Dakshin Gujarat

મહુવાના સ્ટેટ હાઈવે પર હરણ જોવા મળ્યું, કાર સાથે અથડાઈને અચાનક ગાયબ થઈ ગયું

અનાવલ: (Anaval) મહુવાના વાંસકુઈ ગામે અચાનક સ્ટેટ હાઈવે (State Highway) પર હરણ જોવા મળતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કાર (Car) સાથે અથડાયા બાદ હરણ (Deer) નજીકના ખેતરમાં પલાયન થઈ ગયું હતું. મહુવા તાલુકાનાં ગામોમાં હરણ દેખાવાની ઘટના આખો દિવસ તાલુકાની જનતામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને હરણનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.

  • મહુવાના વાંસકૂઈ ખાતે હરણ દેખાવાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં કુતૂહલ
  • કાર સાથે અથડાયા બાદ હરણ નજીકના ખેતરમાં પલાયન થઈ ગયું

મહુવા તાલુકાનાં ગામોમાં મોટા ભાગે દીપડાઓ જ જોવા મળે છે. ત્યારે મંગળવારે બપોરે અચાનક વાંસકુઈ નેવાણીયા ફળિયામાં એક ખેડૂતના ખેતર નજીક હરણ નજરે પડ્યું હતું. હરણ દેખાવાની ઘટના વાયુવેગે ગામમાં ફેલાઈ જતાં મોટી સંખ્યામાં ગ્રામજનો હરણ જોવા ખેતરે દોડી આવ્યા હતા. ત્યારબાદ અચાનક હરણ મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે તરફ દોડી આવ્યું હતું અને સ્ટેટ હાઈવે ક્રોસ કરવા જતાં સામેથી આવતી ફોર વ્હીલ કાર સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું હતું. અને અકસ્માત બાદ પણ હરણ છલાંગ મારી દોડવાનું ચાલુ રાખ્યું હતું અને નજીકના ખેતરમાં પલાયન થઈ ગયું હતું. હરણનો વિડીયો યુવાન દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કરી લેવાયો હતો. જે વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. મહુવા તાલુકાનાં ગામોમાં હરણ જોવા મળવાની ઘટના દિવસ દરમિયાન તાલુકામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

સાપુતારાના ઘાટમાં સંરક્ષણ દીવાલ પર દીપડો દેખાયો
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં દીપડાઓની ચહલ પહલનો નિત્યક્રમ રોજબરોજની જોવા મળી રહી છે. ડાંગ જિલ્લાનાં જંગલોમાંથી શિકારની શોધમાં ભટકતા દીપડા હાલમાં માનવ વસતી તરફ નીકળી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. બુધવારે શામગહાનથી સાપુતારાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગના સાપુતારા ઘાટ માર્ગનાં મંદિર પાસે ધોળા દિવસે સંરક્ષણ દીવાલ ઉપર એક ખુંખાર દીપડો બેઠેલો વાહનચાલકોને નજરે પડતાં તેમણે આ દીપડાનો વિડીયો મોબાઈલમાં શૂટ કર્યો હતો. સાપુતારા ઘાટ માર્ગમાં આરામથી બેઠેલો દીપડો જોવા મળતાં પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, સાપુતારા ઘાટ માર્ગમાં શિકારની શોધમાં કાયમ માર્ગ પરથી પસાર થતા આ દીપડાએ આજદિન સુધીમાં અવરજવર કરતા વાહનચાલકો કે રાહદરીઓ પર હુમલો કર્યો નથી.

Most Popular

To Top