સુરત: (Surat) છાપરાભાઠા ખાતે રહેતા વેવાઈ પક્ષો વચ્ચે અગાઉ થયેલી બોલાચાલીની અદાવતમાં ગઈકાલે ધંધુકીયા બંધુઓએ બનેવીના ભાઈને ગેરેજ પરથી અપહરણ (Kidnapping) કરી અમરોલી ચાર રસ્તા પાસે ઓફિસમાં (Office) લઇ ગયા હતા. જ્યાં બે અજાણ્યાઓની હાજરીમાં તેને ઢોર માર મારી પરિવારને જાનથી મારવાની ધમકી (Threat) આપી હોવાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
- છાપરભાઠામાં પારીવારિક ઝઘડાની અદાવતમાં સાળાઓએ બનેવીના ભાઈનું અપહરણ કરી માર માર્યો
- ચાર જણાએ મળીને યુવકને બાઈક પર અપહરણ કરી ઓફિસમાં ગોંધી રાખ્યો
- યુવકને માર મારી તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી
- બે વેવાઇ પક્ષો વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો
- બેલ્ટ અને ચપ્પલ વડે માર મારી બિભત્સ ગાળો આપી હતી
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે જલારામ સોસાયટીમાં રહેતો 23 વર્ષીય ભુપેન્દ્ર ગોરધનભાઇ પ્રજાપતિ અમરોલી વિસ્તારમાં જ ગેરેજ ચલાવે છે. ગત 15 મે ના બપોરે ભુપેન્દ્ર અમરોલી ખાતે શાંતિનિકેતન સોસાયટીના ગેટ પર પોતાના ગેરેજ પર હતો. ત્યારે રાહુલ કાનજીભાઇ ધંધુકીયા (રહે, ગીરનાર સોસાયટી, છાપરાભાઠા) અને તેજસ કાનજીભાઇ ધંધુકીયા બાઇક લઇને ત્યાં આવ્યા હતા. તેમના સાથે અન્ય બાઈક પર બે અજાણ્યા પણ આવ્યા હતા. જુના ઝઘડાની અદાવતમાં ચારેયએ ભેગા મળી બાઇક પર બળજબરીથી અપહરણ કરી અમરોલી ચાર રસ્તા પાસે આવેલા લક્ષ પ્લાઝાના ચોથા માળે આવેલી એક ઓફિસમાં લઇ ગયા હતા. જ્યાં રાહુલ અને તેજસે બે અજાણ્યાઓની હાજરીમાં તેને માર માર્યો હતો. બેલ્ટ અને ચપ્પલ વડે માર મારી બિભત્સ ગાળો આપી હતી. ભુપેન્દ્ર અને તેના પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી. અમરોલી પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
અગાઉ રાહુલ અને તેજસને મારતા તેની અદાવત રાખી હતી
રાહુલની બહેનની ડિલિવરી બાદ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો પોલીસ સુધી પહોંચતા પીસીઆર બોલાવી હતી. જોકે બહેને હજી તેની દિકરીને ચાર દિવસ થયા અને તમે આવું કરો છો તેમ કહીને સમજાવી પીસીઆર પરત મોકલી આપી હતી. જે તે સમયે ભુપેન્દ્રના પરિવારે રાહુલ અને તેજસના પરિવારને માર માર્યો હતો. જેની અદાવત રાખી બંનેએ તેનું અપહરણ કર્યું હતું.