જેની પ્રસિધ્ધિ 161 વર્ષે પણ અકબંધ છે અને સ્ત્રીઓના દિલ પર રાજ કરી જે દરેક શુભ પ્રસંગોના સાક્ષી બન્યા છે એવા પેઢીઓથી ચાલતા સાડીના બિઝનેસ વિશે જાણીએ તેમની જ પાસેથી

કેવી રીતે થઈ શરૂઆત ?
ત્રીભોવનભાઇએ મૂળ બાલાજી રોડના ઘરમાં જ સાડીનો ધંધો શરૂ કર્યો હતો. 1840માં તેમના દિકરાઓનું મૃત્યુ થતાં ભાઇના દીકરા નવનીતલાલને દત્તક લઇ 1860માં આ દુકાન શરૂ કરી.ત્યારે તો રજવાડી ઘરોમાં પટારાઓ લઇ જઇને સાડી બતાવીને વેચતા હતા.

161 વર્ષથી એક જ નીતિ
આટલાં વર્ષો પછી, આટલી હરિફાઇમાં પણ આટલી નામના સાથે ધંધામાં ટકી રહેવાનું રહસ્ય ઘરાકોને ન છેતરવાની, સાચું જ કહેવાની અને વાજબી ભાવે સાડી વેચવાની તેમની નીતિ પરંપરાગત રીતે પેઢીઓથી ચાલતી
રહી છે.
આજે પણ બનારસ, કાંચીપુરમ, હૈદ્રાબાદ, સાઉથમાં જઇને અમે જાતે જ ખરીદી કરીએ છીએ : અમિતભાઇ જરીવાળા

શોપના ઓનર અમિતભાઈ જરીવાળા જણાવે છે. 1970 પહેલાંની સાડીઓ રિયલ જરીમાં આવતી પરંતુ 1970 પછી ઇમીટેશન થવા માંડયું.રમૂજ કરતાં તેઓ કહે છે : ‘રીયલ જરીની સાડી રીયલ છે એ ફકત 3 જ વ્યકિત કહી શકે (૧) પાવઠાવાળો (૨) જરી બનાવનાર (૩) ઉપરવાળો ઇશ્વર.’ તેથી આજે પણ અમે જાતે જ જઇ ખરીદી કરીએ છીએ. બદલાતા ફેશન અને ટ્રેન્ડ સાથે લોકોની પસંદગી બદલાઇ. હવે સાડીઓ પર ભરતકામ, ટીકી, મોતી, ડાયમંડ, મિરર વર્ક વગેરે ચાલે છે. બનારસી સાડી પર પણ ભરતકામ કરી આપીએ છીએ. લોકો રિયલ સિલ્ક શું છે તેનાથી અજાણ હોવાથી આજના માર્કેટમાં ગમે તે સાડીઓને નામ આપી ગમે તે ભાવથી વેચાય છે.
અનેક તકલીફો બાદ પણ અડીખમ અસ્સલ સુરતી સ્વભાવ

જ્યારે 1968 માં દુકાનમાં ચોરી થઇ હતી તે એટલી મોટી હતી કે સાડી તો શું એક તાર પણ બચ્યો ન હતો એટલું નુકસાન થયું હતું. ત્યારબાદ 2006 ના પુરના પાણી ભોંયરામાં આવી જવાથી સાડીઓને ખાસ્સું નુકસાન થયું હતું. આ ઉપરાંત પહેલાના સમયમાં જયારે મુસાફરી કરવી આજના સમયની જેમ સહેલી નહોતી ત્યારે ઘણી ટ્રેનો તથા બોગીઓ બદલીને મોટા મોટા પટારા લઇને બીજા શહેરોમાંથી ત્યાંની સ્પેશ્યલ સાડીઓ લાવી સુરતીઓના સાડીના શોખને ધ્યાનમાં રાખવામાં આવતો હતો.