સુરત: (Surat) સુરત શહેર માટે અતિ મહત્વના મેટ્રો ટ્રેેન પ્રોજેક્ટની (Metro Train Project) કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. સુરત મનપા દ્વારા એવી તૈયારી કરવામાં આવી છે કે, ડિસેમ્બર 2023 સુધીમાં સુરત શહેરમાં મેટ્રો દોડતી થઈ જશે અને જે રીતે શહેરમાં મેટ્રોની કામગીરીએ ગતિ પકડી છે તે જોતા લાગી રહ્યું છે કે, મેટ્રોના પ્રથમ ફેઝમાં ટ્રેન દોડતી થઈ જશે. મેટ્રોના પ્રથમ ફેઝમાં સરથાણાથી ડ્રીમ સિટીના રૂટમાં (Root) કાદરશાની નાળથી ડ્રીમ સિટી (Dream City) માટેના આ 11.6 કિ.મીના એલિવેટેડ રૂટ માટેની કામગીરી સદભાવના એન્જિનિયરિંગ અને એસ.પી સીંગલા કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહી છે. જેના પેટા કોન્ટ્રાક્ટર પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એન્જિનિયર્સ દ્વારા આ એલિવેટેડ રૂટ માટેના કાસ્ટ સેગમેન્ટ બનાવવાની કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે.
- સુરત મેટ્રોના એલિવેટેડ સ્ટેશન માટેના કાસ્ટ સેગમેન્ટ બનાવવાની કામગીરીનો પ્રારંભ
- ડ્રીમ સિટી પાસે બનેલા કાસ્ટિંગ યાર્ડમાં આ સેગમેન્ટ બનાવી એલિવેટેડ રૂટના બ્રિજના પીલર પર મુકાશે
પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ડ્રીમ સિટી પાસે કાસ્ટિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે. જ્યાં તેઓ દ્વારા એલિવેટેડ સ્ટેશન માટેના કાસ્ટ સેગમેન્ટ બનાવવામાં આવશે અને એલિવેટેડ રૂટ માટે આ સેગમેન્ટ લોન્ચ કરાશે. કાસ્ટ સેગમેન્ટ એટલે કે, સુરત મેટ્રોના એલિવેટેડ રૂટ માટે જે બ્રિજ બનશે તે માટેના પીલર પર જે સેગમેન્ટ મુકાશે તેને કાસ્ટ સેગમેન્ટ કહેવામાં આવે છે. હાલમાં પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આ સેગમેન્ટ 8.5 મીટરની પહોળાઈના બનાવવામાં આવી રહ્યાં છે.
ચોકથી મક્કાઇપુલ તરફ જતો રસ્તો કાયમ માટે બંધ
સુરત: સુરત શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ સમાન મેટ્રો રેલનું કામ પૂરજોશમાં ચાલુ થઇ ગયું છે. ખાસ કરીને ગીચતા ધરાવતા તળ સુરત એટલે કે કોટ વિસ્તારમાં મેટ્રો રેલ અંડરગ્રાઉન્ડ પસાર થવાની હોવાથી અહીં સાંકડા રસ્તા ઓ પર કામગીરીના કારણે ઘણા પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યાં છે. સાથે સાથે આ પ્રોજેક્ટના કારણે શહેરની ઓળખ સમાન ઘણા સ્થળોને અસર થવાની છે. જેમાં રાજમાર્ગ પર 100 વર્ષ જુની મોચીની ચાલનું ડિમોલિશન થઇ ચૂક્યું છે. ગાંધી બાગ બહાર ગાંધીજીની પ્રતિમાને પણ હટાવવામાં આવનાર છે. તેમજ જયાં દોઢસો વર્ષથી શનિવારી હાટ ભરાતી હતી અને વર્ષોથી શિયાળામાં તિબેટિયન માર્કેટ ભરાતુ હતું તેને પણ અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. ત્યારે કોટ વિસ્તારના સૌથી જૂના અને મનપા દ્વારા હેરિટેજ સ્કવેરના ભાગ રૂપે કરોડો રૂપિયા ખર્ચીને હેરિટેજ લુક સાથે બે વર્ષ પહેલા જ બનાવાયેલા ગાંધીબાગથી મક્કાઇપુલ જતા રસ્તાને પણ હવે કાયમી ધોરણે બંધ કરવાનો હોય આ રસ્તો બંધ કરવાની જાહેરાત કરીને તેની સામે કોઇને વાંધા હોય તો એક માસમાં રજૂ કરવાની નોટિસ મનપા દ્વારા જાહેર કરી દેવાઇ છે. કેમકે આ જગ્યાની નીચે મેટ્રો રેલના ચોકબજાર અંડર ગ્રાઉન્ડ સ્ટેશનનો રેમ્પ આવવાનો છે.
મનપા દ્વારા નોટિફિકેશન જાહેર કરીને જણાવાયું છે કે, વોર્ડ નં.1(નાનપુરા), નોંધ નં.1 ગાંધીબાગ વાળી જગ્યાની દક્ષિણે આવેલ રસ્તા પૈકીની ગાંધીજીના સ્ટેચ્યુ સર્કલ (ચોક) થી સ્વામી વિવેકાનંદ (મકાઈપુલ) સર્કલ સુધીના આશરે ક્ષેત્રફળ 2968 ચો.મી. જમીનનો જાહેર રસ્તા તરીકેનો ઉપયોગ કાયમી ધોરણે બંધ કરવાનુ વિચારણા હેઠળ છે. તેથી આ જાહેર રસ્તા તરીકેનો ઉપયોગ કાયમી ધોરણે બંધ થાય તે બાબતમાં આજુબાજુનાં રહીશોને તથા અન્ય કોઈપણને વાંધાઓ હોય તો, એક માસમાં મનપા કમિશનર, સુરત મહાનગરપાલિકા, સુરતને લખી મોકલી આપવા. આ વાંધા અરજીઓ મ્યુનિ. કોર્પોરેશનની સભામાં રજૂ કરવામાં આવશે અને આ વાંધાઓ ઉપર વિચાર કરી યોગ્ય નિર્ણય કરશે. અત્રે ઉલ્લખનીય છે કે આ રસ્તો કાયમી ધોરણે બંધ કરાયા બાદ હાલમાં મક્કાઇપુલથી ગાંધીજીની પ્રતિમા તરફ આવવાનો રસ્તો વનવે કરીને મકકાઇપુલ તરફ જવામાં ઉપયોગ કરાશે અને મક્કાઇપુલથી ગાધીજીની પ્રતિમાં સુધી એટલે કે જૂની સિવિલ હોસ્પિટલ આવવા માટે ગાંધીબાગની પાછળ કોંગ્રેસ કાર્યાલય વાળા રસ્તાને વનવે કરી દેવાશે.