સુરત: (Surat) પીપલોદ ખાતે રહેતી મહિલાને પુત્રના મિત્ર ઉપર ભરોસો મુકીને જમીનમાં રોકાણ કરવાનું ભારે પડ્યું હતું. બિલ્ડરનો પુત્ર હોવાનું કહીને રોકાણના નામે પૈસા લઈને 60 લાખની છેતરપિંડી (Fraud) કરી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં (Crime Branch) નોંધાઈ હતી. હાલ જમીન અને મકાનોના ભાવ રોજેરોજ વધે છે. અત્યારે રોકાણ (Investment) કરવાથી સારો નફો મળશે કહીને વિશ્વાસ અપાવ્યો હતો.
- પીપલોદની મહિલાને પુત્રના કોલેજ સમયના મિત્ર ઉપર ભરોસો કરવાનું 67 લાખમાં પડ્યું
- જમીનમાં રોકાણ કરી સારો નફો મેળવવાની લાલચે મહિલાએ એફડી ઉપર લોન લઈ પુત્રના મિત્ર રાજેન્દ્ર કાવ્યાને આપ્યા
- રાજેન્દ્રએ તેના પિતા બિલ્ડર હોવાથી રોકાણ કરવા કહ્યું હતું, બાદમાં ફરી રોકાણની લાલચે દાગીના પણ ગીરવે મુકી 11.19 લાખની ગોલ્ડ લોન લાવીને આપી હતી
ક્રાઈમ બ્રાંચ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ રાજહંસ સિનેમા પાછળ ડિવાઈન બંગ્લોઝમાં રહેતી 48 વર્ષીય સોનલબેન ધર્મેન્દ્રભાઈ ચૌહાણ કાપડ માર્કેટમાંથી સાડીઓ લઈ તેની ફીનીશીંગ કરવાનું કામ કરે છે. સોનલબેનના પતિ જમીન મકાન લે વેચની દલાલીનું કામ કરે છે. સોનલબેનના મોટા પુત્ર કુશલની કોલેજકાળથી રાજેન્દ્ર કાવ્યા નામના વિદ્યાર્થી સાથે સારી મિત્રતા હતી. વર્ષ 2014 થી તે ઘરે અવર જવર કરતો હતો. રાજેન્દ્રએ તેના પિતા બિલ્ડર હોવાનું તથા બારડોલી, નવસારી અને પલસાણા ગંગાધારા વિસ્તારમાં પ્રોજેક્ટો ચાલતા હોવાનું કહેતો હતો. અને કોલેજ બાદ પિતા સાથે બિલ્ડર લાઈનમાં જવાનો હોવાનું કહેતો હતો. કોલેજ પૂર્ણ થતા વર્ષ 2015 માં ફરીથી સોનલબેનના ઘરે આવ્યો હતો. અને સોનલબેનને કહ્યું કે, પોતે પિતા સાથે બારડોલી પલસાણ નવસારી પ્રોજેક્ટ શરુ કર્યા છે. આ ધંધામાં રોકાણ કરશો તો હાલ જમીન અને મકાનોના ભાવ રોજેરોજ વધે છે. અત્યારે રોકાણ કરવાથી સારો નફો મળશે કહીને વિશ્વાસ અપાવ્યો હતો.
રાજેન્દ્રની વાતોમાં આવીને સોનલબેને પતિને વાત કરીને બેંકમાં મુકેલી ફીક્સ ડીપોઝીટ ઉપર 27.24 લાખની લોન લઈ પૈસા રોકાણ માટે આપ્યા હતા. દરમિયાન રાજેન્દ્રએ મે 2016 માં તેના લગ્ન માટે 10 લાખની જરૂર હોવાનું કહેતા દાગીના ગીરવે મુકી લોન લઈ આપ્યા હતા. ત્યારપછી પણ ટુકડે ટુકડે મળીને 67 લાખ રૂપિયા મેળવી પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. સોનલબેને રાજેન્દ્ર કાવ્યા તથા મુકેશકુમાર ગૌતમલાલ સોની અને તેના ભાઈ તનસુખ સોની (રહે, હેપ્પી હોમ, ઉધના) ની સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.
એનઆરઆઈની જમીનમાં રોકાણની લાલચે મહિલાએ દાગીના ગીરવે મુકી દીધા
નવસારીમાં એનઆરઆઈની જમીન આવેલ છે. જેમાં રોકાણ કરશો તો ચાર મહિનામાં નાણા છુટા થઈ જશે હોવાનુ કહેતા લાલચમાં આવેલી સોનલબેને પોતાના દાગીના ગીરવે મુકી રૂપીયા 11.19 લાખની ગોલ્ડ લોન લઈને આપ્યા હતા. પરંતુ સોનલબેનને શંકા જતા તેમને પૈસા પરત માંગતા રાજેન્દ્રએ નવસારીમાં શ્રી સિધ્ધી રેસીડેન્સીમાં બે ફ્લેટ આપવાની વાત કરી હતી. અને દસ્તાવેજમાં વ્હાઈટની એન્ટ્રી બતાવવા માટે ફ્લેટ માલિક મુકેશ ગૌત્તમ લાલ સોની અને તનસુખ સોનીના ખાતામાં રૂપિયા 5.75 લાખ મળી કુલ 11 લાખ ટ્રાન્સફર કર્યા હતા. અને ત્યારપછી પણ દસ્તાવેજ બનાવ્યો નહોતો.