સુરત : સુરતમાં લગ્નજીવન (Marriage) દરમિયાન થતાં ખટરાગનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક 73 વર્ષીય વૃદ્ધે તેની 59 વર્ષની પત્નીને ચપ્પુના (Knife) ઘા ઝીંકી દેતા તેને હોસ્પિટલમાં (Hospital) ખસેડવી પડી છે. આ દંપતિ વચ્ચે ભરણપોષણનો કેસ ચાલતો હતો. કોર્ટે વૃદ્ધને માસિક 2000નું ભરણપોષણ ચૂકવવાનો હુકમ કર્યો હતો પરંતુ તે ચૂકવી શકે તેમ નહીં હોવાથી ઉશ્કેરાઇને તેમણે કોર્ટની સામે જ પત્ની પર હુમલો કરી દીધો હતો.
- છ વર્ષ પહેલા 38 વર્ષના લગ્નજીવનમાં ભંગાણ પડતાં અલગ થઇ ગયા હતાં
- કોર્ટે 2000 દર મહિને આપવા હુકમ કર્યો હતો પરંતુ તે પણ ચૂકવી શકતા ન હતાં
- હું મારૂ જ પેટ નથી ભરી શકતો તો ભરણપોષણ કઇ રીતે ચૂકવું?
સુરતમાં કોર્ટ બિલ્ડિંગની સામે એક વૃદ્ધા પર વૃદ્ધે ચાકુથી હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. ઘાયલ થયેલી આ વૃદ્ધાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જો કે, આ બનાવ પાછળ જે વિગતો બહાર આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. મળતી માહિતી મુજબ અલથાણ વિસ્તારમાં રહેતા 73 વર્ષીય પ્રમોદભાઇ (નામ બદલ્યું છે) ના લગ્ન 38 વર્ષ પહેલા સામાજિક રીતીરિવાજ પ્રમાણે સવિતાબેન સાથે થયા હતા અને હાલ સવિતા બેનની ઉંમર 59 વર્ષની છે. છ વર્ષ પહેલા તેમના 38 વર્ષના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હતું અને બંને અલગ થઇ ગયા હતાં. પ્રમોદભાઇ એકલા રહેતા હતાં જ્યારે શારદા બેન દીકરી સાથે રહેતા હતાં. અલગ પડ્યા બાદ સવિતાબેને પતિ પર ભરણપોષણનો કેસ કર્યો હતો જેનો ચૂકાદો બે વર્ષ પહેલા આવતો હતો. જો કે, બે વર્ષથી પતિ ભરણપોષણની રકમ નહીં આપતો હોવાથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. દરમિયાન આજે આ બંને કોર્ટમાં પહોંચ્યા હતાં અને કોર્ટની કામગીરી પતાવ્યા બાદ સવિતાબેન કોર્ટ કંમ્પાઉન્ડની બહાર ઊભા હતાં ત્યારે પ્રમોદભાઇ આવ્યા હતા અને પત્નીને ચાકુના ઘા મારી દીધા હતાં. તેમનું કહેવું એવું હતું કે, તેઓ તેમનું જ પેટ ભરી નથી શકતા તો ભરણપોષણના રૂપિયા ક્યાંથી ચૂકવે?