સુરત: (Surat) સુરતમાં પતિ અશ્લીલ વીડિયો (Video) બતાવી પોતાની પત્નીને હેરાન કરતો હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને મહિલાને 181 અભયમની (Abhayam) મદદ લેવી પડી હતી. પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો કોલ મહિલા હેલ્પલાઈન નંબર 181 પર આવ્યો હતો. આ અંગે પત્નીએ જણાવ્યું હતું કે તેનો પતિ મોબાઈલ (Mobile) ફોનમાં ખરાબ વીડિયો જોઈ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરે છે. એટલું જ નહીં તે અશ્લીલ વીડિયો સગા-સંબંધીઓને પણ મોકલે છે. આ મામલે અભયમની ટીમે પતિને સમજાવી બંને વચ્ચે સમાધાન કરાવ્યું હોવાની જાણકારી મળી છે.
મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં રહેતી 50 વર્ષની એક મહિલાનો મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન આવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે હતું કે તેમના પતિનું એક્સિડન્ટ થયું હોવાથી તે 5 વર્ષથી કંઈ કામધંધો કરતો નથી. મહિલા પોતે મજૂરી કામ કરે છે. પીડિતાને સંતાનમાં 2 દીકરા છે. તેના દીકરાઓ પણ કામકાજ કરે છે. જોકે પતિ કોઈ કામકાજ કરતો ન હોવાથી દીકરાએ તેને લોકડાઉનમાં સ્માર્ટફોન લાવી આપ્યો હતો. આ જ મોબાઈલ મહિલાની પરેશાનીનું કારણ બન્યું હતું.
મહિલાએ કરેલી ફરિયાદ મુજબ તેનો પતિ તેમના મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો જુએ છે અને તે પ્રમાણે તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરે છે. મહિલા ના પાડે તો તે શારીરિક માનસિક ત્રાસ આપે છે. એટલું જ નહીં તેનો પતિ તેની બહેનપણીને પણ ફોન કરી હેરાન કરે છે. મહિલાએ જણાવ્યું કે તેઓ ઉત્તર પ્રદેશના વતની છે અને રોજગારી માટે સુરત આવ્યા છે. મહિલાની ફરિયાદ બાદ અભમયની ટીમે મહિલાના પતિને સમજાવ્યા હતા. લિગલ સમજ પણ આપી હતી. તેનો મોબાઈલ ફોન પણ દીકરાને પરત આપી દીધો છે. આમ અભયમની ટીમે પતિ-પત્નીને સમજાવી બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.