સુરતઃ છેલ્લાં કેટલાંક દિવસોથી સુરત મનપામાં કચરા કૌભાંડ ગાજી રહ્યું છે. આજે સુરત મનપાના પરિસરમાં વિપક્ષે સામાન્ય સભા પહેલાં વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ”હજી કેટલાં કરવા છે કાંડ…?” ના નારા પોકારવા સાથે મેયર દક્ષેશ માવાણીને ઘેરો ઘાલ્યો હતો. મેયર તરફથી યોગ્ય સંતોષકારક જવાબ ન મળતા વિપક્ષે હાય પોકારી હતી અને મેયરને ધક્કે ચઢાવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દરમિયાન વિપક્ષના નેતા પાયલ સાકરિયાને સામાન્ય સભામાંથી સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
- કચરા કૌભાંડ બાબતે વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીનું સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભા પહેલા વિરોધ પ્રદર્શન સૂત્રોચાર
- પાયલ સાકરિયા પાલિકાની સામાન્ય સભામાંથી સસ્પેન્ડ
કચરાનું વૈજ્ઞાનિક ઢબે 100 ટકા પ્રોસેસિંગ થતું હોવાનો દાવો કરી ખોટા આંકડા રજૂ કરી સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 મેળવી કેન્દ્ર સરકાર સાથે સુરતની પાલિકાએ છેતરપિંડી કરી હોવાનું કૌભાંડ ખુલ્લું પડ્યા બાદથી ભારે હોબાળો મચ્યો છે. મહાનગર પાલિકાની ખજોદ ડિસ્પોઝલ સાઈટ ખાતે લાખો મેટ્રિક ટન કચરાનો ડુંગર જોઈ આવેલા વિપક્ષના કોર્પોરેટરો આજેપાલિકાને ગજવી હતી.
વિપક્ષના કોર્પોરેટરોએ ભેગા થઈ મેયર દક્ષેશ માવાણીને ઘેરો ઘાલ્યો હતો. અને હજી કેટલાં કરવા છે કાંડ, કચરામાં પણ કર્યું કૌભાંડ તેવા સૂત્રો પોકારી મેયર દક્ષેશ માવાણીને શરમમાં મુક્યા હતા. અકળાયેલા મેયર જેમ તેમ બચીને રવાના થયા હતા. આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.