદસ વાગ્યે પોતાના રૂમમાં પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઇ લીધો હતો. નિકુલને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સિંગણપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચોરી ઉપર સીનાજોરી જેવો ઘાટ.. દબાણકર્તાઓ મોરચો લઈ મંત્રીની ઓફિસે પહોંચ્યા
સુરત : દબાણોના ન્યુસન્સથી ગ્રસ્ત કતારગામ ઝોનના સિંગણપોર વિસ્તારમાં ઝોનના અધિકારીઓ દ્વારા રસ્તા પર થતા લારી-ગલ્લાના દબાણો સામે વધુ એક વખત કડક કાર્યવાહી કરીને જે દુકાનદારો દબાણકર્તાઓને પોતાની દુકાન આગળ લારી-ગલ્લા, પાથરણા વગેરે મુકવા દઇને દબાણોને પ્રોત્સાહન આપે છે તેવી 69 દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. ઉપરાંત અહી ખાનગી પ્લોટ પર પતરાના સેડ નાંખીને ગેરકાયદે ધમધમતા લેસ માર્કેટને પણ વધુ એક વખત સીલ મારી દેવાયું હતું. જો કે દુકાનદારોએ ચોરી પર સીનાજોરી જેવો ઘાટ કરીને સ્થાનિક ધારાસભ્ય અને શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયાના કાર્યાલય પર રજૂઆત કરવા પહોંચ્યા હતા. જયા મંત્રી હાજર ન હોવાને કારણે દુકાનદારો રોષે ભરાયા હતા અને મંત્રીના કાર્યાલયની બહાર હાય.. હાય…. બોલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. તો એક યુવકે રોજીરોટી છીનવાઇ જવાથી રસ્તા પર આવી ગયા હોવાનો બળાપો કાઢી એક યુવકે જાહેરમાં શર્ટ કાઢી વિરોધ નોંધાવ્યો હતો.