સુરત (Surat) રેલવે સ્ટેશન ઉપર કોસંબા ના એક મોબાઇલ શોપના (Mobile Shop) વેપારીએ લેણદારોની (Debtors) પઠાણી ઉઘરાણી અને ધમકીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ અમીન મુલતાની FB લાઈવ કરી ઝેર પીધું હોવાનું સામે આવ્યું છે. સિવિલમાં દાખલ અમીન મુલતાણીના સંબંધીઓ જણાવ્યું હતું કે રૂપિયા ચૂકવી દીધા બાદ પણ તેને ચેક બાઉન્સની ધમકી આપી ઉઘરાણી માટે ફોન પર ધમકી અપાઈ રહી છે. કોસંબા પોલીસમાં અરજી કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા અમીને આખરે જીવનથી હારી આવું પગલું ભર્યું છે. અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ.
પરિવારે જણાવ્યું હતું કે આપઘાતનો પ્રયાસ કરનાર અમીન ફરીદભાઈ મુલતાણીના લગ્નને માત્ર 8 મહિના થયા છે. પત્ની સગર્ભા છે. પરિવારમાં માતા-પિતા, બે બહેન અને માનસિક બીમાર ભાઈ છે. ફરીદભાઈ રૂ ની બનાવટના ગાદલા, ઓશિકા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમીન કોસંબામાં જ અમીન મોબાઇલ શોપ નામની મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવે છે.
વધુમાં જણાવ્યું હતું કે 5 વર્ષમાં લગભગ 60 લાખનું દેવું કરનાર અમીને કમાઈની પાય પાય લેણદારોને આપીને 50 લાખનું દેવું ચૂકવી દીધું છે. છતાં 8-10 લેણદારો પૈકી કેટલાક ચેક બાઉન્સની ધમકી આપી હજી 7.60 લાખની ઉઘરાણી કાઢી વસૂલી માટે ફોન કરી રહ્યા છે. આ બાબતને લઈ આખું પરિવાર માનસિક તણાવમાં રહે છે. વારંવારની ધમકી અને કેસ કરી બદનામ કરવાની વાત કરતા લેણદારોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આવું પગલું ભરવા મજબુર બન્યો હોય એમ કહી શકાય છે.
વધુમાં જણાવ્યું હતું કે અમીન રવિવારના રોજ સુરત મોબાઇલની એસેસરીઝની ખરીદી માટે આવ્યો હતો. પરત ફરતી વેળાએ લેણદારોએ ફોન પર ધમકી આપી ઉઘરાણી કરતા કહ્યું કે કોસંબા આવ્યો તો જોઈ લેજે. જેના કારણે અમીને ડરના મારે કંટાળીને સુસાઇડ નોટ લખી FB પર લાઈવ કરી ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ એને રિક્ષામાં સારવાર માટે અજાણ્યા ઈસમો સિવિલ લઈ આવ્યા હતા. હાલ એની તબિયત સાધરણ છે. કોસંબા પોલીસમાં આ બાબતે અરજી આપ્યા બાદ પણ કોઈ પગલાં નહી ભરાતા અમીને આવું પગલું ભરવા મજબુર બન્યો હોય એ વાત ને નકારી શકાય નહીં. હાલ પોલીસ તપાસ ચાલુ છે.