સુરત(Surat): નવરાત્રિના (Navratri) આરંભ પહેલા જ લિંબાયતમાં (Limbayat) તંગદીલી ફેલાવવામાં આવી હતી. માતા દુર્ગાની (Durga Mata) પ્રતિમા (Statue) લઇ જતાં મંડળ ઉપર લિંબાયતમાં પથ્થરમારો (Stone) કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં યુવતી સહિત ચાર વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતાં ભાગદોડ મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. નજીવી બાબતમાં અસામાજિક તત્ત્વો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતાં પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું અને કોઈ મોટી ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
- બાઈક ચાલક સાથે માથાકૂટ થયા બાદ ચાર-પાંચ જણા ચપ્પુ અને દંડા લઈ આવ્યા અને પથ્થરમારો કર્યો
- યુવતી સહિત ચાર વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
- મોટી ઘટના નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતની અંબિકાનગરના રહીશો દ્વારા નવરાત્રિ નિમિત્તે માતા દુર્ગાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ માટે તેઓ લિંબાયત મદનપુરા પાસેથી દુર્ગા માતાની પ્રતિમા લઇ જઇ રહ્યા હતા. ત્યારે કોઇક યુવકે બાઇક ઘુસાડી દીધી હતી અને જેને લઇને માથાકૂટ થઇ હતી. આ બાબતે બાઇકચાલક સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. દરમિયાન ચારથી પાંચ જેટલા ઇસમ ચપ્પુ અને દંડા લઇને ત્યાં આવી પહોંચ્યા હતા અને મારામારી કરી પથ્થરમારો કરવા લાગ્યા હતા. પથ્થરમારો થતાની સાથે જ અહીં તંગદીલી ફેલાઇ ગઇ હતી.
ઘટના અંગે પોલીસનો જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે પથ્થરમારામાં ગોલુ લવંગરે અને તેનો ભાઈ હોવાનું કહેવાઇ રહ્યું છે. પથ્થરમારામાં એક યુવતી સહિત ચાર વ્યક્તિને ગંભીર ઇજા પણ પહોંચી હતી અને તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.