સુરત: (Surat) કતારગામમાં રહેતા અને જીયો સ્ટોરમાં (Jio Store) મેનેજર તરીકે નોકરી કરતો યુવક લૂંટેરી દુલ્હન ગેંગનો (Gang) શિકાર બન્યો છે. માતા-પિતા વિહોણી યુવતીએ મેનેજરની સાથે લગ્ન (Marriage) કરવા માટે હા પાડીને ઘરમાં આર્થિક સહાય માટે રૂા.2.70 લાખ લઇ લીધા બાદ ઘરને તાળુ મારી ફરાર થઇ ગઇ હતી.
- લગ્નના આગલા દિવસે વરરાજા વલસાડ પહોંચ્યા તો દુલ્હન સહિત આખો પરિવાર ગાયબ હતો
- લગ્નના નામે કતારગામના યુવાન સાથે લૂંટેરી દુલ્હનની 2.70 લાખની ઠગાઇ
- ભરત દરબારે પોતાની ઓળખાણ લગ્ન કરાવી આપતા દલાલ તરીકે આપી હતી
- લગ્નની તારીખ નક્કી થઇ અને જીગ્નેશભાઇએ લગ્નના દિવસે વલસાડ પહોંચીને હિતેશભાઇને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ હતો
પ્રાપ્ત વિગતો મુજબ કતારગામમાં લિંબાચીયા ફળિયામાં પદ્માવતી એપાર્ટમેન્ટમાં રહેતા અને લાલદરવાજા નજીક આવેલા જીયો સ્ટોરમાં મેનેજર તરીકે નોકરી કરતા જીગ્નેશ ડાહ્યાભાઇ પટેલનો ભેંટો સને-2021ના નવેમ્બર મહિનામાં ભરત દરબાર નામના વ્યક્તિ સાથે થયો હતો. ભરત દરબારે પોતાની ઓળખાણ લગ્ન કરાવી આપતા દલાલ તરીકે આપી હતી અને કહ્યું હતું કે, અમે કુંવારા છોકરા-છોકરીઓના લગ્ન કરાવી આપીએ છીએ અને દલાલી પેટે રૂા.30 હજાર ફી લઇએ છીએ.
દરમિયાન જીગ્નેશે ભરતને પોતાના લગ્ન કરવા માટે કોઇ સારી છોકરી હોય તો બતાવજો તેમ કહ્યું હતું. થોડા દિવસો બાદ ભરત દરબારે જીગ્નેશભાઇની મુલાકાત હિતેશ રતીલાલ કાપડિયા (રહે, વલવાડ ગુરુકુપા ઍપાર્ટમેન્ટ)ની સાથે કરાવી હતી. તેમણે જીગ્નેશને કહ્યું કે, મારી માસીની દિકરી છે, અને તેના માતા-પિતા નથી, તમારે લગ્ન કરવા હોય તો હું તમને બતાવું. આ ચર્ચા બાદ હિતેશ કાપડીયાએ માતા-પિતાની વિહોણી એક યુવતી નામે રૂબીદેવી (રહે.વલસાડ)ની મુલાકાત જીગ્નેશ સાથે કરાવીને લગ્નમાં સંમતિ આપી હતી.
લગ્નની વાત નક્કી થાય તે પહેલા જ રૂબીદેવીએ પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ કહીને લગ્નમાં ખર્ચા માટેની માંગણી કરી હતી. ટૂકડે ટૂકડે જીગ્નેશભાઇએ પોતાના ઘરમાંથી રૂા.2.70 લાખ આપી દીધા હતા. લગ્નની તારીખ નક્કી થઇ અને જીગ્નેશભાઇ લગ્નના દિવસે વલસાડ પહોંચીને હિતેશભાઇને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ આવતો હતો. ત્યારબાદ તેઓએ ભરત દરબારને પણ ફોન કર્યો હતો. પરંતુ તેની સાથે પણ સંપર્ક નહીં થયો ન હતો. આખરે હિતેશભાઇ અને તેમનો પરિવાર રૂબીદેવીના ઘરે ગયો ત્યારે ત્યાં તાળુ માર્યું હતું. આ બનાવની ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.