National

SURAT METRO RAIL: ભૂગર્ભ મેટ્રોની ટનલ ખોદવા માટે જરૂરી TBM મશીન પાંચ દિવસમાં સુરત આવી જશે

સુરત: (Surat) ભવિષ્યમાં સુરત શહેરની જીવાદોરી બની જનાર મેટ્રો રેલ (Metro Rail) સુરતમાં સાડા છ કિ.મી. ભૂગર્ભમાં પણ દોડનાર છે. હાલમાં કોરોના કાળમાં પણ મેટ્રો રેલની કામગીરી તેના નિયત શિડ્યુઅલ પ્રમાણે ચાલી રહી છે. આગામી બે-પાંચ દિવસમાં જ ભૂગર્ભ મેટ્રોની ટનલ ખોદવા માટે જરૂરી ટીબીએમ મશીન પણ સુરતમાં આવી જશે. ટનલ (Tunnel) બોરિંગ મશીન તરીકે ઓળખાતા આ ટીબીએમનો વ્યાસ 24 ફુટની આસપાસ હોય છે. સુરતમાં શરૂઆતમાં બે ટીબીએમ આવશે અને ત્રણ મહિનામાં બીજા બે આવશે. કુલ ચાર ટીબીએમ દ્વારા ભૂગર્ભ મેટ્રો માટે ટનલ ખોદવાની કામગીરી કરવામાં આવશે.

ટીબીએમ વિશાળકાય મશીન હોવાને કારણે આખું મશીન નહીં પરંતુ તેના છુટા પાર્ટ્સ લાવવામાં આવશે અને બાદમાં સુરતમાં જ તેને એસેમ્બલ કરીને આખું મશીન તૈયાર કરવામાં આવશે. આ મશીન એટલું મોટું હોય છે કે તેના પાર્ટ્સને એસેમ્બલ કરવામાં જ પાંચથી સાત માસનો સમય લાગે છે. આ કારણે સુરતમાં ભૂગર્ભ મેટ્રો માટે ટનલ ખોદવાની કામગીરી શરૂ થવામાં આશરે 8થી 9 માસનો સમય લાગે તેમ છે. સુરતમાં રેલવે સ્ટેશન તેમજ કાપોદ્રા, એમ બે સ્થળે ભુગર્ભ મેટ્રો માટે ટનલ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

પાંચ દિવસમાં સુરતમાં પાઈલિંગની કામગીરી શરૂ થઈ જશે, 10 સ્થળે પાઈલિંગ કરાશે

સુરતમાં મેટ્રો રેલ માટે હાલમાં સોઈલ ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. આશરે 10 જેટલા સ્થળો પર સોઈલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે સરવેની કામગીરી પણ ચાલી રહી છે. આશરે પાંચ દિવસ બાદ સુરતમાં પાઈલિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. પાઈલિંગ માટે પ્રથમ ભીમરાડથી સરસાણા કન્વેન્શન સેન્ટર થઈને નેશનલ હાઈવેની જગ્યા પસંદ કરવામાં આવી છે. આ જગ્યા પર બે સ્થળે પાઈલિંગની કામગીરી શરૂ કરાશે. પાઈલિંગ એટલે કે મેટ્રો રેલ માટે પિલર ઉભો કરવાની કામગીરી.

કોરોનાકાળમાં પણ સુરતમાં મેટ્રો રેલની કામગીરી ચાલુ જ રહી, ખાસ કોઈ સમસ્યા નહીં

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કોરોનામાં અન્ય તમામ કામગીરી બંધ થઈ ગઈ પરંતુ સુરતમાં મેટ્રો રેલ તૈયાર કરવાની કામગીરી સતત ચાલુ જ રહી છે. આમ તો મ્યુનિ.કમિ. અને પો.કમિ.એ રાત્રિના સમયે પણ મેટ્રો રેલની કામગીરી કરવા માટે મંજૂરી આપી છે પરંતુ હાલના કરફ્યુના માહોલને કારણે રાત્રે કામગીરી બંધ કરી દિવસની કામગીરી વધારી દેવામાં આવી છે. માત્ર બહારના જ કામદારો આવવામાં સમસ્યા છે. જેને કારણે કામગીરી પાંચેક દિવસ મોડી ચાલી રહી છે પરંતુ જેવો કોરોના હળવો પડશે કે તુરંત બમણાવેગથી કામગીરી શરૂ કરી દેવામાં આવશે. હાલમાં પણ મેટ્રો રેલ માટે જે મંજૂરીની જરૂરીયાત છે તે મંજૂરી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી આગામી દિવસોમાં આ મંજૂરીમાં સમય નહીં બગડે.

Most Popular

To Top