SURAT

રિંગરોડ મિલેનિયમ માર્કેટ-2માં દુકાન ખુલ્લી રખાવનાર મેનેજરની ધરપકડ, કાપડનાં પાર્સલો સીઝ કર્યા, 27 લોકોને દંડ

સુરત: (Surat) રાજ્યના ગૃહસચિવના જાહેરનામાનો ભંગ કરી એમ-2 (મિલેનિયમ-2) કાપડ માર્કેટમાં (Textile Market) 20થી 25 વેપારીએ દુકાન ખોલી કાપડનાં પાર્સલો અન્ય રાજ્યો માટે મોકલવાનું શરૂ કરતા બંધમાં જોડાયેલા વેપારીઓની ફરિયાદને પગલે પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પોલીસ સાથે એમ-2 માર્કેટમાં પહોંચતાં વેપારીઓએ ભાગદોડ મચાવી હતી. મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં મેનેજરે મૌખિક પરવાનગી આપી કેટલીક દુકાનો ખુલ્લી (Shop Open) રખાવતા અન્ય વેપારીઓએ સોમવારે બપોરે હોબાળો મચાવી દીધો હતો. જેના પગલે સલાબતપુરા પોલીસે મેનેજરની ધરપકડ કરી હતી.

પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પોલીસ સાથે એમ-2 માર્કેટમાં પહોંચતાં વેપારીઓએ ભાગદોડ મચાવી હતી. કેટલાક કામદારો એમ-2 માર્કેટના ગેટ કૂદીને પોલીસથી બચવા ભાગી રહ્યાના વિડીયો વાયરલ થયા હતા. આ મામલામાં ફોસ્ટાના અગ્રણીઓ મનોજ અગ્રવાલ અને રંગનાથ શારડાએ જણાવ્યું હતું કે, કેટલાક વેપારીઓએ ગઈકાલે અને સોમવારે દુકાનો ખોલી વેપાર શરૂ કરતાં અન્ય વેપારીઓ નારાજ થયા હતા. દુકાનો ચાલુ હોવાની ફરિયાદ ફોસ્ટા, પોલીસ અને પાલિકાને થતાં પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ પોલીસ લઇને માર્કેટમાં પહોંચતાં નાસભાગ મચી હતી. પાલિકા અને પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ કાપડનાં પાર્સલો ભરેલા ટેમ્પો જપ્ત કર્યા હતા અને 27 લોકો પાસે 1000 રૂપિયા દીઠ 27 હજારનો દંડ વસૂલ્યો હતો. ફોસ્ટા દ્વારા પાંચ મે સુધી કાપડ માર્કેટ સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે અને તે રાજ્યના ગૃહવિભાગે પણ માર્કેટ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પરંતુ સ્ટાફને પગાર આપવાને બહાને દુકાન ખોલી વેપાર કરવામાં આવી રહ્યો હતો.

બંધના મામલે એકસમાન નિર્ણય લેવા ચેમ્બર, ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ બનાવે તેવી માંગ
સુરત મર્કન્ટાઇલ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાને પત્ર લખી ટેક્સટાઇલમાં અલગ-અલગ સંગઠનો કોરોનાની સ્થિતિમાં જુદા-જુદા સમયે બંધનું એલાન આપે છે તેને લઇને ઘણી અગવડ પડી રહી છે. ચેમ્બરે આ મામલે સંકલન કરી એક ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ બનાવવી જોઇએ તથા પાંચ મે પછી કોઇ પણ સંજોગોમાં માર્કેટ બંધ ન રહેવી જોઇએ. સરકારે ઔદ્યોગિક સંસ્થાઓને 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની છૂટ આપી હોવાથી ઓડ-ઇવન પદ્ધતિથી માર્કેટમાં વેપાર થવો જોઇએ. ઉદ્યોગકારોને રો-મટિરિયલ, લોજિસ્ટિક સપોટ અને ફિનશ્ડ ગુડ્સના પ્રશ્નો આવે તો સંકલન કરી તેનું નિરાકરણ લાવવું જોઇએ. ચેમ્બરે કાપડના વેપારીઓ યાર્ન ઉત્પાદકો, યાર્ન ડિલર્સ, વિવર્સ, પ્રોસેસર્સ, વોર્પ નિટર્સ, એમ્બ્રોઇડરી સર્ક્યુલર નીટર્સ અને ટ્રાન્સપોટર્સ સાથે સંકલન કરી ટાસ્ક ફોર્સ બનાવવી જોઇએ.

Most Popular

To Top