સુરત: (Surat) શહેર માટે મહત્વના એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરીને પગલે શહેરમાં ઘણા રસ્તાઓ (Roads) બંધ કરવામાં આવ્યા છે. પરંતુ સુરત મેટ્રો દ્વારા જ્યાં કામગીરી નથી થઈ રહી ત્યાં પણ બેરીકેટ લગાવી દઈ અગાઉથી જ રસ્તા બંધ કરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધુ પરેશાની કોટ વિસ્તારના લોકોને થઈ રહી છે. કારણકે કોટ વિસ્તારમાં પહેલેથી જ રસ્તાઓ સાંકળા છે અને તેમાં હવે રસ્તાઓ બંધ કરાતા લોકોને ટ્રાફિકને (Traffic) કારણે હાલાકી થઈ રહી છે. શનિવારે મેટ્રોની કામગીરીને પગલે મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો અને લોકો રોષે ભરાયા હતા. વહેલી સવારથી મહિધરપુરા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ જતા લોકોને ઓફિસે પહોંચવામાં પરસેવો પડી ગયો હતો.
- મેટ્રોની મોકાણ: મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીના રસ્તા પર બેરિકેડ તણાઈ ગયા
- હવે વોલસિટીમાં વસતા સુરતીઓ અને દુકાનદારોનો બરાબરનો મરો
- શનિવારે જ બેરિકેડ તાણી રસ્તો બંધ કરી દેવાતા સવારથી જ ટ્રાફિકજામના કારણે લોકો પરેશાન, બોર્ડના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા
મેટ્રોની કામગીરીને પગલે મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રાજમાર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગમાં મહિધપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવતાં દુકાનદારો પોતાના વાહનો પાર્ક કરવા માટે પણ ફાંફાં મારવા પડ્યા હતા. રાજમાર્ગ બંધ થતા લોકોને હાલ દિલ્હીગેટથી મોતી ટોકિઝ થઈને ઝાંપા બજાર વાયા ટાવરનો રસ્તો રાહદારીઓને ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જ્યારે ભાગળ ચાર રસ્તાથી સ્ટેશન તરફ જતાં વાહન ચાલકોને રૂવાલા ટેકરાથી ગલેમંડી ચાર રસ્તા થઈ દિલ્હી ગેટના રસ્તાનો ઉપયોગ કરવા માટે જણાવાયું છે. પરંતુ આ રસ્તાઓ પર પણ દબાણની સમસ્યાને કારણે ખુબ જ હાલાકી થશે તે વાતમાં કોઈ શંકા નથી. તેમજ હવે 14 મી માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે આ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ચિંતામાં મુકાયા છે.
ચોકબજાર અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે ટનલ બનાવવા ટીબીએમના પાર્ટસ ઉતારાયા
સુરત : સુરત શહેર માટે અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. શહેરમાં કુલ 42 કિ.મી.ના મેટ્રો રેલ એલિવેટેડ તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. શહેરમાં પ્રથમ ફેઝમાં 6.47 કિ.મી.નો રૂટ અંડરગ્રાઉન્ડ બનશે. જે માટે જીએમઆરસી દ્વારા ટનલ બોરિંગ મશીનની મદદથી ટનલ બનાવવામાં આવી રહી છે. હાલ ગુલેમાર્ક એજન્સી દ્વારા કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધી (1.2 કિ.મી) માટેની ટનલ બનાવવા માટે એક ટીબીએમ મશીન સપ્ટેમ્બર માસમાં ઉતારી દીધું હતું. બીજા ટ્રેક માટે આ ટનલની બાજુમાં અન્ય ટનલ માટે બીજુ ટીબીએમ મશીન પણ ઉતારી દેવાયું છે. તેમજ હવે જે.કુમાર ઈન્ફ્રા દ્વારા ચોકબજાર ખાતે ટીબીએમ મશીનના પાર્ટસ ઉતારવાની શરૂઆત કરી દેવામાં આવી છે.