સુરત: (Surat) અલથાણ ખાતે રહેતા પોલીસ (Police) એએસઆઈને (ASI) બીજી મહિલા સાથે પ્રેમસંબંધ (Love Affairs) બંધાતા પત્ની અને બાળકોને માર મારી ત્રાસ (Harassment) આપતો હતો. મહિલાએ એએસઆઈ પતિની સામે ફરિયાદ નોંધાવી હતી.
- મહિલા સાથેના પ્રેમસંબંધમાં પત્ની અને બાળકોને ફટકારી ત્રાસ આપતો એએસઆઈ
- એક મહિનો ઘર છોડી પ્રેમિકા પાસે જતો રહ્યો, ઘર ખર્ચના પૈસા માંગ્યા તો પિયરમાંથી લઈ આવવાનું કહીને ગાળો આપી
- ‘પોલીસ મને કઈ નહીં કરે એ તો હું છુટી જઈશ’ કહેનાર એએસઆઈ પતિની સામે પત્નીની પોલીસ ફરિયાદ
અલથાણ ખાતે પરષોત્તમ નગરમાં રહેતી 47 વર્ષીય સુરેખાબેન રામચંદ્ર દેવરેએ અલથાણ પોલીસ સ્ટેશનમાં તેમના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. રામચંદ્ર ક્રિષ્ના દેવરે પોલીસ હેડક્વાર્ટસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. સુરેખાબેનના વર્ષ 1995 માં લગ્ન થયા હતા. તેમને સંતાનમાં 20 વર્ષનો પુત્ર અને 16 વર્ષની પુત્રી છે. શરૂઆતમાં તેઓ અઠવાલાઈન્સ પોલીસ હેડ ક્વાર્ટસમાં રહેતા હતા. લગ્નના થોડા દિવસ પછી રામચંદ્ર દેવરેને દુરની સંબંધી સુવર્ણા સાથે અફેર થયું હતું. ત્યારથી રામચંદ્રએ પત્ની અને સંતાનો પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. બાદમાં ઘરમાં નાના મોટા ઝઘડા થતા હતા. ત્યારબાદ નવેમ્બર 2022 માં રામચંદ્ર દેવરે ઘરમાં કહ્યા વગર સુવર્ણા સાથે રહેવા જતા રહ્યા હતા. એકાદ મહિના પછી ઘરે પરત આવ્યા હતા.
સુરેખાબેન ઘરખર્ચના પૈસા માંગતી તો પિયરમાંથી લઈ આવ તેમ કહીને ગાળો આપતા હતા. ઘણી વખત દારૂ પીને આવી માર મારતા હતા. ઘણી વખત સંતાનોને પણ માર મારતા હતા. એકાદ મહિના પહેલા 100 નંબર પર ફોન કરતા અલથાણ પોલીસમાં દારૂ પીધાનો કેસ કર્યો હતો. ત્યારબાદ ડાયનિંગ ટેબલનો કાચ મારવા આવ્યો હતો. અને ગળુ પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ‘પોલીસ મને કઈ નહીં કરે એ તો હું છુટી જઈશ’ તેમ કહીને માર મારતો હતો. જેથી આજરોજ અલથાણ પોલીસમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી.
નવસારીમાંથી સગીરાને ભગાડી જનાર પકડાયો
નવસારી : નવસારી જિલ્લા પોલીસે વધુ એક સગીરાને રેસ્ક્યુ કરી એકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીએ 14મી માર્ચથી 28મી માર્ચ સુધી રાજ્યના તમામ શહેર/જિલ્લા ખાતે મિસિંગ બાળક-બાળકીઓને શોધી કાઢવા સ્પેશ્યલ ડ્રાઈવ રાખી હતો. જે અન્વયે સુરત રેન્જ અધિક પોલીસ મહાનિર્દેશક પિયુષ પટેલની સુચનાના આધારે નવસારી જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા તથા ડી.વાય. એસ.પી. એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ એએચટીયુ પી.આઈ. કે.બી. દેસાઈએ નવસારી ટાઉન પોલીસ મથકની સંયુક્ત ટીમ દ્વારા નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં છેલ્લા છ મહિનાથી અનડિટેક્ટ રહેલા ગુનામાં સગીરવયની બાળકીને શોધી કાઢી રેસ્ક્યુ કરી છે. તેમજ જલાલપોરના એરુ ગાંધી સ્મૃતિ ફાટક પાસે આંબેડકર નગર નવી વસાહતમાં રહેતા રોહિત બાબુભાઈ દંતાણીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 12 દિવસના ટુંકાગાળામાં નવસારી પોલીસ દ્વારા 4 સગીરવયની બાળકીઓને શોધી રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી છે.