સુરત: (Surat) શુક્રવારે વહેલી સવારે સરથાણામાં કાપડ વેપારી ઉપર થયેલા ફાયરિંગ (Firing) પ્રકરણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, પ્રેમપ્રકરણને (Love Affairs) લઇને નજીકના મહિલા સંબંધી દ્વારા વેપારી ઉપર ફાયરિંગ કરાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, આરોપી પોલીસના હાથવેંતમાં આવી ગયા હોવાની વિગતો જાણકાર સૂત્રોએ જણાવી હતી, જો કે, આ બાબતે પોલીસે કોઇ સત્તાવાર માહિતી આપી ન હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે વહેલી સવારે સરથાણા જકાતનાકા પાસે સનસ્ટાર સિટી સોસાયટીમાં રહેતા હિરેનભાઇ ભગવાનભાઇ મોરડીયા (ઉ.વ.33)સરથાણા ગામથી શુકન બંગ્લો તરફ જતા વાલકગામના રોડ ઉપર ચાલવા નીકળ્યા હતા. આ દરમિયાન તેઓની ઉપર લાલ કલરની સ્પોટ્સ બાઇક ઉપર આવેલા બે અજાણ્યાઓ ફાયરિંગ કરીને ભાગી છૂટ્યા હતા. સરથાણા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા ફાયરિંગ કરનાર યુવકો કામરેજ તરફ ભાગી છૂટ્યા હતા. બીજી તરફ પોલીસે ઇજાગ્રસ્ત હિરેનભાઇ, તેમના પરિવારના સભ્યો, તેમને હોસ્પિટલમાં લઇ જનાર વ્યક્તિઓના નિવેદનો, જ્યાં ફાયરિંગ થયું તે સ્થળની આજુબાજુના લોકોના નિવેદનો, તેમજ ઇજાગ્રસ્તના વેપારી મિત્રોના નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું.
આ નિવેદનો ઉપરથી પોલીસને એક ક્લુ મળ્યો હતો, જેમાં હિરેનભાઇ ઉપર તેમના જ કુટુંબના એક મહિલાએ આડાસંબંધને કારણે ફાયરિંગ કરાવ્યું હોવાની વિગતો બહાર આવી છે. આ મહિલાના અન્ય પુરુષ સાથે પ્રેમસંબંધ હોવાને કારણે કુટુંબમાં ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને ફાયરિંગ કારવ્યું હોવાની વાતે જોર પકડ્યું છે. ફાયરિંગ કરાવનાર વ્યક્તિ સરથાણા પોલીસના હાથવેંતમાં છે, તે મહિલા અને તેના પ્રેમી વચ્ચે હિરેનભાઇ અડખીલીરૂપ હોવાથી તેમને રસ્તામાંથી હટાવવા માટે આ પ્લાન બનાવાયા હોવાનું પોલીસનું માનવું છે. આરોપી હાથમાં આવી જશે ત્યારબાદ આ બાબતે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે સત્તાવાર કોઇ માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી.
હિરેનભાઇ મોર્નિંગ વોકમાં જતા હોવાની માહિતી મહિલાએ આપી હતી
હિરેનભાઇને રસ્તામાંથી ખસેડવા માટે મહિલાએ જ તેના જાણીતા શૂટરોને હિરેનભાઇના નિત્યાક્રમ વિશે માહિતી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. હિરેનભાઇ વહેલી સવારે મોર્નિંગ વોક કરવા માટે જતા હોવાની માહિતી પણ તેઓના ઘરમાંથી જ પાસઓન કરવામાં આવી છે. સતત બેથી ત્રણ દિવસ સુધી રેકી કર્યા બાદ જ્યાં સીસીટીવી ફૂટેજ નથી. તે જ જગ્યા ઉપર ફાયરિંગ કરીને હિરેનભાઇની હત્યાનો સમગ્ર પ્લાન બનાવાયો હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. જેને લઇને પોલીસે આ મહિલાની પણ પુછપરછ શરૂ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.