SURAT

લોખંડના મોટા સ્ટ્રકચર સાથે મેટ્રોની ક્રેઈન રસ્તાની વચ્ચોવચ્ચ પડી, રિક્ષાનો ખુરદો નીકળી ગયો

સુરત(Surat) : શહેરના મુખ્ય માર્ગો પર લાંબા સમયથી મેટ્રોની (Metro) કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે રીંગરોડ (RingRoad) પર મેટ્રોની સાઈટ પર મોટો અકસ્માત (Accident) થયો હતો. અહીં મેટ્રોનું કામ કરતી ક્રેઈન લોખંડના સ્ટ્રક્ચર સાથે રસ્તાની વચ્ચોવચ્ચ પડી હતી. આ ક્રેઈન રિક્ષા પર પડી હતી, જેના લીધે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદ્દનસીબે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો.

સુરત શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી મેટ્રો ટ્રેક બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે મેટ્રોની કામગીરી વખતે રિંગરોડ પર ઉધના ચાર રસ્તા નજીક મોટી દુર્ઘટના બની હતી. અહીં મેટ્રોના પિલરના બાંધકામ દરમિયાન લોખંડના સ્ટ્રક્ચરને લઈને ઉપર જતી ક્રેઈન અચાનક ધડાકાભેર રસ્તા પર પટકાઈ હતી.

આ ક્રેઈન રસ્તા પરથી પસાર થતી કાપડ ભરેલી ઓટોરિક્ષા પર પડી હતી, જેના લીધે રિક્ષાનો ખુરદો નીકળી ગયો હતો. સદનસીબે પાછળથી આવતી સિટી બસ દૂર હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે ક્રેઈન પડતાં રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર ઉધના દરવાજા તરફ જતા રિંગરોડ પર મેટ્રોની ક્રેઈન લોખંડના સ્ટ્રક્ચર સાથે જમણી બાજુ પડી હતી. લોખંડનું મોટું સ્ટ્રક્ચર રસ્તા પરથી પસાર થતી ઓટો રિક્ષા પર પડ્યું હતું. સદનસીબે રિક્ષામાં કાપડનો જથ્થો હોવાથી કોઈને ઈજા થઈ નહોતી. પરંતુ રિક્ષાનો કડૂસલો વળી ગયો હતો. આ તરફ ક્રેઈન પટકાતા ક્રેઈનનો ડ્રાઈવર ગભરાઈ ગયો હતો અને ઘટના સ્થળ છોડી ભાગી ગયો હતો. મેટ્રોનો સ્ટાફ પણ ભાગી છૂટ્યો હતો.

રિક્ષા ચાલક રાજુ સાહુએ કહ્યું કે, કાપડનો જથ્થો પાંડેસરા લઈને જતો હતો. અચાનક ક્રેઈન માથે પડી હતી. ક્રેઈન પાછળ તરફ પડતા હું સહેજમાં બચી ગયો હતો. મને કંઈ વાગ્યું હોય તેવું લાગતું નથી. દવાખાને જઈશ પછી ખબર પડશે. પોતે ઓડિશાનો રહેવાસી અને સુરતમાં પરવત પાટીયા વિસ્તારમાં રહે છે. આજે રિક્ષામાં પેસેન્જર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

Most Popular

To Top