મલાઈ…નામ પડે અને ખાવાનું મન થઈ જાય. લસ્સીથી માંડીને અનેક વાનગીઓમાં દૂધની મલાઈનો ઉપયોગ થાય છે પરંતુ સુરતમાં મલાઈની ઉપયોગિતા વિશેષ છે. સુરતમાં કેટલીક જ્ઞાતિઓમાં તો કોઈપણ પ્રસંગોએ મલાઈ ખાવાનો રિવાજ છે. તેમાં પણ સાલમપાક સાથે ભેળવીને મલાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. સુરતમાં મલાઈ ખાનારો વર્ગ ખૂબ મોટો છે અને તેમાં પણ જો મલાઈ હરીપુરા ખાતેના રંગીલદાસ ઘેલાભાઈ દૂધવાલાની હોય તો વાત જ અલગ છે. હાલમાં ડેરી વર્લ્ડના નામે દુકાન ચલાવતા આ દૂધવાલા પરિવારની પેઢી 125 વર્ષથી સુરતીઓને મલાઈ ખવડાવી રહી છે. આજે આપણે ‘પેઢીનામા’માં દૂધવાલા પરિવાર વિશે જાણીશું.
સને 1897માં ડેરી શરૂ કરી ત્યારે મલાઈ લેવા માટે રાત્રે અઢી વાગ્યાથી લાઈનો લાગતી હતી
‘અમારા વડદાદા નાનચંદભાઈ દૂધવાલાએ સને 1897માં આ ડેરી શરૂ કરી હતી. તે સમયે અમારી ડેરીમાં માત્ર દૂધ, મલાઈ અને સાદો શિખંડ જ વેચવામાં આવતો હતો. મલાઈમાટે તો રાત્રે અઢી વાગ્યાથી લાઈનો લાગી જતી હતી. લોકો પોતાના વાસણો લાઈનમાં મુકી દેતા હતા. તે સમયે માત્ર આના, બે આના તેમજ બાર આનામાં અમે મલાઈ વેચતા હતા. અમારી મલાઈ એટલી વખણાતી હતી કે તે સમયે માત્ર સુરત અને ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાંથી લોકો મલાઈ લેવા માટે આવતાં હતા. ત્યારે કોઇ ટેકનોલોજી ન હોવાને કારણે મારા પરદાદાઓ સાદી રીતે જ મલાઇ અને સાદો શિખંડ બનાવતા હતા. નાનચંદભાઈના મૃત્યુ બાદ ઘેલાભાઇ ડેરી ચલાવતા હતા અને તેમના મૃત્યુ બાદ રંગીલદાસે ધંધો ચલાવ્યો હતો. ત્યારબાદ તેમના પુત્ર વસંતલાલ પટેલે ડેરીની બાગડોર સંભાળી હતી. આમ અમારી ડેરી ચાર પેઢીથી ચાલી રહી છે તેમ હાલમાં પેઢી ચલાવતા ચોથી પેઢીના જીમી પટેલના મામા મુકેશ પસ્તાગીયાએ જણાવ્યું હતું.
વંશ વેલો
ઘેલાભાઇ નાનચંદ દૂધવાલા
રંગીલદાસ ઘેલાભાઇ દૂધવાલા
વસંતલાલ રંગીલદાસ પટેલ
જીમી વસંતલાલ પટેલ
ચાર પેઢીથી અમે મલાઈનો ટેસ્ટ જાળવી રાખ્યો છે: જીમી પટેલ
‘ચાર પેઢીથી અમે મલાઈનો ટેસ્ટ જાળવી રાખ્યો છે. હાલમાં દૂધની અનેક બનાવટો બજારમાં છે. પરંતુ અમે સાડા આઠ ફેટના દૂધની મલાઈ બનાવીએ છીએ. જ્યારે અન્ય છ ફેટના દૂધની મલાઈ બનાવે છે. હાલમાં સીતાફળ, અંગૂર, મલાઇ રબડીની અમારી સ્પેશ્યાલિટી છે. જે અલગ દૂધથી અલગ પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. આ ઉપરાંત શ્રીખંડ, ક્રીમ સલાડ, પંજાબી દહીં, મંગો મલાઇ, પાઇનેપલ, ઓરેન્જ, લીચી વિવિધ બનાવટનો મઠો, લસ્સી, કોકો અને રેડ વેલ્વેટ અને જાંબુનો મઠો છે તેમ પેઢીના ચોથી પેઢીના વારસદાર જીમી પટેલે જણાવ્યું હતું.
1997માં મેં ડેરીનું કામકાજ સંભાળી તેને નવું ‘ડેરી વર્લ્ડ’ નામ આપ્યું હતું
સને 1997માં મેં જ્યારે ડેરીનું કામકાજ સંભાળ્યું ત્યારે નવા જમાના પ્રમાણે અમે દાદાના નામ પરથી ચાલતી ડેરીને નવું નામ ‘ડેરી વર્લ્ડ’ આપ્યું. નામ ભલે બદલ્યું પરંતુ અમે મલાઈ બનાવવાની વડવાઓની રીત બદલી નથી. આજની તારીખે પણ દુકાનમાં મલાઈ માટે લાઈનો લાગે છે. અગાઉ 40થી 50 રૂપિયા કિલો મળતી મલાઈનો ભાવ હાલમાં કિલોએ 700 રૂપિયા છે પરંતુ તેમ છતાં પણ લગ્ર પ્રસંગ માટે છેક મહારાષ્ટ્ના નંદુબાર સુરતના બારડોલી તેમજ આજુબાજુના ગામડાઓ અને અમેરિકાથી અમને મલાઈ તેમજ શિખંડના ઓર્ડર મળે છે. ક્યારેક ગરીબ વ્યકિત પાસે મઠોના રૂપિયા ઓછા હોય તો તેવા સમયે તેની પાસે જેટલા રૂપિયા હોય તેટલામાં પણ મઠો આપી દઈએ છીએ તેમ પણ જીમી પટેલે જણાવ્યું હતું.
જ્યારે 2006માં તાપી નદીમાં પૂર આવ્યું ત્યારે અમને ભારે નુકસાન થયું હતું: મુકેશ પસ્તાગીયા
પહેલાના જમાના જે દૂધ વેચતા હતાં તેમને પટેલ કહેવામાં આવતા હતા. તેના કારણે જ અમને પટેલ અટક મળી હતી. સને 1968 આવેલા પૂરમાં અમને ઓછું નુકસાન થયું હતું પરંતુ 2006માં આવેલા પૂરમાં નુકસાન પારાવર થયું હતું. ભોંયરામાં દૂધ, દહીં, મઠો તેમજ ખાંડની ગુણો તેમજ કોલ્ડસ્ટોરેજના મશીનો બગડી ગયા હતા તેમ જીમી પટેલના મામા મુકેશભાઈ પસ્તાગીયાએ જણાવ્યું હતું.
દૂધની બનાવટમાં કોઇ ભેળસેળ કરવામાં આવતી નથી, ઓરિજિનલ ટેસ્ટ જ મળે છે: ગ્રાહક નરેશભાઇ આહીર
ડેરીના છેલ્લા 30 વર્ષથી ગ્રાહક એવા સિટીલાઈટ વિસ્તારના નરેશભાઇ આહીરે જણાવ્યું હતું કે, મારા પિતાજી ‘ડેરી વર્લ્ડ’માંથી દૂધની બનાવટની વસ્તુઓ લાવતા હતા. હાલમાં પિતાજી નથી એટલે હું ડેરીમાંથી મઠો અને ખાસ કરીને પનીર લેવા માટે આવ્યું છું. મારી દીકરીની સગાઇ હોવાથી હું ક્રીમ સલાડ શિખંડનો ઓર્ડર આપવા આવ્યો છે. અહીંયાથી ખરીદેલી દૂધની બનાવટમાં કોઇ ભેળસેળ કરવામાં આવતી નથી અને ઓરિજિનલ ટેસ્ટ મળે છે.