સુરત: (Surat) સુરતના સરથાણા વિસ્તારમાં રવિવારે વહેલી સવારે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી બંદૂકની અણી એક કરોડની લૂંટ (Loot) કરાઈ હતી. ઇકો કારમાં આવેલા પાંચ જેટલા લૂંટારુઓએ આવ્યા હતા અને બંદૂક તેમજ ધારિયું બતાવી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી એક કરોડ રૂપિયાની કિંમતના હીરા (Diamond) તેમજ રોકડ રૂપિયા લૂંટી લીધા હતા. મળતી માહિતી મુજબ સુરતનાં 45 હીરા વેપારીઓના પાર્સલ આંગડિયા પેઢીના વાહનને આંતરી લૂંટી લેવાયા હતા. લૂંટ કરી વાપી વલસાડ તરફ જઈ રહેલા લૂંટારૂઓને વલસાડ પોલીસે ગણતરીના કલાકમાં જ પકડી લીધાં હતા.
સુરત સરથાણા નજીક શક્તિ સર્કલ પાસે ફિલ્મી સ્ટાઈલમાં આંગડિયા પેઢીના કર્મચારીને લુંટી લેવાયો હોવાની ઘટના સવારે સાત વાગ્યાના અરસામાં બની હતી. ગુજરાત આંગડિયા પેઢી નામની પેઢીનો કર્મચારી સવારે ઇકો કારમાં સામાન ભરી રહ્યો હતો જેને પાંચ લૂંટારુઓએ આંતરી લીધો હતો. બે બંદૂક અને એક ધારિયું બતાવી લુંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તુરંત જ તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. લૂંટારૂઓ વાપી વલસાડ તરફ ભાગ્યા હતા. જોકે પાર્સલ GPS સિસ્ટમ સાથે કનેક્ટ હોવાથી આરોપીઓને વલસાડ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.
બીજી તરફ વલસાડ પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડ્યા બાદ ઇકો કાર અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વલસાડ અને સુરત પોલીસ દ્વારા સંયુક્ત રીતે પાર પડાયેલા આ ઓપરેશન બાદ સુરત પોલીસ 4 આરોપીઓને લઈ સુરત આવવા રવાના થઈ હતી. સુરત પોલીસે વલસાડ પોલીસ પાસેથી આરોપીનો કબજો લીધો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સુરત આવવા રવાના થઈ હતી.
આ તરફ ભોગ બનનાર આંગડિયા પેઢીના કર્મચારીના જણાવ્યા મુજબ વહેલી સવારે રસ્તામાં તેમની ઇકો કાર ઊભી હતી અને સામાન ભરી રહી હતી. આ દરમિયાન સામેથી બીજી ઇકો કાર આવી હતી. જેમાંથી પાંચ લૂંટારૂઓ બંદૂક અને ધારિયા જેવાં હથિયારો લઈને ઊતર્યા હતા. બાદમાં કારમાં તોડફોડ કરી કારમાં રહેલો સામાન અને રૂપિયા લઈને ભાગી ગયા હતા.
ગુનેગારો માટે ગુજરાતની ધરતી પર કોઈ જગ્યા નથી- હર્ષ સંઘવી
આ તરફ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી લેવાયા બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુનેગારો માટે ગુજરાતની ધરતી પર કોઈ જગ્યા નથી. લૂંટ કરનારાઓને 3 કલાકમાં ઝડપી પાડવામાં આવ્યા છે. વલસાડ પોલીસ અને સુરત પોલીસે સરાહનીય કાર્ય કર્યું છે. ગૃહ મંત્રીએ પોલીસને અભિનંદન પાઠવ્યા હતાં. સાથે જ કહ્યું હતું કે આરોપીઓમાં ડર બેસાડવામાં ગુજરાત પોલીસનો મહત્વનો ફાળો છે.