SURAT

સુરતના ચોક બજારમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા આ ગાર્ડન કાપી રસ્તો બનાવવાનું કામ શરૂ

સુરત (Surat): મેટ્રોની (Metro) કામગીરીને પગલે હાલ શહેરના ઘણા મુખ્ય રસ્તાઓ બ્લોક (Road Block) છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં રસ્તાઓ બંધ હોવાના કારણે ટ્રાફિકની (Traffic) ઘણી સમસ્યા થઈ રહી છે. જેના પગલે નગરસેવક વ્રજેશ ઉનડકટ દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને ચોકબજારના લાલા લજપતરાય ગાર્ડનમાંથી (Lala Lajpatrai Garden) રસ્તો કાઢવા માંગ કરી હતી જેથી હવે અહીં રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લાલા લજપતરાય ગાર્ડનમાંથી રસ્તો કાઢી સાગર હોટલની બાજુના રોડ પર સીધા જઈ શકાશે જેથી ટ્રાફિકનું ભારણ ઘટશે.

  • મેટ્રોના કારણે ઘણા રસ્તાઓ બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા વધી છે
  • નગરસેવક વ્રજેશ ઉનડકટે ગાર્ડન તોડી રસ્તો કાઢવા રજૂઆત કરી હતી
  • મેટ્રોના કારણે ચોકબજાર ચાર રસ્તા બંધ થતાં લાલા લજપતરાય ગાર્ડનમાંથી રસ્તો કઢાયો

ચોક બજાર વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલુ હોવાથી ગાંધી બાગ થી મક્કાઈ પુલ તરફ જવાનો રસ્તો તેમજ ગાંધી બાગ થી ગોપીપુરા જવાનો રસ્તો બંધ કરાયો છે. જેથી લોકોને ઘણી હાલાકી થઈ રહી છે. જે અંગે સ્થાનિકોએ પણ ઘણી રજુઆતો કરી હતી જેને ધ્યાને લઈ સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા લાલા લજપતરાય ગાર્ડનમાંથી રસ્તો કાઢવા માંગ કરી હતી. જે અંગે અગાઉ સ્થળ તપાસ પણ કરી લેવામાં આવી હતી અને હવે આખરે અહીથી રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી અહી ટ્રાફિકનું ભારણ ઘટશે. નગરસેવક વ્રજેશ ઉનડકટ દ્વારા ચોકબજારમાં દબાણો હટાવવા પણ માંગ કરી હતી. કારણ કે, અહી રસ્તાઓ બંધ હોવાના કારણે ખુબ જ ટ્રાફિક થઈ રહી છે જેથી દબાણો દુર થાય તો રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે.

નોંધનીય છે કે મેટ્રોની કામગીરી ચાલતી હોવાના લીધે કોટ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે. ચોક બજારના મુખ્ય જંકશનથી લઈને ચારેતરફ પીક અવર્સમાં પુષ્કળ ટ્રાફિક રહે છે. તેમાંય કોટવિસ્તારથી મક્કાઈપુલ જવા માંગતા વાહનચાલકો માટે કોઈ વિકલ્પ નહીં બચતા લાંબો ફેરો મારવો પડે છે. આ ગાર્ડન તોડી પાડવામાં આવતા વાહનચાલકોને આંશિક રાહત મળશે.

Most Popular

To Top