સુરત: (Surat) ભરચક વિસ્તારમાં દાગીના પહેરીને બહાર નીકળતી મહિલાઓને મોટરસાઇકલમાં યુવકો ફિલ્ડીંગ ભરી રહ્યા છે કહીને રિક્ષામાં (Rickshaw) બેસાડ્યા બાદ બળજબરીથી દાગીના (Jewelry) ઉતારી લેતી ગેંગના મુખ્ય આરોપીને ખટોદરા પોલીસે (Police) પકડી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડતા અન્ય બે ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે.
- ઉધનામાં રિક્ષાચાલક ટોળકીએ માતા-પુત્રીને ચપ્પુ બતાવી 1.42 લાખની લૂંટ ચલાવી- મુખ્ય આરોપી પકડાયો
- રિક્ષાચાલક ટોળકી મહિલાઓને કહેતા કે, પાછળ મોટરસાઇકલમાં આવેલા યુવકો તમારી ફિલ્ડીંગ ભરે છે કહીને રિક્ષામાં બેસાડી દાગીના પડાવી લેતા હતા
- ખટોદરા પોલીસે આરોપીને પકડી પાડતી બે થી ત્રણ લૂંટના ગુના ઉકેલાયા, લૂંટ કરવા મહિલાઓનો પણ ઉપયોગ થતો હતો
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ઘણા દિવસોથી ખટોદરા સહિતના વિસ્તારોમાં રિક્ષાચાલક ટોળકી સક્રિય થઇ હતી, આ ગેંગના સાગરીતો ભેગા મળીને દાગીના પહેરીને બહાર નીકળતી મહિલાઓને ટાર્ગેટ કરીને લૂંટ ચલાવતા હતા. થોડા દિવસો પહેલા જ પોલીસે ત્રણને પકડી પાડ્યા હતા. આ ગેંગનો મુખ્ય આરોપી જાબીર શેખ સત્તાર શેખ (રહે.રમાભાઇ ચોક, લિંબાયત) હાલમાં લિંબાયતની મૌહમદી મસ્જીદ પાસે હોવાની માહિતી મળતા જ ખટોદરા પોલીસે વોચ ગોઠવી હતી અને જાબીરની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેની પુછપરછ કરતા મહિલાઓ સાથે મળીને લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. જાબીર અને તેના સાગરીતોએ લૂંટ કરેલા દાગીના જ્વેલર્સમાં ગીરવે મુકી દીધા હતા અને રૂપિયા વાપરી ગયા હતા. દરમિયાન આ ટોળકીએ થોડા દિવસો પહેલા ઉધનામાં માતા-પુત્રી બહાર આવ્યા હતા ત્યારે તેઓને રિક્ષામાં બેસાડીને ધમકાવ્યા હતા. પહેલા પુત્રીને નીચે ઉતારી દીધા બાદ રિક્ષા આગળ હંકારીને માતાને ચપ્પુ બતાવીને તેની પાસેથી રૂા.1.40 લાખની કિંમતનું મંગળસૂત્ર તેમજ 2500 રોકડા મળી કુલ્લે રૂા.1.42 લાખની મતાની લૂંટ ચલાવી મહિલાને નીચે ઉતારી દીધી હતી. જાબીરની કબૂલાત બાદ ઉધના પોલીસે રિક્ષાચાલક ટોળકીની સામે ગુનો નોંધ્યો હતો અને જાબીરની ધરપકડ બતાવી હતી.
કેવી રીતે લૂંટ કરતા હતા..?
પોલીસના જણાવ્યાપ્રમાણે જાબીર અને તેના માણસો રિક્ષામાં બે મહિલાઓને બેસાડીને નીકળતા હતા. રિક્ષાની આગળ પાછળ બે યુવકો મોટરસાઇકલ લઇને નીકળતા હતા. જ્યાં કોઇ મહિલાઓ દાગીના પહેરીને ઊભી હોય તે તરફ ઇશારો કરીને ટાર્ગેટ કરતા હતા. રિક્ષાચાલક યુવક મહિલા પાસે રિક્ષા ઊભી રાખીને કહેતા કે પાછળ મોટરસાઇકલમાં આવેલા યુવકો તમારી ફિલ્ડીંગ ભરી રહ્યા છે. બાદમાં મહિલાને રિક્ષામાં બેસાડીને તેઓને ધમકાવ્યા બાદ દાગીના ઉતારી લેતા હતા. દાગીના ઉતાર્યા બાદ રિક્ષાચાલક ટોળકી મહિલાઓને ચપ્પુ બતાવીને લૂંટ કર્યા બાદ તેઓને નીચે ઉતારીને ફરાર થઇ જતા હતા.