SURAT

સુરતમાં ભાજપના ધારાસભ્ય ઝંખના પટેલની કાર સામે ત્રણથી ચાર દારૂડિયા ઉભા રહી ગયા

સુરત: (Surat) લિંબાયતમાં રામકથાના ધાર્મિક મંડપ પાસે દારૂની (Alcohol) રેલમછેલને લઇને ભારે વિવાદ સર્જાયો છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભામાં બેસનારા ધારાસભ્યએ આ બાબતે પીઆઇને ફોન કરતા સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. વાત એવી હતી કે, સુરત ચોર્યાસી વિધાન સભાના ધારાસભ્ય (MLA) ઝંખના પટેલ ગોડાદરા ખાતે આયોજીત એક રામકથામાં જઇ રહ્યાં હતાં ત્યારે કેટલાક દારૂડિયાઓ તેમની કાર સામે આવી ગયા હતા. તેમણે આ બાબતે લિંબાયત પીઆઇને ફોન કરતાં તેમણે દારૂડિયાઓને (Alcoholics) પકડીને જેલ ભેગા કરી દીધા હતા.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર ગોડાદરા નહેર પાસે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા સાત દિવસથી ચાલી રહેલી આ રામકથામાં રવિવારે છેલ્લો દિવસ હતો. બીજી તરફ જે મેદાનમાં રામકથા ચાલી રહી છે તેની આગળના ભાગમાં જ ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. જેના કારણે આયોજકો મહેમાનોને પાછળના રસ્તેથી લઇ જતાં હતાં. દરમિયાન શુક્રવારે રાત્રે ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ પણ આ કથામાં જવા માટે નીકળ્યા હતાં. ત્યારે જ કેટલાક દારૂડિયાઓ તેમની કારની આગળ આવીને ઉભા રહી ગયા હતા. જેના કારણે તેમણે કાર અટકાવવી પડી હતી.

તેમણે આજુ બાજુના દ્રશ્યો જોતા તેઓ ચોંકી ગયા હતા. અહીં ખુલ્લેઆમ દારૂની મહેફિલ જામી હતી અને બીયરની પણ આપ-લે થતી હતી. તેમણે આ બાબતે તાત્કાલિક લિંબાયત પીઆઇ ઝાલાને ફોન કરીને ઘટના વિશે માહિતી આપી હતી. પરંતુ ઝાલાએ તેના સ્ટાફના માણસોને મોકલીને દારૂડિયાઓને દૂર કરીને રસ્તો સાફ કરાવ્યો હતો. બાદમાં લિંબાયત પોલીસે કેટલાક દારૂડિયાની સામે ગુનો નોંધીને તેઓની અટકાયત કરી હતી.

હું ગઇ ત્યારે મારી કેટલાક લોકો બીયરની આપ-લે કરી રહ્યા હતા : ઝંખના પટેલ
ચોર્યાસી ધારાસભ્ય ઝંખના પટેલે માહિતી આપતા કહ્યું કે, હું રાત્રે રામકથામાં ગઇ ત્યારે ત્યાં ખુલ્લામાં કેટલાક લોકો બીયરની આપ-લે કરી રહ્યા હતા. મારી ગાડીની આગળ કેટલાક લોકો આવી ગયા હતા. આ દૃશ્ય જોઇને મેં પીઆઇ ઝાલાને ફોન કર્યો હતો, લિંબાયત પોલીસનો સ્ટાફ આવ્યા બાદ હું રામકથામાં ગઇ હતી.

હું હાઇકોર્ટમાં ગયો હતો અને પોલીસ સ્ટાફને મોકલીને દારૂડીયાને પકડ્યા છે : પીઆઇ ઝાલા
લિંબાયતના પીઆઇ એચ.બી. ઝાલાએ માહિતી આપતા કહ્યું હતું કે, મારે ગુજરાત હાઇકોર્ટમાં તારીખ હોવાથી હું ગુજરાત હાઇકોર્ટ આવ્યો હતો. રાત્રે મારી ઉપર ફોન આવ્યો ત્યારે પોલીસના સ્ટાફને મોકલ્યો હતો. કેટલાક દારૂડિયાઓ દારૂ પીને ધારાસભ્યની ગાડીની આગળ આવી ગયા હતા, તેઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.

થોડા દિવસ પહેલા પણ રામકથામાં પથ્થરમારો કરાયો હતો
રામકથા સાંભળનારા ભક્તોના કહેવા પ્રમાણે થોડા દિવસ પહેલા પણ અહીં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મંડપમાં બેસતા કેટલાક વ્યક્તિઓને આ પથ્થર વાગ્યા હતા. આ હુમલામાં કથાકાર બાપુ થોડા જ રહી ગયા હતા. આ બાબતે પણ પોલીસને ફોન કરીને જાણ કરાઇ હતી, પરંતુ પોલીસે પણ કોઇ કાર્યવાહી કરી ન હતી.

કથા શરૂ કરતા પહેલા જ બુટલેગરોને વિનંતી કરાઇ હતી
પ્રાપ્ત વિગતો મુજબ રામકથાનું આયોજન કરવામાં આવ્યું તે પહેલા જ રામકથાનું આયોજન કરનાર સંચાલકોએ પોલીસને જાણ કરી હતી, આ સાથે જ બુટલેગરોને તો વિનંતી કરીને અઠવાડિયા માટે દારૂના ધંધો બંધ રાખવા જણાવાયું હતું, પરંતુ તેઓ માન્યા ન હતા. આખરે કથામાં આવતા મહેમાનોને દારૂના અડ્ડા જોવા ન પડે તે માટે પાછળથી રસ્તો રાખવામાં આવ્યો હતો.

Most Popular

To Top