સુરત: સુરતમાં સારું મતદાન રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 47.15 ટકા મતદાન થયું છે. સૌથી વધુ માંડવી વિધાનસભાની બેઠક પર 61.01 ટકા મતદાન થયું છે. પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી ઓલપાડની બેઠક પર 49 ટકા, કામરેજ પર 47.84 ટકા, વરાછા રોડ પર 45.20 ટકા, કતારગામ બેઠક પર 46.79 ટકા મતદાન રહ્યું છે. આશ્ચર્યજનક રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ જે વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે તે લિંબાયત વિધાનસભા બેઠક પર ઓછું મતદાન થતાં ભાજપના કાર્યકરોમાં દોડધામ મચી ગઈ હતી. લિંબાયત વિધાનસભા વિસ્તારમાં 40.79 ટકા મતદાન રહ્યું છે. આ ઉપરાંત કરંજ વિધાનસભામાં 40.28 ટકા, ઉધના વિધાનસભા વિસ્તારમાં પણ 41.49 ટકા જ મતદાન થયું છે.
પનાસ ગામમાં એક પક્ષના કાર્યકરોને મતદારોએ ટેબલ પણ મુકવા દીધું નહીં
સુરતમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીંના પનાસ ગામના બુથમાં 3 વાગ્યા સુધીમાં 70 ટકા મતદાન થયું હતું. પનાસ ક્વાર્ટસમાં લોકોએ એક પાર્ટીને ટેબલ પણ નહીં મુકવા દીધા હતા. તે પક્ષના કાર્યકરોને રીતસર ભગાવ્યા હતા. પશ્ચિમ વિધાનસભાની બેઠકના કેટલાંક બૂથ પર 80 ટકા વોટિંગ થયું હતું.
સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ ચાની ચુસકી મારી
સવારે મતદાન કર્યા બાદ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હળવી પળો માણી હતી. બંને નેતાઓએ હળવા મુડમાં કાર્યકરો સાથે સામાન્ય ચાની કીટલી પર ચા પીવાની મોજ પાણી હતી. પહેલા તબક્કાની ચૂંટણીનો થાક ઉતારતા હોય તેમ કાર્યકરો સાથે વાતચીત કરતા કરતા ચા પીધી હતી.
મોબાઈલ પર પ્રતિબંધ છતાં ભાજપને વોટ આપ્યાનો વીડિયો વાયરલ થયો
ચૂંટણી પંચ દ્વારા મતદાન કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં મતદારો મોબાઈલ લઈને જતા જોવા મળ્યા હતા ત્યારે ચોર્યાસી વિધાનસભાની બેઠક પરનો એક વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. અહીં એક મતદાર દ્વારા ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈને ઈવીએમમાં વોટ આપ્યો હોવાનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે સંદીપ દેસાઈની મત આપ્યાની સ્લીપ નીકળી રહી છે. વીવીપેટ સુધીનો વીડિયો વાયરલ થતા વિવાદ થયો છે.