Business

સુરતના મિલમાલિકોને કોલસાની આયાત પાછળ અઢી ગણી કિંમત ચૂકવવી પડી રહી છે, ચીનના આ કામથી ભાવ ઘટે તેવી આશા બંધાઈ

સુરત : પર્યાવરણના કારણોસર ચીનની (China Government) સરકારે કોલસાની (Coal) ખાણોમાં ખનન કામ અટકાવી ઈન્ડોનેશિયાથી આવતો કોલસો ખરીદવાનું શરૂ કરતાં ભારત સહિત પાડોશી દેશોમાં તહેવારોની સિઝન સમયે કોલસાની કિંમતો વધતાં ટેકસટાઈલ અને પાવર સેકટરને મોટું નુકસાન થયું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ટેકસટાઈલ ઉદ્યોગમાં બોઈલરને હિટ આપવા માટે ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાથી કોલસો ઈમ્પોર્ટ કરવામાં આવે છે.

સુરતના કાપડ ઉદ્યોગને કોલસાની આયાત પાછળ અઢી ગણી કિંમત ચૂકવવી પડે છે

ઉદ્યોગના સૂત્રો કહે છે કે, ભારતના ટેકસટાઈલ, પાવર અને એન્જિનિયરિંગ ઉદ્યોગને ડિર્સ્ટબ કરવા માટે ચાઈનાએ ઈન્ડોનેશિયાથી ઈમ્પોર્ટ થતો મોટાભાગનો કોલસો ખરીદી લેતાં સુરતના ટેકસટાઈલ ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગોને આયાતી કોલસા પાછળ અઢી ગણી કિંમત ચૂકવવી પડી છે. છેલ્લાં 5 મહિનામાં કોલસાની કિંમત 4200 રૂા. થી વધી 15,000 રૂા. મેટ્રિક ટન સુધી પહોંચી છે.

ભારતમાં દિવાળી સિઝનની મેન્યુફેકચરિંગ ગતિવિધિ પૂર્ણ થવાના આરે છે. ચીને ઇન્ડસ્ટ્રિયલ કોલસાનાં ભાવમાં 8 ટકાનો ઘટાડો કર્યો છે. 1982 યુઆન થી ભાવ ઘટીને 1755 યુઆન પર ગયો છે. જોકે આ કોલસો ભારતમાં ઈમ્પોર્ટ કરવા પર 2000 મેટ્રિક ટનનો ખર્ચ આવી શકે છે.

હજી પણ ચીનથી આયાત થતાં કોલસાની કિંમત 2000 યુઆન જેટલી હોવાથી ઉદ્યોગકારો કોલસાનાં ઈમ્પોર્ટ માટે હજી રાહ જોશે

સાઉથ ગુજરાત ટેકસટાઈલ પ્રોસેસર્સ (Textile Processors) એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે હજી પણ ચાઈનીઝ કોલસાનો ભાવ વધારે છે. પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી ઈન્ડોનેશિયાના કોલસાના આધારે ચાલે છે. ઓસ્ટ્રેલિયન કોલસામાં 25 ટકા સુધી ફલાય એશ આવતી હોવાથી તેનો ઈમ્પોર્ટ ઓછો કરવામાં આવે છે. ગુજરાત અને દેશમાં ચોમાસું પૂર્ણ થતાં દિવાળી વેકેશન પછી ભારતની કોલસાની ખાણોમાંથી નવા કોલસાની આવક શરૂ થશે ત્યારે ભાવો ઘટવાની આશાઓ છે. જો કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવો નહીં તૂટે ત્યાં સુધી ઘટવાની શકયતા ઓછી છે.

આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડના ભાવો ઘટશે નહિ તો પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝના રો-મટિરિયલના ભાવો પણ નહી ઘટે

ચીનની સરકારે કોલસાના ભાવોમાં સરકારી હસ્તક્ષેપ શરૂ કરતાં એક જ દિવસમાં 8 ટકા ભાવો તૂટયા હતાં. બીજી તરફ ભારત સરકારે પાછલાં વર્ષ કરતાં ચાલુ વર્ષે 9 ટકા કોલસાનું ઉત્પાદન વધુ થયું હોવાનું જણાવ્યું છે. દિવાળી વેકેશનમાં મેન્યુફેકચરિંગ ગતિવિધિ બંધ રહેશે. તે પછી કોલસા, કલર કેમિકલ અને ડાઈઝના ભાવો ઘટશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. પરંતુ જો આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડના ભાવો ઘટશે નહિ તો પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝના રો-મટિરિયલના ભાવો પણ નહી ઘટે. જાન્યુઆરીમાં શિપીંગ ચાર્જ 9 ડોલર ટન હતો તે હવે 15 ડોલર પર ચાલી રહ્યો છે.

Most Popular

To Top