સુરત: (Surat) શહેરના વિવિધ માર્ગો પર મેટ્રો રેલનું (Metro Rail) કામ હવે ખૂબ ઝડપથી આગળ વધશે. જેના માટે શહેરના કેટલાક રસ્તાઓ એક વર્ષ કે તેનાથી વધુ સમય માટે બંધ રહી શકે છે. જેને કારણે ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે હેતુથી સુરત પોલીસ કમિશનર (Police Commissioner) દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મેટ્રોના કાર્ય દરમિયાન લોકોની અવર-જવર અને આવતા-જતા વાહનો દ્વારા અવરોધ ઉભો થાય તેવી પરિસ્થિતી છે, જેના કારણે કામકાજમાં અડચણ થાય અને અકસ્માત થવાની શકયતા છે. જેથી મેટ્રો રેલના કામકાજવાળા માર્ગ ઉપર ટ્રાફીક નિયંત્રણ લાદવા પોલીસ કમિશનર અજય તોમર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી શહેર પોલીસ કમિશનર હકુમત હેઠળના શહેરમાં મેટ્રો રેલ પ્રોજેકટ અન્વયે સેન્ટ્રલ વેરહાઉસ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન, લાભેશ્વર ચોક અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન અને કાપોદ્રા મેટ્રો સ્ટેશનમાં બાંધકામ અનુસંધાને તા. 25-11-2021 થી તા. 03-11-2022 સુધી રસ્તો બંધ/ડાયવર્ઝન (Diversion) કરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
નીચે જણાવેલા માર્ગો બંધ રહેશે
1. સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ સેન્ટ્રલ વેરહાઉસ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું બાંધકામ શરૂ કરવામાં આવનાર છે, જેથી લંબે હનુમાન રોડ જેબી ડાયમંડ સર્કલથી વસંતભીખાની વાડી સુધીનો માર્ગ બંધ રહેશે. સ્થાનિક લોકો તથા દુકાનદારો માટે બેરીકેડીંગ કરીને અમલીકરણના પ્રથમ તબક્કા દરમિયાન 9 મીટરનો રસ્તો આપવામાં આવશે અને ત્યાર પછીના તબક્કામાં 1.5 મીટરનો રસ્તો આપવામાં આવશે.
2. સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ લાભેશ્વર ચોક અંડરગ્રાઉન્ડ બાંધકામ શરૂ થવાનું છે. જેથી જય ખેતલાઆપા ટી સ્ટોલ રાજકોટવાળા પાસે માતાવાડી સર્કલથી લાભેશ્વર પોલીસ ચોકી સુધી લંબે હનુમાન રોડ બંધ કરવામાં આવશે. સ્થાનિક લોકો તથા દુકાનદારો માટે બેરીકેડીંગ કરીને અમલીકરણના પ્રથમ તબક્કા દરમિયાન ૯ મીટરનો રસ્તો આપવામાં આવશે. જયારે પછીના તબક્કામાં સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો માટે ૧.૫ મીટરનો રસ્તો આપવામાં આવશે.
3. સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ કાપોદ્રા ખાતે અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું બાંધકામ શરૂ થવાનું છે જેથી કલાકુંજ રોડ ફિનિક્ષ સર્કલથી ઝડફિયા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. સ્થાનિક લોકો તથા દુકાનદારો માટે બેરીકેડીંગ કરીને અમલીકરણના પ્રથમ તબક્કા દરમિયાન ૯ મીટરનો રસ્તો આપવામાં આવશે. જ્યારે પછીના તબક્કામાં સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો માટે ૪ મીટરનો રસ્તો આપવામાં આવશે.
વૈકલ્પિક રૂટ્સ
1. સેન્ટ્રલ વેરહાઉસ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર, સુરત રેલ્વે સ્ટેશન તરફથી આવતા તમામ વાહનો (ફોર વ્હીલર્સ અને ટુ વ્હીલર્સ સિવાય) લંબે હનુમાન રોડ પર જેબી ડાયમંડ સર્કલ પર બેટરીમોલ ખાતેથી જમણી તરફ વળાંક લેશે અને પછી IndiniYO ફેશન પર ડાબી બાજુએ વળી ત્રિકમનગર રોડ થઇને કાલિદાસ નગર ગણેશજી પંડાલ પાસે ડાબે વળી વાહનો બોમ્બે માર્કેટ રોડ થઈને લંબે હનુમાન રોડ પર વસંતભીખા સર્કલ સુધી પહોંચી શકશે. વસંતભીખા સર્કલ તરફથી આવતા વાહનો મેક્સ કોર્પોરેશન પાસે જમણી તરફ વળીને તેઓ સહકારી બેંક રોડ થઇને વરાછા મેઇન રોડ પર ડાબે વળી વરાછા મેઇન રોડ પર જય માતાજી ચા પાસે ડાબે વળી વાહનો લાલ દરવાજા સ્ટેશન રોડ થઈને લંબે હનુમાન પોલીસ ચોકી થઇને જેબી ડાયમંડ સર્કલ સુધી પહોંચી શકશે. અમલીકરણના પ્રથમ તબક્કા દરમિયાન ૯ મીટરનો રસ્તો આપવામાં આવશે અને ત્યાર પછીના તબક્કામાં સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો માટે ૧.૫ મીટરનો રસ્તો આપવામાં આવશે.
2. લાભેશ્વર ચોક અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર, માતાવાડી સર્કલ તરફથી આવતા તમામ વાહનો ઈશ્વરકૃપા રોડથી જમણી તરફ વળશે અને પછી મોરલીધર મોબાઈલ પર ડાબી બાજુ વળી અને ડાયાપાર્ક સોસાયટી રોડ થઇ ભવનાથ હોટલ પાસે ડાબે વળી વાહનો એ.વી. પટેલ રોડ થઈ લંબે હનુમાન રોડ પર આવેલા લાભેશ્વર પોલીસ ચોકી સુધી જઇ શકશે. લાભેશ્વર પોલીસ ચોકી તરફથી આવતા વાહનો જમણી તરફ વળી અને લાભેશ્વર રોડ થઇ સદભાવના હોસ્પિટલ અને મેટરનિટી હોમથી ડાબે વળી વરાછા મેઇન રોડ પર આવશે અને ત્યારબાદ વરાછા મેઇન રોડ પર આવેલા પોશિયા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે ડાબે વળી વાહનો ભરતનગર રોડ થઈ માતાવાડી સર્કલ સુધી પહોંચી શકશે. અમલીકરણના પ્રથમ તબક્કા દરમિયાન ૯ મીટરનો રસ્તો આપવામાં આવે છે. જ્યારે પછીના તબક્કામાં સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો માટે ૧.૫ મીટરનો રસ્તો આપવામાં આવશે.
3. કાપોદ્રા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પર, હિરાબાગ અને કાપોદ્રા તરફથી આવતા વાહનો રચના સર્કલ તરફ જઇ અને લંબે હનુમાન રોડ થઇને વડવાળા સર્કલ થઇ અક્ષરધામ સોસાયટીથી ડાબે વળી વાહનો પુણાગામ રોડ થઈને કલાકુંજ રોડ પરના ઝડફિયા જંકશન સુધી પહોંચી શકે છે. ઝડફિયા જંકશનથી આવતા વાહનોને જમણે વળી અને પુણાગામ રોડ થઇને કાપોદ્રા ફાયર સ્ટેશનથી ડાબે વળીને વરાછા મેઈન રોડ થઇને કાપોદ્રા સર્કલ પાસે ડાબો વળાંક લઈ વાહનો રચના રોડ થઈને ફિનિક્ષ સર્કલ સુધી પહોંચી શકશે. અમલીકરણના પ્રથમ તબક્કા દરમિયાન ૯ મીટરનો રસ્તો આપવામાં આવે છે, જ્યારે પછીના તબક્કામાં સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો માટે ૪ મીટરનો રસ્તો આપવામાં આવે છે.
જણાવી દઈએ કે શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલું આ જાહેરનામુ ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા અન્ય ઈમરજન્સી વાહનો જેમ કે પોલીસના વાહનોને કામગીરી દરમિયાન લાગુ પડશે નહિ. એટલું જ નહીં ઉપરોક્ત સમગ્ર જ્યાં ડાયવર્ઝન અપાયું છે તે માર્ગમાં ‘નો-પાર્કિંગ ઝોન’ રહેશે.