સુરત: (Surat) સરથાણામાં લોન કન્સલ્ટિંગ એજન્ટની પાસેથી લોનના (Loan) આપેલા રૂા. 1 કરોડ પરત મેળવવા માટે તેનું અપહરણ કરીને બે પ્રોપર્ટી લખાવી લેવામાં આવી હતી. આ માટે વેપારીએ ચારથી પાંચ વ્યક્તિઓને સોપારી પણ આપી હતી. બે વર્ષ પહેલા બનેલી આ ઘટનાને લઇને આખરે સરથાણા પોલીસે અપહરણ (Kidnapping) અને ખંડણીનો ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સરથાણાની સૂર્યા બિલ્ડીંગમાં રહેતા મગન બાબુભાઇ રાદડીયા લોન એજન્ટનું કામ કરે છે. તેની મુલાકાત કતારગામ આંબાતલાવડી પાસે હિરેન ચતુરભાઇ સરખેલીયાની સાથે થઇ હતી. હિરેન સરખેલીયા યાર્ન ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા છે. સને-2019માં વેપારની મોટી લોન લેવા માટે હિરેનભાઇએ મગન રાદડીયાનો સંપર્ક કર્યો હતો અને 3 મિલિયન યુરો (27 કરોડ)ની લોન લેવાની વાત કરી હતી. મગનભાઇએ હિરેનભાઇની મુલાકાત મુંબઇના પલ બિઝનેસ કન્સલ્ટિંગના ડિરેક્ટરની સાથે કરાવી હતી. હિરેનભાઇએ શરૂઆતમાં જ રૂા. 1 કરોડ રૂપિયા પલ કંપનીને આપી દીધા હતા. પલ કંપનીએ તમામ ડોક્યુમેન્ટ માંગ્યા હતા. ડોક્યુમેન્ટો મોર્ગેજમાં હોવાથી તે ચેક થઇ શક્યા ન હતા અને લોન મંજૂર થઇ શકી ન હતી. બાદમાં હિરેને પોતાના 1 કરોડ પરત માંગ્યા હતા.
પલ કંપનીએ પણ રૂપિયા પરત આપી દેવા જણાવ્યું હતું. આ મામલો લાંબો ચાલતાં હિરેનભાઇએ તેના મિત્રો મારફતે મગનનું અપહરણ કરીને યોગીચોક પાસે પોલારીશ પ્લાઝામાં લઇ ગયો હતો અને ત્યાં માર મારીને એક પ્રોમેશરી નોટ લખાવી લીધી હતી, મગનભાઇની પાસેથી બે મિલકતોનું લખાણ લખાવીને છોડી દીધો હતો. મગનભાઇએ આ મામલે હિરેન સરખેલીયા તેમજ વિજય ઉર્ફે ટીકુ બાબુભાઇ વાવીયા, ગૌતમ ઉર્ફે બકાભાઇ વાવીયા, નિકુંજ વિનુ કાનાણી, વિનુ કાનાણી અને વિપુલ બાબુ મકાણીની સામે ફરિયાદ પણ આપી હતી. બે વર્ષ બાદ સરથાણા પોલીસે આ તમામની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ઓનલાઇન લોન મેળવતા લોકો માટે લાલબત્તીસમાન કિસ્સો
સુરત: ઓનલાઇન લોન મેળવતા લોકો માટે લાલબત્તીસમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિંડોલીમાં રહેતી એક મહિલાએ બજાજ ફાયનાન્સની ઓનલાઇન વેબસાઇટ ઉપર રૂ.1.50 લાખની લોન મેળવવા રિક્વેસ્ટ કરી હતી. જેના આધારે બે ગઠિયા બજાજ ફાયનાન્સના નામે આવી મહિલાની પાસેથી અલગ અલગ ચાર્જના રૂ.37 હજાર પડાવી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી મોર્યાનગર ખાતે રહેતા સુશીલ દુબે ઘર પાસે ગેરેજ ચલાવે છે. સુશીલની પત્ની કવિતા (ઉં.વ.૪૩)એ તા.૧૨ જુલાઈએ બજાજ ફાયનાન્સ કંપનીની વેબસાઈટ ઉપર રૂ.૧.૫૦ લાખની લોન મેળવવા ઓનલાઇન પ્રોસેસ કરી હતી. વેબસાઇટ ઉપર જરૂરી વિગતો ભરી મહિલાએ પોતાના ઘરનું સરનામું, નામ તેમજ મોબાઇલ નંબર આપ્યો હતો. બીજા દિવસે અજાણ્યાએ કવિતાબેનને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તમારી લોન એપ્રૂવલ થઇ ગઇ છે. તમારે લોન પ્રેસોસ, ઇન્ફોર્મેશન ચાર્જ, ઇન્કમટેક્સ ચાર્જ સહિત રૂ.2350 ભરવા પડશે. 2350ની રકમ ભર્યા બાદ ઇ-મેઇલ અને વોટ્સઅપ મારફતે અલગ અલગ ચાર્જીસના રૂ.37 હજાર પડાવી લીધા હતા. ત્યારબાદ અજાણ્યાઓએ બીજા રૂ.19 હજારની માંગણી કરતાં મહિલાને શક ગયો હતો. મહિલાએ લોન કેન્સલ કરાવીને પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. આ દરમિયાન ઠગબાજોએ લોન કેન્સલ કરાવવા માટે પણ બીજા 7500 માંગ્યા હતા. આખરે આ મામલે કવિતાબેનએ પોતાના પતિને કહીને ડિંડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરાવી છે.