SURAT

સુરતમાં વિવાદ વગર લાઉડ સ્પીકર ઉપર અઝાન અને હનુમાન ચાલીસા બંને વાગે છે

સુરત: (Surat) હાલમાં દેશભરમાં લાઉડ સ્પીકર (Loud Speaker) મુદ્દે વિવાદ (Controversy) ચાલી રહ્યો છે ત્યારે આ વિવાદ કરનારાઓએ સુરતીઓની એક્તામાંથી (Unity) પ્રેરણા લેવી જોઇએ. કારણ કે, સુરતમાં લાઉડ સ્પીકર ઉપર હનુમાન ચાલીસા (Hanuman Chalisa) અને અઝાન (Adhan) બંને વાગે છે છતાં બંને કોમના લોકો આ બાબતનો વિરોધ કર્યા વગર પોતપોતાની ભક્તિ ચાલું રાખીને એક્તાનું અનોખું ઉદાહરણ પુરુ પાડે છે.

સુરતમાં લાઉડ સ્પીકર ઉપર હનુમાન ચાલીસા વગાડવાની શરૂઆત દોઢ વર્ષ પહેલા સોનિફળિયાથી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં શહેરની 44 જેટલી જગ્યાએ લાઉડ સ્પીકર ઉપર હનુમાન ચાલીસા વાગે છે. સવારે અને સાંજે એમ બે ટાઇમે હનુમાન ચાલીસા વાગે છે પરંતુ હનુમાન ચાલીસા વગાડનારાઓનો ઇરાદો રાજકીય નથી પરંતુ ધાર્મિક છે. જેના કારણે અત્યાર સુધી કોઇ વિવાદ થયો નથી. તેવી જ રીતે સુરતમાં અજાન પણ તેના ટાઇમ ઉપર શરૂ થાય છે અને તેનો પણ કોઇ વિરોધ થયો નથી. આમ સુરતમાં હિન્દુ અને મુસ્લિમોની એક્તા સમગ્ર દેશને પ્રેરણા પૂરી પાડે તેવી છે.

સુરતમાં હિન્દુ-મુસ્લિમમાં સમજણ છે તે આવકારદાયક : દિનેશ નાવડિયા, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ, વીએચપી
મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં અઝાન અને હનુમાન ચાલીસા એક જ સમયે લાઉડ સ્પીકર ઉપર વગાડવામાં આવતા હોવાને કારણે પાછલા દિવસોમાં વિવાદ ઉઠ્યો હતો જોકે બંને કોમ વચ્ચે એક્તાનું ઉત્તમ ઉદાહરણ દેશને સુરત શહેર પુરૂ પાડી રહ્યું છે. ત્યારે આ ધાર્મિક એક્તા અંગે વિશ્વ હિન્દુ પરીષદના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને દક્ષિણ પ્રાંતના અધ્યક્ષ દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું કે, ધાર્મિક્તાની કોઇપણ વસ્તુ કટ્ટરતાથી જોવાતી નથી. કોઇપણ સંપ્રદાય પોતાની પદ્ધતિથી પૂજા કરતો હોય છે. સુરતમાં બંને ધર્મમાં જે સમજણ છે તે આવકારદાયક છે. શહેરના હિતમાં બંને ધર્મ વચ્ચે આ સકારાત્મક બાબત છે.

મુળ સુરતીઓ દરેક બાબતમાં નિખાલસ : અસ્લમ સાયકલવાલા, કોંગ્રેસ પુર્વ નગર સેવક
લાઉડ સ્પીકર ઉપર ચાલતી અઝાન કે હનુમાન ચાલીસાને કારણે સુરતમાં ક્યારેય કોઇ વિવાદ થયો નથી. તળ સુરતીઓમાં ક્યારેય ધાર્મિક ભેદભાવ જોવા મળ્યો નથી. ધાર્મિક્તામાં સુરતમાં સમાનતા છે. હિન્દુ-મુસ્લિમ વચ્ચે ક્યારેય ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં એવું નથી બન્યું કે કોઇ મોટો વિવાદ થયો હોય બંને સમાજનાં લોકો કટ્ટરવાદી નથી. સુરતીઓ દરેક બાબતમાં નિખાલસ છે. અને બંને ધર્મના લોકો એકબીજાને માન આપે છે.

તમને જણાવી દઈએ કે છેલ્લાં કેટલાંક દિવસોથી દેશભરમાં લાઉડ સ્પીકર વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં હનુમાન ચાલીસા અને અઝાન એક જ સમયે લાઉડ સ્પીકર પર વધારવા મામલે રાજકીય તોફાન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના નાસિકમાં હનુમાન ચાલીસા લાઉડ સ્પીકર પર વગાડવા પ્રતિબંધ મુકાતા વિવાદ સર્જાયો હતો. આ તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેએ સમગ્ર મહારાષ્ટ્રમાં મુસ્લિમો અઝાન લાઉડ સ્પીકર પર વગાડવાનું બંધ નહીં કરે તો તે જ સમયે હનુમાન ચાલીસા લાઉડ સ્પીકર પર વગાડવાની ચીમકી હતી. આ મામલે મહારાષ્ટ્રમાં ખૂબ તોફાન ચાલી રહ્યું છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી આદિત્યાનાથ યોગીએ અઝાન અને હનુમાન ચાલીસા બંને લાઉડ સ્પીકર પર વગાડવા પર પ્રતિબંધ મુકી દીધો.

દરમિયાન આજે 27 એપ્રિલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે મંદિર હોય કે મસ્જિદ લાઉડ સ્પીકરનો ઉપયોગ નિશ્ચિત અવાજની મર્યાદાથી વધુ નહીં કરી શકાય. જો આ આદેશનું ઉલ્લંઘન થાય તો લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવે. જે લોકો નિયમો તોડી રહ્યા છે તેમના સ્થળેથી લાઉડ સ્પીકર હટાવવામાં આવી રહ્યા છે. યોગી આદિત્યનાથના આદેશ બાદ ઉત્તર પ્રદેશમાં આશરે ૧૭૦૦૦ સ્થળોએ લાઉડ સ્પીકરનો અવાજ ઓછો કરી દેવામાં આવ્યો છે. લોકોએ સામે ચાલીને આ આદેશનું પાલન કર્યું છે.

Most Popular

To Top