સુરત: સુરતીઓ (Surat) જે પ્રોજેક્ટની (Project) કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી મેટ્રો ગતિએ આગળ વધી રહી છે. શહેરીજનોને જલદીથી જલદી મેટ્રો રેલમાં મુસાફરી કરવા મળે એ માટે શહેરમાં રાઉન્ડ ધ ક્લોક મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. સાથે સાથે જીએમઆરસી(ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા ફટાફટા એક પછી એક ટેન્ડરો (Tender) પણ બહાર પાડવામાં આવી રહ્યાં છે. જેથી એક પછી એક કામ ઝડપથી થાય. શહેરમાં હાલ મેટ્રો માટેના બે ફેઝ નક્કી કરાયા છે. બંને ફેઝ મળી મેટ્રોનો કુલ રૂટ 41.93 કિ.મી.નો રહેશે. અને કુલ 38 સ્ટેશન બનશે. જેમાં હાલ જીએમઆરસી દ્વારા 22 એલિવેટેડ સ્ટેશનના આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર, સ્ટીલ રૂફિંગ, સાઈનેજીસ વગેરે માટેનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે.
વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવાં સ્ટેશન સુરતમાં મેટ્રો રેલમાં બનાવવામાં આવશે. સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં ડબલ લેયર રેલવે સ્ટેશન બનશે. એટલે કે મેટ્રોની અપ અને ડાઉન ટ્રેક માટે અલગ અલગ સ્ટેશનો હશે. કારણ કે, અહીં રોડની પહોળાઈ પ્રમાણમાં ઓછી હોવાથી આ પ્રમાણે સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત એલિવેટેડ રૂટ પર ભટાર રોડ, રૂપાલી નહેર અને ડ્રીમ સિટીનાં સ્ટેશન પણ યુનિક ડિઝાઇનના બનાવવામાં આવશે. વિવિધ સ્ટેશનોમાં આગવી ઓળખ આપવા માટે વિવિધતા સાથે સ્ટેશન બનાવાશે. જેમાં ડ્રીમ સિટી પાસે બનનારા ડ્રીમ સિટીનું મેટ્રો સ્ટેશન કોહિનૂર ડાયમંડ આકારનું હશે. તેમજ રૂપાલી કેનાલ પાસે મેટ્રો સ્ટેશન ક્રોસ આકારનું બનશે. જે માટેની ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. રૂપાલી નહેર પાસે સ્ટેશન બનાવવા માટે જગ્યા ઓછી હોવાથી ક્રોસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ મેટ્રોના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
હાલ જીએમઆરસી દ્વારા 22 એલિવેટેડ સ્ટેશનનાં સ્ટ્રક્ચર માટેનાં ટેન્ડર બહાર પડાયાં
હાલ જીએમઆરસી દ્વારા સરથાણા ડેડ એન્ડથી અંડરગ્રાઉન્ડ રેમ્પના એન્ડ સુધીનાં 4 સ્ટેશન, ભેંસાણથી મજૂરાગેટનાં 11 એલિવેટેડ સ્ટેશન તેમજ મજૂરાગેટથી સારોલી ડેડ એન્ડ સુધીનાં 7 એલિવેટેડ સ્ટેશનનાં સ્ટ્રક્ચર બનાવવા માટેનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મેટ્રો રેલમાં કુલ 38 સ્ટેશન બનશે, જેમાં સરથાણાથી ડ્રીમ સિટી રૂટમાં 15.75 કિ.મી.નો એલિવેટેડ રૂટ છે અને 7 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ હશે. અને પ્રથમ રૂટમાં કુલ 20 સ્ટેશન બનશે. તેમજ સારોલીથી ભેંસાણના 19.26 કિ.મી.ના રૂટમાં કુલ 18 એલિવેટેડ સ્ટેશન બનશે.