SURAT

સુરતીઓએ બે દિવસ મૌજથી ઉજવ્યો ઉત્તરાયણનો તહેવાર, અકસ્માતોની પણ રહી ભરમાર

સુરત: (Surat) સુરતીઓએ પતંગ (Kite) અને ખાણીપીણી સંગ ઉત્તરાયણનો તહેવાય ઉજવ્યો હતો. શનિવાર અને રવિવાર (Saturday And Sunday) બંને દિવસ સુરતમાં પતંગનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને કોટ વિસ્તારમાં સમગ્ર દિવસ દરમ્યાન આકાશ (Sky) પતંગોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. જોકે મોજ મસ્તીની સાથે શહેરમાં અકસ્માતોની પણ વણઝાર લાગી હતી. સમગ્ર દિવસ દરમ્યાન 108 ધમધમતી રહી હતી.ઘાયલ થયેલા લોકોને સુરતની સ્મીમેર હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તો પક્ષીઓના જીવ બચાવવા માટે પક્ષી પ્રેમીઓ પણ સતત મહેનત કરતા જોવા મળ્યા હતા.

  • સુરતીઓએ બે દિવસ મૌજથી ઉજવી ઉત્તરાયણ
  • શહેરમાં અકસ્માતોની પણ વણઝાર રહી
  • કોરોના પહેલા જેવો ઉત્તરાયણનો માહોલ જોવા ન મળ્યો
  • શનિ-રવિની રજાને કારણે અનેક લોકો બહાર ફરવા નિકળી ગયા

શનિવાર અને રવિવાર બે દિવસ રજા હોવાને કારણે સુરતીઓએ આ વખતની ઉત્તરાયણ રંગેચંગે ઉજવી હતી. હવા એ પણ પતંગ રસિયાઓનો સાથ આપ્યો હતો. સાંજના સમયે સારી હવા હોવાને કારણે પતંગબાજોને મજા પડી ગઈ હતી. સાથેજ સુરતીઓએ સુરતી જમણનો પણ આનંદ માણ્યો હતો. શનિવાર અને રવિવાર બંને દિવસોમાં સવારમાં જ દુકાનો પર ઉંધિયુ વેચાઈ જવાને કારણે દુકાનદારો પરવારી ગયા હતા. તો પોંક અને પોંક વડા ખરીદવા માટે સુરતીઓએ સાંજે ભીડ લગાવી હતી. સાંજે ધાબા પરથી ઉતર્યા બાદ સુરતીઓએ ચાઈનીઝની લારીઓ પર લાઈન લગાવી હતી. ખાણીપીણીના શોખીન સુરતીઓએ સાંજે આતશબાજીનો આનંદ માણ્યો હતો.

બીજી તરફ બંને દિવસોમાં અકસ્માતો પણ સર્જાયા હતા. સ્મીમેર હોસ્પિટલમાં પતંગના દોરાને કારણે ઈજા થયેલા ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા. તો શહેરની સિવિલમાં હોસ્પિટલમાં પણ 108 દ્વારા ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા. પક્ષીઓના ઘાયલ થવાના બનાવો પણ સામે આવ્યા હતા. સુરત શહેર અને જિલ્લામાં મકરસંક્રાંતિ દરમિયાન સતત અકસ્માતો સર્જાયા હતા. સુરતના રાંદેર, અમરોલી, લિંબાયત, કતારગામ, કોટ વિસ્તારમાં અકસ્માતો સર્જાયા હતા.

આ વર્ષે સુરતવાસીઓએ ઠંડીનો પણ આનંદ લીધો હતો. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે લોકોને વધુ ઠંડીનો અહેસાસ થયો હતો. જોકે ધાબા પર સોનેરી તડકો શેકવાની સાથે સુરતીઓએ પતંગ ઉડાડવાનો આનંદ લીધો હતો. જોકે મળતી માહિતી મુજબ કોરોના પહેલા લોકોમાં ઉત્તરાયણને લઈને જે ઉત્સાહ જોવા મળતો હતો તેવો ઉત્સાહ આ વર્ષે જોવા મળ્યો ન હતો. અનેક લોકો શનિ-રવિની રજામાં બહાર ફરવા નિકળી ગયા હતા.

Most Popular

To Top