સુરત: (Surat) રસ્તાઓ પર ઉભા રહીને સામાન્ય વ્યક્તિ પાસેથી માસ્ક નહીં પહેર્યો હોય તો ધરાર એક હજાર રૂપિયા વસૂલી લેતી સુરત પોલીસ અને સુરત મહાપાલિકાના (Municipal Corporation) અધિકારીઓ ગઈકાલે સુરત-ડુમસ રોડના રામાયણ ફાર્મમાં યોજાયેલા પાલડિયા પરિવારના લગ્ન (Marriage) સમારોહ પહેલાની ડીજે પાર્ટીમાં સેંકડો લોકોની હાજરી હોવા છતાં પણ પગલા લેવામાં નમાલા સાબિત થયાં હતાં. સુરત પોલીસના (Police) તો જાણે માલેતુજારો સામે પગલા લેવામાં ટાંટિયા ધ્રૂજતા હોય તેમ આ કાર્યક્રમમાં માત્ર 200 લોકો જ હાજર હતાં તેવો રિપોર્ટ પણ ઉપરી અધિકારીઓને મોકલી આપી છડેચોક પાલડિયા પરિવારને બચાવી લેવાની ભ્રષ્ટ નીતિ છતી કરી દીધી હતી. તો બીજી તરફ સુરત મહાપાલિકાના અધિકારીઓ માત્ર 20 હજાર જ દંડ પેટે વસૂલીને જાણે ઘૂંટણિયે પડી ગયા હતાં. પોલીસ કે પાલિકા, એકપણ તંત્ર દ્વારા પાલડિયા પરિવાર સામે એપેડેમિક એક્ટ અંગેનો ગુનો નોંધ્યો નહોતો. જેણે માલેતુજારો સામે તંત્ર કેટલું પાંગળું છે તે સાબિત કરી બતાવ્યું હતું.
સુરત-ડુમસ રોડના રામાયણ ફાર્મમાં ડાયમંડ પેઢી પાલડિયા પરિવારના લગ્ન પ્રસંગના એક દિવસ પહેલા ભવ્ય ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં સેંકડો લોકો ભેગા થવાના છે તેની પહેલેથી જ બધાને જાણ થઈ ગઈ હતી. ખુદ મહાપાલિકાને પણ જાણ હતી છતાં પણ મનપાના અઠવા ઝોનના આસી. કમિ. જયેશ ગાંધીએ માત્ર નોટિસ મોકલીને સંતોષ માની લીધો હતો. બીજી તરફ પોલીસ અને મનપા તંત્રને ગજવામાં લઈને ફરતાં પાલડિયા પરિવારે ધરાર ડીજે પાર્ટીમાં સેંકડો લોકોને ભેગા કર્યાં હતાં અને મુંબઈથી ડીજે અને ડાન્સરોના તાલે સરેઆમ જલ્સો કર્યો હતો. આ કાર્યક્રમના વિડીયો અને ફોટા વાઈરલ થઈ જતાં છતાં ડુમસ પોલીસે તો નમાલુંપણું બતાવી જ દીધું હતું. જ્યારે મનપાના અઠવા ઝોનના આરોગ્ય અધિકારીઓએ પગલા લેવાને બદલે રાત્રે સાડા આઠ કલાકે કે જ્યારે કાર્યક્રમ પુરો જ થવા આવ્યો હતો ત્યારે કાર્યક્રમ બંધ કરાવ્યાનો સંતોષ લીધો હતો અને દેખાડા ખાતર માત્ર 20 હજારનો દંડ વસૂલ્યો હતો.
આ કાર્યક્રમમાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી દેવામાં આવ્યાં હોવા છતાં પણ ડુમસ પોલીસે તો જાણે આ કાર્યક્રમને છાવરી લેવાની જ નીતિ અપનાવી હોય તેમ સેંકડો લોકો પાર્ટીમાં હોવા છતાં પણ આ કાર્યક્રમ તરફ જોવાનું પણ મુનાસીબ માન્યું નહોતું અને માત્ર ઓફિસમાં જ બેસીને આ કાર્યક્રમમાં નિયમ પ્રમાણે 200 વ્યક્તિ હતાં તેવો રિપોર્ટ બનાવી દીધો હતો અને આજે ઉચ્ચ અધિકારીઓને આપી દીધો હતો કે જેથી પાલડિયા પરિવાર સામે કોઈ પગલાં લેવા નહીં પડે. આ કાર્યક્રમે એ સાબિત કરી આપ્યું હતું કે તંત્ર માત્ર ગરીબો સાથે જ જોરજુલમ કરી શકે છે. જ્યારે માલેતુજારો સામે દંડવત થઈ જાય છે. તંત્રની આવી બેધારી નીતિને લઈને સામાન્ય પ્રજામાં આ પ્રકરણ ચર્ચા સાથે રોશનો વિષય બન્યો હતો.
હાઇકોર્ટની ટકોર બાદ તાપી જિલ્લાના ભાજપના ધારાસભ્ય સામે ગુનો નોંધાયો હતો તો શું આ કિસ્સામાં પણ એવા કોઈક પગલાની રાહ જોવાઈ રહી છે?
સરકારી તંત્ર માત્ર સામાન્ય વ્યક્તિ પર જ જુલમ કરી શકે છે. તાપી જીલ્લામાં ભાજપના નેતા કાંતિભાઈ ગામીતને ત્યાં પણ લગ્ન પ્રસંગમાં હજારોની સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી. આ કાર્યક્રમના વિડીયો વાઈરલ થયાં ત્યારે ભારે હોબાળો મચ્યો હતો તેમ છતાં પણ સરકારી તંત્રએ તેની સામે કોઈ જ પગલા લીધા નહોતાં. બાદમાં જ્યારે હાઈકોર્ટે ઝાટકણી કાઢી ત્યારે પોલીસે નતમસ્તક બનીને પછી ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે સચીન જીઆઈડીસી પોલીસની હદમાં બે-ત્રણ મહિના પહેલા સામાન્ય પટેલ પરિવારના લગ્ન પ્રસંગ હતાં તો તેમાં પોલીસે દોડી જઈને 1000 માણસો ભેગા થયાં હોવાથી પાંચ હજારની દંડની વસૂલી સાથે ગુનો પણ નોંધ્યો હતો. જોકે, પાલડિયા પરિવારના આ ડીજે કાર્યક્રમમાં સેંકડો લોકો હોવા છતાં પણ પોલીસના ભ્રષ્ટ અધિકારીઓ તેને છાવરી રહ્યાં છે.
માલેતુજારોએ પોતાને ત્યાં પ્રસંગમાં સેંકડો લોકોને ભેગા કરવાં હોય તો તેનો મનપાનો ભાવ છે 20 હજાર રૂપિયા!
પાલડિયા પરિવારને ત્યાં ડીજેની પાર્ટીમાં સેંકડો લોકો અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો છેદ ઉડાડી દેવાયો હોવા છતાં જે રીતે સુરત મહાપાલિકાના અઠવા ઝોનના આરોગ્ય અધિકારીઓ દ્વારા માત્ર 20 હજાર જ રૂપિયા વસૂલવામાં આવ્યાં તેણે એવું જાણે સાબિત કરી દીધું કે સામાન્ય વ્યક્તિ પોતાને ત્યાં પ્રસંગમાં વધુ વ્યક્તિઓને ભેગી કરી શકશે નહીં પરંતુ જો માલેતુજારોએ પોતાને ત્યાં સેંકડો લોકોને ભેગા કરીને કાર્યક્રમ કરવો હશે તો તેઓ 20 હજાર રૂપિયાની મહાપાલિકાની આરોગ્ય વિભાગની રસીદ ફડાવીને પોતાને ત્યાં પ્રસંગમાં સેંકડો લોકોને બોલાવી શકશે અને તે પણ કોરોનાની ગાઈડલાઈનનો ઉલાળિયો કરીને. આવા માલેતુજારો સામે મનપા દ્વારા કોઈ જ પગલા લેવામાં નહીં આવે.
હોબાળો થવાં છતાં બીજા દિવસે પાલડિયા પરિવારે ધરાર મોટાપાયે લગ્નપ્રસંગ કર્યો
રામાયણ ફાર્મમાં પાલડિયા પરિવારની લગ્નપ્રસંગની ડીજે પાર્ટીમાં સેંકડો લોકોને ભેગા થવાની સાથે કોરોનાની ગાઈડલાઈનનો ઉલાળિયો થઈ જવાને કારણે મોટો હોબાળો થવાં છતાં આ પરિવારે પોલીસ અને પાલિકાનો પોતાના ખિસ્સામાં રાખી લીધી હોય તેમ બીજા દિવસે વેસુના વીઆઈપી રોડ પર આવેલી સીબી પટેલ પાર્ટી પ્લોટ પર ધરાર લગ્નપ્રસંગ કર્યો હતો. આ લગ્નપ્રસંગમાં પણ માણસોને ભેગા કરવામાં આવ્યાં હતાં. હોબાળો મચવાને કારણે શનિવારના આ લગ્નપ્રસંગમાં પણ મનપાના અધિકારીઓ પહોંચી ગયાં હતાં અને 50 હજાર રૂપિયાની રસીદો બનાવીને દંડ વસૂલ્યો હતો પરંતુ જોવા જેવી વાત એ છે કે રસીદ બતાવવાનો મનપાના અધિકારીઓ દ્વારા ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો.
માલેતુજારોના પડખે બેઠેલા મનપાના અઠવા ઝોનના અધિકારીના આંખ આડા કાન
મનપાના અઠવા ઝોનના અધિકારીઓ પૈકી આસી. કમિ. જયેશ ગાંધીને કાર્યક્રમની ખબર હોવા છતાં પણ તેમણે માત્ર નોટિસ મોકલીને જ સંતોષ માની લીધો હતો. તેમણે ખરેખર રામાયણ ફાર્મમાં ટીમ મોકલીને તપાસ કરીને સેંકડો લોકોને ભેગા થવાં દેવા જોઈતાં નહોતાં. બીજી તરફ ઝોનલ અધિકારી ચાવડાને તો જાણે આવો કોઈ કાર્યક્રમ શુક્રવાર અને શનિવારે થઈ રહ્યો છે તેની ખબર જ નહોતીં. સૌથી મહત્વની પોસ્ટ ધરાવતા નાયબ આરોગ્ય અધિકારી ખત્રીએ તો જાણે આ પરિવારને બચાવી લેવાનો ઠેકો લીધો હોય તેમ ફોન ઉંચકવાના પણ મુનાસીબ માન્યાં નહોતાં. આ અધિકારીઓએ મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીને પણ અમે રાત્રે કાર્યક્રમ બંધ કરાવ્યો છે તેવો મેસેજ આપીને ઉંઠા ભણાવ્યાં હતાં. હકીકત એ હતી કે રાત્રે નવ કલાકે કરફ્યુ શરૂ થતો હોય ત્યારે જો કાર્યક્રમ સાડા આઠ કલાકે બંધ કરાવવામાં આવે તો તેનો શું મતલબ? હવે મ્યુનિ.કમિ. પર નિર્ભર છે કે તે આવા ઉંઠા ભણાવનારા અધિકારીઓ સામે કેવા પગલા લે છે?