સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વેગ પકડી રહ્યું હોવાથી હવે મનપાએ કકડાઇ શરૂ કરી છે, પરંતુ ચૂંટણી વખતે રાજકીય નેતાઓની રેલી અને સભાઓ સામે મુકપ્રેક્ષક બનીને કોરોનાને વકરવા માટે આડકતરા નિમિત્ત બની ગયેલા મનપા-પોલીસ (SMC-Police) તંત્રો પર લોકોની ગાજ વરસી રહી છે. એક સમયે લોકડાઉનમાં પણ તંત્રને સાથ આપતા લોકો એટલી હદે અકળાયા છે કે, હવે ફીલ્ડમાં કામ કરતા મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને જીવના જોખમે ફરજ બજાવવી પડે છે, પાંડેસરામાં રવિવારે રસ્તા પર ભરાતી માર્કેટને (Market) હટાવવા ગયેલા ઉધના ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ આવી જ રીતે લોકો તૂટી પડ્યા હતા, જો પોલીસ ના હોત તો એકાદ બે અધિકારીને ગંભીર ઇજા થાત તેવો માહોલ ઉભો થયો હતો.
200થી વધુ લોકોના ટોળાએ મનપાની ટીમને ઘેરી લઇ હોબાળો મચાવ્યો
પાંડેસરામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા હોય, રવિવારે ઉધના ઝોનનો સ્ટાફ પાંડેસરા હાઉસિંગમાં રસ્તા પર ભરાતી બજારમાં ભીડ એકઠી થતા તેને હટાવવા ગયો હતો. જો કે 200થી વધુ લોકોના ટોળાએ મનપાની ટીમને ઘેરી લઇ હોબાળો મચાવ્યો હતો. ‘રાજકીય નેતાઓની સભા અને રેલીઓ કેમ બંધ કરાવતા નથી અને અમને હટાવવા દોડયા આવો છો… પહેલા રાજકીય તાયફાઓ બંધ કરાવો પછી…. અમને હટાવવા આવજો’ તેવું કહી આક્રોશ ઠાલવીને મનપાના કર્મચારીઓને ભગાડ્યા હતા.
બાઈક ચાલક યુવકોએ માસ્ક બાબતે પોલીસ સાથે જીભાજોડી કરતા પોલીસે ગુનો દાખલ કર્યો
સુરત: શહેરના તમામ રસ્તાઓ ઉપર પોલીસ સરકારે આપેલો ટારગેટ પૂર કરવા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને લૂંટી રહી છે. રાજકારણીઓની સામે ઘૂંટણીયે બેસી ગયેલી પોલીસ માત્ર પ્રજા ઉપર જ જોર જુલમ કરી રહી છે. જેને કારણે અનેક સ્થળે ઘર્ષણના બનાવો બની રહ્યા છે. લિંબાયત અને સલાબતપુરામાં બાઈક ચાલક યુવકોએ માસ્ક બાબતે પોલીસ સાથે જીભાજોડી કરતા પોલીસ દાદાએ કાયદાની ધાક બતાવી ગુનો દાખલ કરી દીધો હતો.
લિંબાયત પોલીસ દ્વારા ગઈકાલે કબુતર સર્કલ પાસે વાહન ચેકિંગ કામગીરી દરમિયાન મોટર સાયકલ પલ્સરનો ચાલક વગર માસ્કે આવતો હતો. પોલીસે તેને ઉભો રાખીને તેનું નામ પુછતા 32 વર્ષીય અર્જુનકુમાર મગનભાઈ સાંઘાણી (રહે, પૂર્વી સોસાયટી, હીરાબાગ સર્કલ, સુરત) હોવાનું જણાવ્યું હતું. યુવકને માસ્ક અંગે પુછતા તેને મારે માસ્કનો દંડ ભરવાનો થતો નથી તમારે થાય તે કરી લો અને તમે લોકો નેતા લોકોની જાહેર સભાઓ તથા રેલીઓ વગર માસ્કે નીકળે છે તેનું કઈ કરી શકતા નથી. અને અમારા જેવા ગરીબ માણસોને હેરાન પરેશાન કરો છો. પોલીસ સાથે જીભાજોડી કરતા પોલીસે અર્જુનકુમારની સામે ફરિયાદ દાખલ કરી દીધી હતી.
તેવી જ રીતે સલાબતપુરા પોલીસ ગઈકાલે બેગમપુરા પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગમાં હતી ત્યારે બાઈક ઉપર સવાર કલ્પેશ સુરેશભાઈ પટેલ (રહે,વડવાળી શેરી બેગમપુરા) માસ્ક વગર હતો. પોલીસે તેની પાસેથી માસ્કના 1000 રૂપિયા દંડ વસૂલ્યો હતો. થોડીવાર પછી 46 વર્ષીય શૈલેષભાઈ વનમાળીદાસ જરીવાલા તથા 49 વર્ષીય ધર્મેશભાઈ વનમાળી જરીવાલા (બંને રહે, બેગમપુરા ભટ્ટીશેરી, મહિધરપુરા) આવીને પોલીસ સાથે જીભાજોડી કરી હતી કે અમારા કારીગર માસ્ક પહેર્યું હોવા છતાં તમે ખોટી રીતે દંડ વસૂલો છો. તમારો વિડીયો ઉતારી વાઈરલ કરી તમારી વર્દી ઉતરાવી દઈશ તેમ કહીને ગાળાગાળી કરી હતી. જેને કારણે પોલીસે બંને સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.