SURAT

સુરતમાં બે વર્ષની દીકરીને દુપટ્ટાથી કમર સાથે બાંધી માતા તાપી નદીમાં કૂદી ગઈ

સુરત : (Surat) નાનપુરાના ડચ ગાર્ડન (Dutch Garden) સામેના રાંદેર તરફના છેડે મક્કાઈ પુલ પાસે તાપી (Tapi) નદીમાંથી રવિવારે મધર્સ ડેના રોજ એક અજાણી માતા-પુત્રીનો (Mother Daughter ) મૃતદેહ (Dead Body) મળી આવ્યો હતો. મહિલા અને બાળકી એકબીજા સાથે દુપટ્ટા વડે કમરના ભાગે બાંધેલી હતી. રાંદેર પોલીસે બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધારે તપાસ હાથ ધરી છે.

આ મહિલાની ઓળખ દિપાલી સાગર દૈવે તરીકે થઈ છે. તેની બે વર્ષીય પત્રીનું નામ ક્રિશા હતું. પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મૃતદેહોની ઓળખ થઈ હતી. દિપાલીના પિયર પક્ષનાઓએ કહ્યું કે, પારિવારિક ઝઘડાને લીધે દિપાલીએ આ પગલું હોવાનું લાગી રહ્યું છે.

દિપાલી તેના પતિ સાગર બદ્રીનાથ દૈવે સાથે ડિંડોલીની કરાડ રોડ પ્રયોશા પાર્ક સોસાયટીમાં રહેતી હતી. ગઈ તા. 7મી મે ના રોજ 26 વર્ષીય દિપાલી 2 વર્ષની દીકરી ક્રિશા સાથે ઘરેથી ચાલી ગઈ હતી. તેના પરિવારજનો દ્વારા આ અંગેની અરજી ડિંડોલી પોલીસ મથકે આપવામાં આવી હતી. દરમિયાન રવિવારે રિવર વ્યૂ હાઈટ્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલી હાલતમાં માતા-પુત્રીની કોહવાયેલી લાશ મળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક નદીમાંથી લાશ કાઢી સિવિલ મોકલાઈ હતી, જ્યાં બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાયા હતા.

વધુમાં જાણવા મળતી વિગત અનુસાર મૃતક દિપાલીના પતિ સાગર દૈવે ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. પરિવારમાં પતિ-પત્ની તેમની દીકરી ઉપરાંત માતા-પિતા રહેતા હતા. આ પરિવાર મૂળ મહારાષ્ટ્રના નાંદુરા જિલ્લાના બુલડાનો વતની છે. દાંપત્ય જીવનમાં કંકાસ રહેતો હતો. મૃતક દિપાલીના ભાઈ પુનિલ સોનાવણએ કહ્યં કે, બહેનના ઘરે પારિવારિક ઝઘડા હતા. સાસુ અને નણંદ સાથે ઝઘડા રહેતા હતા. તેના લીધે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે.

દરમિયાન નવી સિવિલ અને રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે સવારે નાનપુરાના ડચ ગાર્ડન સામેના રાંદેર તરફના છેડે મક્કાઈ પુલ પાસે તાપી નદીમાંથી બે મૃતદેહ મળ્યા હતા. બાળકીની લાશ મહિલા સાથે દુપટ્ટા વડે કમરના ભાગે બાંધેલી હાલતમાં હતી. રાંદેર પોલીસે બંનેના મૃતદેહ મોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડ્યા હતા. પોસ્ટમોર્ટમ દરમિયામ મૃતદેહો ફુલેલી હાલતમાં હોવાથી આશરે ચાર દિવસ પહેલા તાપી નદીમાં ઝંપલાવ્યું હોવાનું અનુમાન છે. રાંદેર પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. અજાણી મહિલાએ શરીરે કાળા રંગની લેગીંઝ અને લીલો કુરતો પહેર્યો હતો. બાળકીએ ગુલાબી કલરનું શર્ટ અને કેસરી કલરનું પેન્ટ પહેર્યું હતું. બંનેના શરીરે કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી. બંનેની ઓળખ થાય તે માટે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top