SURAT

ટેક્સટાઈલ કમિશનરની ઓફિસને ટેક્સટાઈલ મંત્રાલયમાં મર્જ કરવાને લઈ સુરત અને મુંબઈમાં વિવાદ

સુરત: (Surat) બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1943 થી મુંબઈમાં ચાલતી ટેક્સટાઈલ કમિશનરની (Textile Commissioner) સ્વાયત્ત ઓફિસને ટેક્સટાઈલ મંત્રાલયમાં મર્જ કરવાને લઈ સુરત અને મુંબઈમાં વિવાદ ઊભો થયો છે. આ મામલો મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસ,એનસીપી અને શિવસેના-ઠાકરે જૂથ દ્વારા ઉઠાવવામાં આવતાં મહારાષ્ટ્રના (Maharashtra) ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે, ટેક્સટાઈલ કમિશનરની ઓફિસ મુંબઈમાં જ રહેશે.

  • ટેક્સટાઈલ કમિશનરની ઓફિસ મુંબઈમાં જ રહેશે,કમિશનર સહિતના ટોપ ફાઈવ ઓફિસર દિલ્હી બેસશે
  • સુરતનાં ઉદ્યોગકારોની અરજી મંજૂરી માટે વાયા મુંબઈ દિલ્હી જશે
  • દિલ્હીથી અરજી ઇન્સ્પેકશન માટે અમદાવાદ મોકલાશે
  • સરકારે ઊંધા કાન પકડાવ્યા,મહારાષ્ટ્રના ડે. સીએમ.દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત

કેન્દ્ર સરકારનો ઈરાદો ટેક્સટાઈલ મંત્રાલયને રિસ્ટ્રકચર કરવાનો છે. એના ભાગ સ્વરૂપે ટેક્સટાઇલ કમિશનર કચેરીનાં 500 કર્મચારીઓમાંથી ટેક્સટાઈલ કમિશનર સહિત 5 ઉચ્ચ અધિકારીઓ જ ટેક્સટાઈલ મંત્રાલય દિલ્હીમાં ફરજ બજાવશે. ફડણવીસે ટેક્સટાઈલ ઉદ્યોગકારોને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે એવું સુરતનાં ઉદ્યોગકારોનું માનવું છે. કારણ કે,નીતિ વિષયક નિર્ણય લેનારા અધિકાર જ જો દિલ્હી ટેક્સટાઈલ મંત્રાલયમાં શિફ્ટ થશે તો મુંબઇ ઓફિસનું કામ ફાઇલ મંજૂર કરવા કે રિજેક્ટ કરવા માટે ભલામણ કરવા પૂરતું રહી જશે.

સુરતનાં ઉદ્યોગકારોની અરજી મુંબઈ ઓફિસ પહોંચ્યા પછી મંજૂરી માટે દિલ્હી જશે અને ત્યાંથી મશીનરી અને પ્રોજેકટ ઇન્સ્પેકશન માટે અમદાવાદ રિજનલ ઓફિસને મોકલાશે. એ પછી અધિકારીઓ સુરતમાં સ્થળ વિઝિટ કરી રિપોર્ટ ટેક્સટાઈલ કમિશનર કચેરીનાં ઉચ્ચ અધિકારીને મોકલશે. ટેક્સટાઈલ કમિશનર કચેરી અત્યાર સુધી સ્વાયત્ત રીતે કામ કરતી આવી છે. ટેક્સટાઈલ કમિશનરટેક્સટાઈલને લગતી પ્રોત્સાહક યોજનાઓના અમલ, સબસીડી રિલીઝ કરવી, ઇનસેન્ટિવ આપવા સહિતની કામગીરી કરે છે. સુરતનાં અરજદારો કોઈપણ સ્કીમની કવેરીની પુર્તતા માટે સવારે મુંબઇ જઈ સાંજે સુરત આવી શકતા હતાં.

હવે દિલ્હીનાં ધક્કા ખાવા પડશે. મુંબઈની ટેક્સટાઈલ કમિશનર કચેરી અંતર્ગત અમદાવાદ, નવી મુંબઇ, અમૃતસર, બેંગલુરુ, કોલકાતા, નોઇડા, ઇન્દોર અને કોઈમ્બતુરમાં રિજનલ ઓફિસ કાર્યરત છે. આ ઓફિસો પાવરલૂમ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. સુરતમાં જ આવા 4 સેન્ટર ચાલે છે. ટેક્સટાઈલ મંત્રાલયના અંડર સેક્રેટરી જયશ્રી શિવકુમારે કમિશનર રૂપ રાશિને 14 માર્ચે પત્ર લખી જાણ કરી છે કે, અસરકારકતા વધારવા અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ હાંસલ કરવા માટે ટેક્સટાઈલ કમિશનર અને ટેક્સટાઈલ કમિટી (TC) ની પુનઃરચના કરવાનો નિર્ણય કોમ્પે ઓથોરિટીની મંજૂરીથી લેવામાં આવ્યો છે.

Most Popular

To Top