uncategorized

સુરતમાં કુદરતી હીરાની સામે કૃત્રિમ હીરાની ડિમાન્ડ વધી રહી છે, વધતા વ્યાપને જોતા કરાશે આ કામ

સુરત: (Surat) વિશ્વના જેમ એન્ડ જવેલરી (Gem And Jewelry) ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડની (Labgrown Diamond) માંગ વધતા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ઉત્કર્ષ માટે ભારત સરકાર યોજનાઓ બનાવવા વિચારણા કરી રહી છે. ભારત સરકારના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે લેબગ્રોન ડાયમંડ માટે અલાયદી પોલિસી (Policy) બનવવા માટે મુંબઈમાં (Mumbai) સ્ટેક હોલ્ડરો સાથે બેઠક યોજી હતી.

  • લેબગ્રોન ડાયમંડના વધતા વ્યાપને જોતા મેગા પાર્ક બનાવવામાં આવશે
  • લેબગ્રોન ડાયમંડને લગતાં પ્રશ્નો માટે કેન્દ્રીય વાણિજય મંત્રી પિયુષ ગોયલે સ્ટેક હોલ્ડરો સાથે બેઠક યોજી
  • સરકાર લેબગ્રોન ડાયમંડ માટે કોમન ફેસિલિટી સેન્ટર ઊભું કરવા માટે પણ વિચારી રહી છે

આ બેઠકમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિઓ,જેમ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અગ્રણીઓ,સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓ, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંબંધિત ખાતાના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં વાણિજય મંત્રી પિયુષ ગોયલે ઇન્ડસ્ટ્રીનો વ્યાપ હજી કઈ રીતે વધી શકે? એક્સપોર્ટમાં હજી કેટલો વધારો શક્ય છે? ટેકનોલોજી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે શું જરૂર છે? કયા ઇન્સેન્ટિવ આપવાથી ઉદ્યોગ અને સરકારને લાભ થાય એ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉદ્યોગકારોએ લેબગ્રોન ડાયમંડ મેન્યુફેકચરિંગ માટે એક મેગાપાર્ક, કોમન ફેસિલિટી સેન્ટર, ઇલેક્ટ્રિસિટી ઉપર રાજ્ય સરકાર દ્વારા ડ્યુટીમાં રાહત મળે, સોલાર માટે ખાસ પોલિસી જાહેર થાય, બેંક દ્વારા જે ક્રેડિટ પોલિસી જાહેર કરવામાં આવી છે તેનો લાભ લેબગ્રોન મેન્યુફેકચર્સને મળે, CVD /HPHT ના કોડ અલગ રાખવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી હતી.

જીજેઈપીસીના ગુજરાત રિજયનના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી ગોયલે આ માટે કોઈ પણ પ્રકાર નો નિર્ણય SMEને ધ્યાનમાં લીધા વિના નહિ કરવામાં આવે અને નાના યુનિટો સાથે પણ મીટિંગ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડ પર ડ્યુટી લાગુ કરવાની વાત થઇ હતી. જેનો લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રપોઝલ પર હાલમાં કામ ચાલી રહ્યું છે અને અધિકારીઓ દ્વારા આ અંગે ટ્રેડ, કાઉન્સિલ અને એસોસિએશન બધાને સાથે રાખીને એક પોલિસી જાહેર કરવામાં આવશે. સરકારે ડેટા કલેક્ટ થયાં પછી નીતિ બનવવાની ખાતરી આપી છે.

ભારતમાં સુરતમાં લેબમાં તૈયાર થતાં કૃત્રિમ એટલે કે લેબગ્રોન સિવિડી અને એચપીએચટી ડાયમંડ અને ડાયમંડ જવેલરીની ડિમાન્ડ જોવા મળતાં છેલ્લા 4 મહિનામાં લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 78 ટકાનો વધારો નોંધાયો છે. એપ્રિલથી જુલાઈ દરમ્યાન લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ વધીને 4842 કરોડ થયો છે. જે અત્યાર સુધીનો સર્વાધિક આંકડો છે. ભારતમાં તહેવારો અને યુરોપમાં ક્રિસમસની સીઝનમાં રેકોર્ડબ્રેક લેબગ્રોન ડાયમંડ અને જવેલરીનું વેચાણ થવાની શક્યતા જોવાઇ રહી છે. સુરત અને મુંબઈમાં લેબગ્રોન ડાયમંડનું 10 મોટી અને 40 નાની કંપનીઓ ઉત્પાદન કરી રહી છે. નેચરલ ડાયમંડ કરતાં લેબગ્રોન ડાયમંડની કિંમત 30 થી 40 ટકા સુધી ઓછી રહેતી હોય છે. લેબગ્રોન ડાયમંડનું સર્ટિફિકેશન પણ વિશ્વમાં માન્ય રહેતા જાણીતી વિદેશી કંપનીઓ સર્ટિફિકેશન ની અને ગ્રેડિંગની કામગીરી કરી રહી છે. કુદરતી હીરાના વેપાર સામે કૃત્રિમ હીરાની ડિમાન્ડ વધી રહી છે.

Most Popular

To Top