સુરત: (Surat) ચૂંટણી વખતે રાજકારણીઓ દ્વારા માસ્ક પહેરવામાં આવ્યાં નહીં અને હવે નવા મેયરે કોરોનાના કેસ વધતા રોડ પર ઉતરીને લોકોને ખખડાવવાનું શરૂ કર્યું હતું. એક વાઈરલ વિડીયોમાં મેયર (Mayor) બોઘાવાલા કારમાં બહારગામથી આવી રહેલા એક પરિવારને ખખડાવતાં જોવા મળ્યાં હતાં. હાલમાં બહારથી આવતા લોકો માટે ચેકપોસ્ટ (Check post) શરૂ કરવામાં આવી છે. આવી જ એક ચેક પોસ્ટ પર એક પરિવાર વાનમાં આવી રહ્યો હતો ત્યારે મેયર હેમાલી બોઘાવાલાએ (Hemali Boghawala) તેમની ઉલટ તપાસ લીધી હતી. ક્યાંથી આવો છો? એક જ કારમાં કેટલા બધા લોકોને બેસાડ્યા છે? કોરોના તમને નહીં લાગે તેવા સવાલો કરતાં જોવા મળ્યાં હતાં.
ખાનગી વેક્સિનેશન સેન્ટરોની મનપા કમિશનરે મુલાકાત લીધી
સુરત મહાનગરપાલિકા સંચાલિત વિવિધ વેક્સિનેશન સેન્ટરો પરથી હાલમાં વેક્સિન આપવામાં આવી રહી છે. વધુમાં ઝડપથી અને સરળતાથી તમામ વ્યક્તિઓને વેક્સિન મળી રહે એ માટે વિવિધ સમાજના અગ્રણીઓ તથા શહેરના અન્ય આગેવાનોના સહયોગથી શહેરના તમામ ઝોન વિસ્તારમાં ખાનગી વેક્સિનેશન સેન્ટરો પરથી વેક્સિનેશનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
બુધવારે જે જે ટેક્સટાઈલ માર્કેટ દ્વારા બનાવેલા વેક્સિનેશન સેન્ટર કતારગામ ઝોન વિસ્તારમાં જેરામ મોરાની વાડી તથા નંદુ ડોશીની વાડી (હીરા ઉદ્યોગ) દ્વારા બનાવેલા વેક્સિનેશન સેન્ટર, ઉધના ઝોન વિસ્તારમાં પાંડેસરા ખાતે ઔદ્યોગિક એકમો દ્વારા બનાવેલા વેક્સિનેશન સેન્ટર તથા ઉધના ઉદ્યોગનગર સંઘ દ્વારા બનાવાયેલા વેક્સિનેશન સેન્ટર સહિતના ખાનગી વેક્સિનેશન સેન્ટરોની મનપા કમિશનરે મુલાકાત લીધી હતી. શહેરના તમામ વ્યક્તિઓ અચૂકપણે વેક્સિન મેળવે, દરેક વ્યક્તિએ માસ્ક અચૂક પહેરે તથા ખાણીપીણી લારી-ચા નાસ્તાની લારીઓ બંધ કરવા મનપા કમિશનરે અનુરોધ કર્યો હતો.
શાળા-કોલેજના વધુ 13 વિદ્યાર્થી પોઝિટિવ મળી આવ્યા
હાલમાં શાળાઓ તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતાં તમામ ઝોન વિસ્તારમાં આવેલી વિવિધ શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ/કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં બુધવારે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી શાળામાં 1 વિદ્યાર્થી, વરાછા ઝોન-એ ઝોનમાં 2 વિદ્યાર્થીઓ, વરાછા ઝોન-બી વિસ્તારમાં 1 વિદ્યાર્થી, રાંદેર ઝોનમાં 3 વિદ્યાર્થીઓ, ઉધના ઝોનમાં 2 વિદ્યાર્થીઓ, લિંબાયત ઝોનમાં 2 શિક્ષકો અને 4 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા.
અન્ય રાજ્યોથી સુરતમાં આવનારા લોકોને સાત દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવુ પડશે
શહેરમાં વધી રહેલા સંક્રમણના કેસોને લીધે તંત્ર દ્વારા અગમચેતીના પગલાઓ લેવાઇ રહ્યાં છે. કોરોના સંક્રમણ વધુ નહીં ફેલાય તે માટે સિટી બસ બંધ કરવાની સાથે તમામ ગાર્ડન વગેરેને પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બુધવારે મનપા દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવાયું હતું કે અન્ય રાજ્યોથી સુરતમાં આવનારા લોકોને સાત દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવુ પડશે. આ નિર્ણયને લીધે કાપડ વેપાર ઠપ્પ થઇ જવાની દહેશત છે.