સુરત: (Surat) અલગ અલગ બેંકોમાંથી એક જ મિલકત ઉપર 38 કરોડની લોન (Loan) લેવાના કેસમાં મેસર્સ શ્રીજી કોર્પોરેશનનો ભાગીદાર અશ્વિન વીરડિયા (Ashwin Viradiya) માસ્ટર માઇન્ડ નીકળ્યો હતો. લોનના રૂપિયામાંથી આશરે 25 કરોડ રૂપિયા યાર્નમાં ઇન્વેસ્ટ (Invest) કરાયા હતા. અને તેનું પેમેન્ટ સામેની પાર્ટીઓ પાસેથી નહીં આવ્યું હોવાનું રટણ હાલ આરોપીઓ કરી રહ્યા છે. ઇકોસેલ દ્વારા આ અંગે વધારે તપાસ કરવામાં આવી રહી છે.
ઇકો સેલ દ્વારા બેંકમાંથી કરોડોના લોન કૌભાંડમાં 6 આરોપીને ઝડપી લીધા બાદ આરોપીઓ દ્વારા યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, નાસિક મર્ચન્ક ઉપરાંત અલ્હાબાદ બેંકમાંથી પણ 10 કરોડની લોન લીધાની કબૂલાત કરાઈ હતી. સિંગણપોરની દેવ પ્રયાગ રેસિડન્સીનો એક જ ફ્લેટ જુદી-જુદી વ્યક્તિઓનાં નામે વેચાણ દસ્તાવેજ કરી યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, નાસિક મર્ચન્ટ કો.ઓ. બેંક અને અલ્હાબાદ બેંકમાંથી આશરે 38 કરોડની લોન લેવાના કૌભાંડમાં ઇકોનોમીક સેલે લોનના માસ્ટર માઇન્ડ અને તેની પત્ની ઉપરાંત નાસિક મર્ચન્ક બેંકના બ્રાંચ મેનેજર સહિત 6ની ધરપકડ કરી પૂછપરછ કરતાં એક પછી એક માહિતી સામે આવી રહી છે. આરોપી દ્વારા લોનની આ રકમમાંથી 25 કરોડ જેટલી રકમ યાર્નમાં ઇન્વેસ્ટ કરાઈ હતી. અને આ યાર્ન વેચ્યા બાદ પાર્ટીઓ દ્વારા તેનું પેમેન્ટ આપવામાં આવ્યું ન હતું. જેને કારણે પૈસા ફસાઈ ગયા હોવાનું રટણ કરી રહ્યા છે. આ સિવાય ચેક રિટર્નના કેસ પણ ચાલી રહ્યા છે.
અશ્વિન વીરડિયાએ સવા બે કરોડ પારસી દખમોની જમીન માટે આપ્યા હતા
ઇકો સેલની તપાસમાં જાણવા મળ્યું છે કે, સિટીલાઈટ ખાતે પારસી દખમોની જમીન માટે પારસી પંચાયતની ઓફિસમાં સવા બે કરોડ આપ્યા હતા. બાદ આ જમીનના વિવાદમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં તેની ધરપકડ થઈ હતી. અને તેને જેલના સળિયા પાછળ જવું પડ્યું હતું. જો કે, આ કેસમાં પણ હાલ સિવિલ મેટર ચાલી રહી હોવાનું તે જણાવી રહ્યો છે. જેમાં ઇકો સેલે વધારે તપાસ હાથ ધરી છે.
કોની-કોની ધરપકડ કરવામાં આવી ?
દેવ પ્રયાગ રેસિડન્સીનું નિર્માણ કરનાર મેસર્સ શ્રીજી કોર્પોરેશન ભાગીદારી પેઢીના પાવરદાર અશ્વિન લાલજી વીરડિયા, તેની પત્ની રીટા વીરડિયા, નાના ભાઇની પત્ની અસ્મીતા હિરેન વીરડિયા, યુનિયન બેંકમાંથી જેના નામે લોન લેવામાં આવી હતી તે રાજેશ ધીરૂ દેવાણી અને તેના ભાઇ વિપુલ ધીરૂ દેવાણી (બંને રહે., ક્રિષ્ણા કોમ્પ્લેક્સ, યોગેશ્વર પાર્ક સોસાયટી, પુણા) અને નાસિક મર્ચન્ટ કો.ઓ. બેંકના બ્રાંચ મેનેજર જાલીન્ધરનાથ ગોરખનાથ યાદવ (રહે., 5, વીતરાગ એપાર્ટમેન્ટ, મહસરૂળ, નાસિક, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરવામાં આવી છે.