SURAT

મહિલાની હત્યા મામલે સામે આવ્યું ચોંકાવનારું સત્ય: સંબધીએ જ લૂંટ કરવા આ રીતે પ્લાન ઘડ્યો હતો

સુરત: (Surat) કતારગામમાં પારીવારિક યુવકે જ પોતાની સંબંધી મહિલાના (Lady) ઘરે જઇને રોકડ તેમજ દાગીનાની લૂંટ (Loot) કરવાનો પ્લાન બનાવ્યો હતો. મહિલાની હત્યા કરીને ઘરમાંથી 30 હજાર રોકડ તેમજ સોનાના દાગીના પણ લૂંટી લેવાયા હતા. ચકચારીત આ કેસમાં કોર્ટે ત્રણ આરોપીને (Accused) તકસીરવાર ઠેરવ્યા હતાં અને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ સને-2011માં કતારગામ નગીનાવાડી નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા ગોકુળભાઇ હંસરાજભાઇ ખાંટના ઘરમાં મોટી કેશ તેમજ સોનાના દાગીના પડ્યા રહેતાં હતાં. આ દરમિયાન તેમના પારીવારિક સંબંધી કતારગામ તિરૂપતિ સોસાયટીમાં રહેતા ભાવેશ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો જયેશભાઇ દેડકાવાલાએ ગોકુળભાઇના ઘરે જઇને તેમની પત્નીને મારી નાંખીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ગોકુળભાઇના ઘરે ધાડ પાડવા માટે ધર્મેશે તેના બે મિત્રો અક્ષય પ્રકાશભાઇ બારડોલિયા, ડભોલીગામ નવાપુલની બાજુમાં ક્રિષ્નાપાર્ક રો હાઉસમાં રહેતા વિશાલ નરેશ પટેલને તૈયાર કર્યા હતા. તમામે રેમ્બો છરા લઇને પ્લાન બનાવ્યો હતો. શરૂઆતમાં તેઓએ બે દિવસ રેકી કરી હતી પરંતુ ફ્લેટમાં કોઇ નહીં મળતા પ્લાન નિષ્ફળ ગયો હતો.

આખરે તેઓએ ગીફ્ટ આપવાનું નક્કી કરીને ગોકુળભાઇના ઘરમાં ગયા હતા. ત્યાં પ્રભાબેનને ગળાના ભાગે છરા મારીને ઘરમાંથી 30 હજારની રોકડ તેમજ મંદિરમાં મુકેલો હીરાજડીત સોનાના હારની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે બિલ્ડીંગમાં રહેતા અન્ય લોકોને માહિતી મળતા કતારગામ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે આ ત્રણેય યુવકોને પકડીને જેલમાં મોકલી આપ્યા હતા. દરમિયાન આ કેસ ચાલી જતાં સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વકીલ કિરીટ પાનવાલાની નિમણૂંક કરવામાં આવી હતી. 9 વર્ષથી ચાલતા આ કેસમાં મંગળવારે કોર્ટે ત્રણેય આરોપીઓને તકસીરવાર ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરાયો હતો.

કેવી રીતે ઘટનાને અંજામ અપાયો હતો..?
કતારગામમાં રહેતા ધમો, અક્ષય અને વિશાલએ કાવતરું ઘડ્યું હતું. શરૂઆતમાં તેઓ મોબાઇલ દ્વારા ગોકુળભાઇ ક્યાં છે તે માહિતી મેળવતા હતા. ધમો અને અક્ષય સ્ટનર મોટરસાઇકલ લઇને તા. 08-12-2011ના રોજ ગોકુળભાઇના ઘરે ગયા હતા. પરંતુ પાર્કિંગમાં તેઓની ઇનોવા ગાડી જોઇ જતા પરત ચાલ્યા ગયા હતા. બીજા દિવસે સવારે તેઓ ફરી આવ્યા હતા. પરંતુ બીજા દિવસે ગોકુળભાઇની ગાડી જોવા મળી ન હતી. બંને યુવકો ઉપર ગયા હતા પરંતુ ત્યાં સામેનો ફ્લેટ ખુલ્લો હોવાથી તેઓનો પ્લાન નિષ્ફલ ગયો હતો. વારંવાર આવી ઘટના બનતા આખરે ત્રણેયએ મળીને ગીફ્ટ આપવાનું નક્કી કરીને ઘરમાં ઘુસ્યા હતા. આ માટે કતારગામ, ફુલપાડા પાસેથી 10 રૂપિયાની બે બોલપેનનું એક ગીફ્ટ પેક તૈયાર કરાવ્યું હતુ અને કોઇનબોક્સમાંથી ગોકુળભાઇને ફોન કર્યો હતો. ગોકુળભાઇ બહાર હોવાનું જાણીને તેમની પત્ની પ્રભાબેનનો નંબર માંગી લીધો હતો. ત્યારબાદ ત્રણેય યુવકો પ્રભાબેન પાસે ગયા હતા અને ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી સીધા જ તેમની ઉપર હુમલો કરી હત્યા કરી નાંખી હતી. આ હત્યા બાદ વિશાલએ ગોકુળભાઇનો શર્ટ પહેર્યો હતો અને ફ્લેટની બહાર નીકળી ગયા હતા.

આરોપીઓએ કોઝવે પાસે ઝાડીમાં રેમ્બો છરા તેમજ કપડા ફેંકીને પુરાવાનો નાશ કર્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ વિશાલે ગોકુલભાઇનો શર્ટ પહેરી નીકળ્યો હતો. તેઓએ જે છરા વડે પ્રભાબેનની હત્યા કરી તે તમામ છરા કોઝવે પાસે ઝાડી-ઝાંખરામાં નાંખી દીધી હતી અને ફરાર થઇ ગયા હતા. જે ગીફ્ટ ખરીદ્યું હતું તે કચરાપેટીમાં નાંખી દઇને પૂરાવાનો નાશ કર્યો હતો.

આરોપીઓની સામે પૂરાવાની એક મજબુત સાંકળ બની હતી : વકીલ કિરીટ પાનવાલા
આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વકીલ કિરીટ પાનવાલાએ જણાવ્યું હતું કે, સાંયોગિક પૂરાવાના આ કેસમાં ગુનાહિત અને સાબિત થયેલા સંજોગોની આરોપીઓ સામે એક મજબુત સાંકળ બની છે જેને લીધે તેઓ ગુનામાં નિશ્ચિતપણે સંકળાયેલા છે તેમ કહી શકાય. વધુમાં આ કેસમાં ડોક્ટર કૌશિક જાવીયાના નિવેદન ઉપરથી પણ ફરિયાદને સમર્થન મળ્યું હતું. આ ઉપરાંત બિલ્ડીંગમાં રહેતા એક સાહેદએ ત્રણેય આરોપીઓને જોયા હતા તેમનો મૌખિક પુરાવો પણ ખુબ જ મહત્ત્વનો સાબિત થયો હતો. આ તમામ ડોક્યુમેન્ટ અને પુરાવાને કારણે એક મજબુત સાંકળ બની હતી અને આરોપીઓને સજા થઇ છે.

Most Popular

To Top