સુરત: (Surat) સુરતના મેયર (Mayor) તરીકે વરણી થતાંની સાથે જ નવા મેયર હેમાલી બોઘાવાલાએ કામગીરી શરૂ કરી દીધી હતી. હેમાલી બોઘાવાલાએ કોરોના મામલે કમિ. સાથે બેઠક કરી હતી અને કોરોનાના ટેસ્ટિંગનું પ્રમાણ વધારવા માટે સૂચના પણ આપી હતી. સાથે સાથે હોટલ અને રેસ્ટોરન્ટ સામે પણ કડક હાથે કામ લેવા માટે કમિ.ને જણાવ્યું હતું. છેલ્લા બે દિવસમાં 36 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવમાં આવી છે. આગામી દિવસોમાં કોરોનાને નાથવા માટે મનપાની કામગીરી સઘન બનાવવામાં આવશે તેમ પણ મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું.
55 વર્ષના ઈતિહાસમાં મોઢ વણીક સમાજના બીજા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની પસંદગી
સુરત: ભાજપ (Bjp) માટે તળ સુરત અને સુરતીલાલાઓ તેના ઉદયથી માંડીને વટવૃક્ષ બનવા સુધીનો આધાર સ્થંભ બની રહ્યા છે. તેમાં પણ મોઢ વણીક સમાજ તો ભાજપની કાયમ સાથે જ રહે છે. ત્યારે તળ સુરતના મહત્ત્વના એવા મોઢ વણીક સમાજના બે મેયર આજ સુધીમાં બન્યા છે. મહાનગરપાલિકાના (Municipal Corporation) 55 વર્ષના ઈતિહાસમાં મોઢ વણીક સમાજના બીજા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની પસંદગી કરવામાં આવી છે. આ અગાઉ 1972માં નાનાલાલ ગજ્જર મેયર બન્યા હતા. કોંગ્રેસ પક્ષના નાનાલાલ ગજ્જરનો કાર્યકાળ 7 જ મહિનાનો રહ્યો હતો. જુલાઈ-1972થી જાન્યુઆરી-1973ના સમયગાળામાં નાનાલાલ ગજ્જરે શહેરના પ્રથમ નાગરિક તરીકેની જવાબદારી નિભાવી હતી. આમ, નાનાલાલ ગજ્જર પછી 48 વર્ષ બાદ સુરતમાં મોઢવણીક સમાજના મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે.
હેમાલીબેન બોઘાવાલા આજે શહેરના 35માં મેયર બન્યા છે. 6 મે 1975ના રોજ જન્મેલા હેમાલી બોઘાવાલાએ વર્ષ-2003માં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસીથી બી.એ. વિથ ઈંગ્લિશનો અભ્યાસ કર્યો છે. છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી હેમાલી બોઘાવાલા ભાજપમાં સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે. ત્રીજી વખત પાલિકામાં કોર્પોરેટર બનેલાં હેમાલી બોઘાવાલાએ અગાઉ પાલિકાની વિવિધ સમિતિઓમાં પણ સેવા આપી છે. હેમાલી બોઘાવાલાને એસટી નિગમના ચેરમેન તરીકેનો પણ અનુભવ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલા દાગીનાના શોખીન છે. તેમણે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતી વખતે રજૂ કરેલી એફિડેવિટમાં 13.90 લાખના સોના-ચાંદીના દાગીના હોવાની સાથે 22 લાખનું મકાન, એક્ટિવા, બેન્કમાં 49,843 અને હાથ પર રોકડા 49,843 અને 8.30 લાખની જમીન હોવાની વિગતો આપી હતી.
પહેલાં કોરોનાને નાથીશું, સુરતની વણભંથી વિકાસ યાત્રા ચાલુ રહેશે : મેયર
સુરત શહેરનાં નવાં મેયર બનેલા હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સુરતની વણથંભી વિકાસનું પર્યાય છે. સુરત શહેરને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા માટેના તમામ પ્રયાસો જનપ્રતિનિધિઓ અને વહીવટી કર્મવીરો સાથે સુરતને વિશ્વના ફલક પર એક આગવું સ્થાન મળે તેવા પ્રયાસ કરીશું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરમાં હાલમાં જે રીતે કોવિડનું સંક્રમણ વધી રહ્યું છે, તેને કાબૂમાં કરવામાં આવશે.