સુરત: (Surat) રૂદરપુરા ખાતે રહેતા વૃદ્ધે વીઆઈપી રોડ (VIP Road) પર વીઆઈપી પ્લાઝામાં દુકાન ખરીદી કરી ભાડે આપી હતી. જમીન દલાલીના ઓફિસ માટે દુકાન (Shop) ભાડે લીધા બાદ સ્વપ્નીલ સુરતીએ આ દુકાન પચાવી પાડી હતી. અને દુકાન ખાલી કરવા વૃદ્ધ પાસે 10 લાખની માંગણી કરી હતી. તથા વૃદ્ધના પુત્ર અને તેના મિત્રને માર માર્યો હોવાની ફરિયાદ અલથાણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
- ‘દસ્તાવેજ કરી દે, નહીં તો 10 લાખ લઈ આવ પછી પરત આપીશ નહીંતર દુકાન ભુલી જા’
- વીઆઈપી રોડ વીઆઈપી પ્લાઝામાં ભાડે આપેલી દુકાન ભાડુઆતે પચાવી પાડી
- વૃદ્ધને ચપ્પુ બતાવી કોરા કાગળ પર સહી કરાવી લઈ પુત્ર અને તેના મિત્રને માર માર્યો
રૂદરપુરા માળી ફળીયામાં રહેતા 77 વર્ષીય પ્રવિણચંદ્ર પ્રાણજીવનદાસ સોરઠીયાએ અલથાણ પોલીસ સ્ટેશનમાં સ્વપ્નીલ રમેશભાઈ સુરતી, જીતેશ શૈલેષકુમાર જરીવાલા (રહે. ગોપીપુરા બાળવૈદ ખાંચો) અને વિનય જસવંતભાઈ રાણા (રહે.મહાવીર એપાર્ટમેન્ટ, સગરામપુરા) ની સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે વર્ષ 2015 માં તેમના બચતના પૈસામાંથી વીઆઈપી રોડ પર વીઆઈપી પ્લાઝામાં બંને દિકરાઓના નામે દુકાન ખરીદી હતી. વર્ષ 2020 માં કોરોના વખતે આર્થિક સંકડામણ આવતા આ દુકાન ભાડે આપી હતી. આ ભાડામાંથી તેમનું ગુજરાન ચાલતું હતું. દલાલ સંતોષભાઈ મારફતે સ્વપ્નીલ સુરતીને જમીન દલાલીની ઓફિસ શરૂ કરવા ભાડે આપી હતી. સ્વપ્નીલે 6 મહિના સુધી નિયમિત માસિક 7 હજાર ભાડુ આપ્યું હતું.
અને 1 નવેમ્બર 2021 બાદ 15 મહિનાથી ભાડુ આપ્યું નથી. ભાડાની ઉઘરાણી કરી દુકાન ખાલી કરવાનું કહ્યું તો સ્વપ્નીલે પોતે રીઢો ગુનેગાર હોવાનું કહીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં 2 એપ્રિલ 2023 ના રોજ પ્રવિણચંદ્ર તેમના પુત્ર સંદિપ તથા તેના મિત્ર જીગ્નેશ સાથે દુકાને ગયા હતા. ત્યારે આ સ્વપ્નીલ દુકાનમાં તેના મિત્ર જીતેશ અને વિનયની સાથે બેસેલો હતો. સ્વપ્નીલને દુકાન ખાલી કરવાનું કહેતા તેણે પ્રવિણચંદ્રને ચપ્પુ બતાવી એક કોરા કાગળમાં સહી લઈ લીધી હતી. અને દુકાનનો દસ્તાવેજ કરી દે નહી તો 10 લાખ લઈ આવ તો દુકાન પરત આપીશ નહીતર દુકાન ભુલી જા તેવી ધમકી આપી હતી. અને તેમના પુત્ર સંદિપ અને તેના મિત્રને માર માર્યો હતો. અલથાણ પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.