સુરત: (Surat) સુરતમાં નજીવી બાબતે હત્યાના (Murder) કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના કતારગામ વિસ્તારમાં સામે આવ્યો છે. કતારગામમાં એક દિવસ પહેલાં યુવકની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ હત્યા સામાન્ય બાબતે થઇ હતી, જેમાં બે સગીરોએ (Minor) યુવક પાસેથી બીડી માંગી હતી, પરંતુ તેણે બીડી (Cigar) આપવાની ના પાડતાં બંનેએ યુવકને ચપ્પુના (Krife) ઘા મારી હત્યા કરી નાંખી હતી. પોલીસે આ બંને સગીરની અટકાયત કરી તેમને બાળહોમમાં મોકલી દેવાની તજવીજ કરી હતી.
- બંનેએ ચપ્પુ વડે જીતુને પેટ તેમજ છાતીના ભાગે ઇજા કરી હત્યા કરી નાંખી
- પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી
પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરુવારે સવારે સાતેક વાગ્યે લલિતા ચોકડી રામેશ્વર કોમ્પ્લેક્સ શ્યામ પાવર ટૂલ્સ એન્ડ મશીન નામની દુકાનની બહાર જીતુ ઉર્ફે ભાભો નામના યુવકની છાતીમાં તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ બાબતે હત્યાનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસે ફૂટેજના આધારે બે સગીરને અટકાયતમાં લીધા હતા અને તેમની પૂછપરછ કરતાં તેમણે કહ્યું કે, આ બંનેએ રાત્રિના સમયે જીતુની પાસેથી બીડી માંગી હતી, પરંતુ તેને બીડી આપવાની ના પાડતાં બંનેએ ચપ્પુ વડે જીતુને પેટ તેમજ છાતીના ભાગે ઇજા કરી હત્યા કરી નાંખી હતી. પોલીસે આ બંને સગીરની અટકાયત કરી તેમને બાળહોમમાં મોકલી દેવાની તજવીજ કરી હતી.
કતારગામમાં પોલીસ ચોકી પાસે જ જુગાર રમતા 10 પકડાયા
સુરત : કતારગામ જીઆઇડીસી પોલીસ ચોકીની પાસે જ જુગાર રમતા જુગારીઓને પોલીસે પકડી પાડી 89 હજારની મત્તા કબજે કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ જીઆઇડીસીની પાસે ખુલ્લુ મુદાન આવ્યું છે. આ મેદાનમાં કેટલાક યુવકો જુગાર રમતા હોવાની માહિતી મળતા જ પોલીસે અહીં રેડ પાડી હતી અને ત્યાંથી અનિલ નારાયણ પંચાલ, વિષ્ણુ બલીરામ કોકટે, ગજાનંદ ગણેશ ખુંટે, જ્ઞાનેશ્વર શિવનારાયણ ખેડેકર, આકાશ અશોકભાઇ ગવઇ, સુનિલ અમસરમોલ, નીતિન સાલવે, શિવા નીલાશે, સુમિત પાટીલ અને અનિલ મોરેની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે તેઓની પાસેથી અંગઝડતી તેમજ દાવપરના મળીને કુલ્લે રૂા. 89 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.