SURAT

સુરત મેટ્રો રેલ માટે ગાંધીબાગ કપાશે, રંગઉપવનને પણ અસર થશે, કાપોદ્રામાં વીજ કંપનીની જગ્યા લેવાશે

સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા 12 હજાર કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project) માટે આનુસાંગિક ગતિવિધિઓએ ભારે વેગ પકડ્યો છે. સરથાણાથી ડ્રીમ સિટીના (Dream City) પ્રથમ ફેઇઝ પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના એલિવેટેડ રૂટનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. ત્યારે આ પ્રોજેક્ટના રૂટમાં આવતી મિલકતો અને ધર્મિક સ્થાનોના સ્થળાંતર મુદ્દે પણ ફટાફટ નિર્ણયો લેવાઇ રહ્યા છે. ત્યારે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને ગતિમાં રાખવા માટે મનપા કમિશનર અને જીએમઆરસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં જે જે અડચણો હોય તેને વિચાર-વિમર્શ કરી દૂર કરવા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મીટિંગ કરવાનું નક્કી કરાયું છે. જેને અનુલક્ષીને બુધવારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જીએમઆરસીના (GMRC) એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મનપા કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મેટ્રો રેલ પ્રોજેક્ટ બાબતે જરૂરી જમીનો સાથે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.

આ મીટિંગમાં ચોક બજાર ખાતે ઐતિહાસિક ગણાતી એસબીઆઇ બેંકનું સ્થળાંતર અંડરગ્રાઉન્ડ સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ માટે કરવું પડે તેમ છે. તેવી જ સ્થિતિ રાજમાર્ગ પર મહિધરપુરા પોલીસ સ્ટેશનની પણ હોય, આ બંનેના સ્થળાંતર માટે જમીન અને નિર્માણનો ખર્ચ મેટ્રો રેલ કોર્પોરેશન ઉઠાવશે તેવો નિર્ણય લેવાયો હતો. તેમજ મેટ્રો રેલના સરથાણાથી કાદરશાની નાળ સુધીના રૂટમાં આવતી મિલકતો અને ટ્રાન્સમિશન લાઇનોના સ્થળાંતર અંગે ચર્ચા કરાઇ હતી. આ પ્રોજેક્ટના ચોક બજાર સ્ટેશનનો રેમ્પ એસબીઆઇ બેંકથી રંગ ઉપવન થઇ ગાંધીબાગ સુધીની જગ્યામાં બનશે. આથી ગાંધીબાગનો થોડો ભાગ પણ કપાશે. જ્યારે કાપોદ્રા ખાથે વીજ કંપનીની જમીન પણ લેવાની હોય ત્યાં સ્થળ વિઝિટ કરવામાં આવી હતી.

મનપા કમિશનરે જણાવ્યું હતું કે, હાલમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ જડપથી આગળ વધી રહ્યું છે. 70 પાઇલનું કામ ચાલુ થઇ ચૂક્યું છે. તેમજ 38 સ્ટેશન પૈકી 17 સ્ટેશનની જગ્યા પર સોઇલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ મીટિંગમાં કસ્તુરબા ગાર્ડન ખાતે ચાલતા ગાર્ડન વેસ્ટમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવાની સાઇટ છે તેને ખસેડી ત્યાં મેટ્રો રેલના ચોક બજાર સ્ટેશનને આનુસાંગિક મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાનું આયોજન વિચારાયું છે. આ પ્રોજેક્ટનો ખર્ચ પણ જીએમઆરસી ઉઠાવશે.

મેટ્રો રેલની 70 જગ્યાએ પાઇલિંગ અને 17 સ્ટેશન માટે સોઇલ ટેસ્ટ-ટેક્નિકલ તપાસ વેગમાં
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરત મેટ્રો રેલ માટે જરૂરી જમીન અધિગ્રહણ કરવા માટે સતત મીટિંગો કરી અડચણો દૂર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. સાથે સાથે જ્યાં જમીન ઉપલબ્ધ છે તે કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના પ્રથમ ફેઇઝનાં કુલ 70 સ્થાન ઉપર પાઇલિંગની કામગીરી ચાલુ છે. સાથે સાથે કુલ 38 સ્ટેશન બનવાનાં છે, તે પૈકી 17 સ્ટેશનની જગ્યા માટે સોઇલ ટેસ્ટિંગ અને ટેક્નિકલ તપાસ પણ જોરમાં ચાલી રહી છે.

અસરગ્રસ્તો સાથે કોઈ સંવાદ નહીં થતો હોવાની પણ બૂમ ઊઠી
મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનો સંપાદન કરવા માટે મીટિંગોનો દોર ચાલી રહ્યો છે. પરંતુ સરકારી જમીનોને બાદ કરતાં અન્ય જે ખાનગી જમીનો છે તેના માલિકો સાથે કોઇ સંવાદ નહીં થઇ રહ્યો હોવાની બૂમ પણ ઊઠી છે. રાજમાર્ગ પર મસ્કતિ હોસ્પિટલ પાસે મોચીની ચાલ, ચોકબજાર ખાતે અમુક દુકાનો, લંબે હનુમાન મંદિરની આંશિક જગ્યા, વસંત ભીખાની વાડી પાસેની જગ્યા વગેરે પર ખાનગી મિલકતો છે, પરંતુ હજુ સુધી આ લોકો સાથે કોઇ સીધો સંવાદ નહીં થયો હોવાની પણ ફરિયાદ અસરગ્રસ્તો કરી રહ્યા છે.

મેટ્રો રેલને કારણે ઐતિહાસિક ગાંધીબાગ પર ચોથી વખત કાતર ફરશે, રંગ ઉપવનને પણ આંશિક અસર
સુરતનો ઐતિહાસિક એવો ગાંધી બાગ અગાઉ વિક્ટોરિયા ગાર્ડનથી ઓળખાતો હતો. તાપી નદી કિનારાથી એકદમ નજીક અને સુરતની વચ્ચોવચ્ચ આ બગીચો સુરતના ભવ્ય ભૂતકાળનો સાક્ષી રહ્યો છે. જો કે, એક સમયના વિશાળ ગાર્ડનની જગ્યાએ સમયાંતરે જુદા જુદા પ્રોજેક્ટ માટે કપાત થતાં હવે માત્ર નાનકડો ગાર્ડન બચ્યો છે. અગાઉ મુખ્ય રસ્તાને પહોળો કરવા, બાદ પાળા માટે, ત્યાર બાદ સિટી બસ સ્ટેશન માટે ગાંધી બાગ પર કાતર ફરતી રહી છે. તેથી અગાઉ ગાંધીજીની જે પ્રતિમા બગીચા વચ્ચે હતી તે હવે બગીચાની બહાર રસ્તા વચ્ચે આવી ગઇ છે. હવે ચોથી વખત મેટ્રો રેલ પ્રોજેક્ટના રેમ્પ માટે ગાંધી બાગ પર કાતર ફરશે. જો કે, તેના હાલનાં જે વૃક્ષો છે તે અન્ય જગ્યાએ પ્લાન્ટેશન કરવાનું આયોજન કરાયું છે. આ સાથે અહીંના રંગ ઉપવનને પણ આ પ્રોજેક્ટના કારણે અસર થશે.

Most Popular

To Top