સુરત: (Surat) ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Election) માટે ફાયનલ ઉમેદવારોની યાદી તમામ પાર્ટીઓ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શહેરમાં ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દેવાયો છે. દર વખતની જેમ આ વખતે પણ મનપાના પદાધિકારીઓના પદે કોણ હશે તે માટે ચર્ચાઓનું બજાર ગરમ છે. તેવામાં બુધવારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે સુરત મહાનગરપાલિકાનું મેયર (Mayor) પદ પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અનામત રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં પ્રથમ અઢી વર્ષ મહિલા મેયર અનામત અને બીજા અઢી વર્ષ માટે જનરલ અનામત રાખવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકામાં છેલ્લા મહિલા મેયર તરીકે પાટીદાર સમાજના અસ્મિતા શિરોયા રહી ચૂક્યાં હતાં. ત્યારબાદ ડો. જગદીશ પટેલ મેયર પદે રહ્યા હતા. હવે આ વખતની ચૂંટણી ટાણે નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં મહિલા મેયર અનામત જાહેર કરાતાં, ઘણી ચર્ચાએ જોર પકડ્યું છે.
ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી 42 ઉમેદવારોની અટક પટેલ
સુરત : દર વખતની જેમ સુરત મનપાની આ વખતની ચુંટણીમાં પણ પટેલ અટકધારી ઉમેદવારોની બોલબાલા છે. સુરતમાં પાટીદાર ઉપરાંત કોળી પટેલના લોકોપણ પટેલ અટક જોડતા હોય છે. તેથી સ્વાભાવિક રીતે જ આ અટકના ઉમેદવારો વધુ જોવા મળે છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી 42 ઉમેદવારોની અટક પટેલ છે.
શહેરના સૌરાષ્ટ્રવાસી પાટીદાર ઉમેદવારો ઉપરાંત કોળી પટેલ સમાજમાં મતદારો પર પ્રભુત્વ ધરાવતા દાવેદારોનાં નામ પર પસંદગી ઉતારવામાં આવી છે. ભાજપે કુલ 120 પૈકી 20 બેઠકો પર પટેલ અટક ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએપટેલ સરનેમ ધરાવતા 11-11 ઉમેદવારોને રાજકીય જંગ લડવા મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય બીજા નંબરે પાટીલ અટક ધરાવતા ઉમેદવારો છે. જો કે મહારાષ્ટ્રીયન વિસ્તાર અને મતદારોની સંખ્યા ધ્યાને રાખીને પાટીલોએ ટીકીટ મેળવવામાં મેદાન માર્યુ છે. આ વખતે એક વાત ઉડીને આંખે વળગી રહી છે કે મનીષા નામ ધરાવતી સાત ઉમેદવારો છે. તો ચાર ઉમેદવારનાં નામ મમતા, જયારે વિલાસ, વૈશાલી,ગીતા, દક્ષા, ઉર્મીલા અને હીના નામની ત્રણ-ત્રણ ઉમેદવારો છે. જયારે ચારનાં નામ મમતા, પ્રખ્યાત ગાયિકા ગીતા રબારી તેમજ અભિનેત્રીઓ ડિમ્પલ કાપડિયા અને મુમતાઝ જેવાં નામની ઉમેદવારો પણ ચૂંટણીનો જંગ લડી રહી છે.