માંડવી : માંડવી તાલુકાના ડોણ ગામની સીમમાં કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ પૈકી એકનું મોત થયું હતું જ્યારે બેને ઈજા થતાં સારવાર માટે સુરત ખસેડાયા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર પીએસઆઇ શીતલસિંહ સિકરવાર આણંદ જિલ્લાના માઉન્ટેડ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.
કારમાં સવાર આણંદના હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ જીવ ગુમાવ્યો, વડોદરાના બેને ઇજા થતાં સારવાર હેઠળ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવી-ઝંખવાવ રોડ પર આવેલા જુનવાણ ગામની સીમમાંથી પસાર થતી ટ્રક નં- KP-14-C-0702ના ચાલક પદ્મરામ જાટ (ઉં.વર્ષ-47) (રહે, રાજસ્થાન) સાથે સામેથી આવતી બ્રેઝા કાર નં- GJ-23-CB-9877 ધડાકાભેર અથડાઈ હતી આ કારમાં સવાર આણંદ જિલ્લામાં માઉન્ટેડ હેડક્વાટર્રર ખાતે પોસઇ તરીકે ફરજ બજાવતા શીતલસિંહ બજરંગસિંહ સિકરવાર (ઉં.વર્ષ-46)નું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કારમાં બેઠેલા વિનોદ વામન એસી અને તુષાર કિશન આગ્રે (બંને રહે, વડોદરા)ને ઈજા થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ ઈજા વધુ હોવાથી સુરત સિવિલ ખાતે ખસેડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે,કે કારમાં ત્રણેય આણંદથી ઉકાઈ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત થતાં માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બાબતે બીટના જમાદારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
વાલોડમાં ટેમ્પોએ બાઇકને અડફેટે લેતાં ત્રણનાં મોત
વ્યારા: વાલોડમાં વાપી-શામળાજી ધોરી માર્ગ પર ગતરોજ સાંજે મોટરસાઇકલ ચાલક મનોજ ડાહ્યા ધોડિયા (રહે., પુણા, તા.મહુવા), નવીન ધોડિયા તથા જીતુ મોહન ધોડિયા (બંને રહે.,કલકવા, તા.ડોલવણ) કલકવાથી બાજીપુરા ખાતે પોતાના સંબંધીના ઘરે સામાન ખાલી કરવા સ્પ્લેન્ડર મોટરસાઇકલ નં.(GJ 19 C 0299) પર બાજીપુરા તરફ જતા હતા. ત્યારે વાલોડ-બાજીપુરા રોડ ઉપર બુટવાડા ખાતે સામેથી બોલેરો પિકઅપ ટેમ્પો નં.(GJ 6 BT 2980)ના ચાલકે સ્પ્લેન્ડર મોટરસાઈકલને ટક્કર મારતાં આ અકસ્માતમાં બાઇકચાલક અને તેના મિત્રો હવામાં ફંગોળાઈ ગયા હતા, જેમાં બાઇકચાલક મનોજ ડાહ્યા ધોડિયાને શરીરે ગંભીર ઈજા થતાં તેનું વ્યારા ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઇકસવાર નવીન ધોડિયા તથા જીતુ મોહન બંને મિત્રને સુરત ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ બંને મિત્ર ગત રોજ સાંજે સુરત ખાતે સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. આ બંને મિત્રનાં મોત થયાની જાણ થતાં કલકવા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ત્રણ-ત્રણ યુવાનનાં મોત નીપજાવનાર ટેમ્પોચાલક પોતાનો ટેમ્પો સ્થળ પર છોડી નાસી છૂટ્યો હોવાથી મરણ જનાર મનોજનાં પત્ની વૈશાલીબેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.