સુરત: (Surat) લાજપોર જેલમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. લાજપોર જેલમાં (Lajpore Jail) વર્ષ 2021 થી બંધ મૂળ બનાસકાઠાનો યુવક (Boy) 2006થી ગુમ હતો. નાનો ભાઈ જેલ વિભાગમાં જેલ સહાયક તરીકે ભરતી થયા બાદ તે નિમયિત પણે ઇ-પ્રિઝન પોર્ટલ ચેક કરતા આખરે તેને ભાઈના સગળ લાજપોર જેલમાંથી મળ્યા હતા. પરિવારજનો જેલમાં તેને મળવા આવ્યા ત્યારે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા.
- લાજપોર જેલમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા,16 વર્ષ પહેલા ગુમ બનાસકાંઠાનો યુવક લાજપોર જેલમાં મળ્યો
- ડ્રગ્સના ગુનામાં વર્ષ 2021થી લાજપોર જેલમાં છે, નાનો ભાઈ જેલ સહાયક તરીકે ભર્તી થયા બાદ નિયમિત ઇ-પ્રિઝન પોર્ટલમાં ચેક કરતા આખરે ખોવાયેલો મોટો ભાઈ મળ્યો
જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર લાજપોર જેલનો અન્ડર ટ્રાયલ કેદી કેદી ભરતભાઇ હકમાભાઇ ચૌધરી(પટેલ)નાઓ આશરે 2006 માં પોતાના વતન ગામ-ગોલવી, તા.દિયોદર, જી.બનાસકાઠા ખાતેથી પોતાના ગામના ચાર થી પાંચ મિત્રો સાથે સુરત શહેરમાં ધંધાર્થે આવ્યો હતો. જે સુરત પહોંચતા અઠવાડીયા બાદ પોતાના ઘરે ધંધો મળી ગયેલ હોય તે બાબતની માહિતી આપવા ઘરે ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ છ માસ દરમિયાન કોઇપણ ફોન કે સમાચાર ન મળતા પરિવારના સભ્યોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. પોતાના સગા સંબંધીઓ તેમજ સુરત શહેર ખાતે ઘણી શોધખોળ દરમિયાન પણ ભરતભાઇ મળ્યા નહતા.
બીજી તરફ ભરતભાઇએ પણ બીકના કારણે પરિવારનો સંપર્ક કર્યો નહતો. ત્યારબાદ ભરતભાઇ અમદાવાદ જતાં રહ્યા હતા. ત્યાં એક પ્રાઇવેટ બસમાં કંડક્ટર અને બસ ડ્રાઇવર તરીકે નોકરી શરૂ કરી બાદમાં લગ્ન કરી અમદાવાદમાં સ્થાયી થઈ ગયો હતો. વર્ષ 2021 માં ભરતભાઇની એન.ડી.પી.એસ. એક્ટના આરોપ હેટળ ધરપકડ થતાં સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ છે. હાલમાં જેલમાં ચાલતા હીરા ઉદ્યોગમાં હીરા ઘસવાની તાલીમ મેળવી એક કુશળ “રત્ન કલાકાર” તરીકેની કામગીરી કરી રહેલ છે.
કેદી ભરતભાઇ હકમાભાઇ ચૌધરી(પટેલ)ના નાનાભાઇ દશરથભાઇ હકમાભાઇ ચૌધરી (ઉંમર-27 વર્ષ)નાઓ વર્ષ-2017 માં ગુજરાત રાજ્ય જેલ વિભાગમાં જેલ સહાયક તરીકે ભરતી થયેલ અને હાલ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે છેલ્લા એક વર્ષથી ઇ-પ્રિઝન શાખામાં કામગીરી કરે છે. જેમણે ઇ-પ્રિઝન પોર્ટલમાં ભરતભાઇ હકમાભાઇના નામથી જીજ્ઞાસા પૂર્વક સર્ચ કરતાં તેમના મોટાભાઇ લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે એન.ડી.પી.એસ. એક્ટના આરોપ હેઠળ અન્ડર ટ્રાયલ કેદી તરીકે બંધ હોવાની માહિતી મળી હતી.
ભરતભાઈના પિતા, ભાઇ તથા અન્ય સગા-સંબંધીઓ તાત્કાલીક લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે રૂબરૂ મુલાકાત માટે આવેલ અને જેલ અધિક્ષકશ્રીનો સંપર્ક કરી ભરતભાઇ સાથે રૂબરૂ મુલાકાત લેતા તમામ ભાવુક થઈ જતાં જેલમાં હ્યદયદ્વાવક દ્રશ્ય જોવા મળેલ.આમ, ઇ-પ્રિઝન પોર્ટલ મારફત એક પરિવારનું તેમના સગા સંબંધીઓ સાથે વર્ષો બાદ ફરી મિલન શક્ય બન્યું.